ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ : હવે પ્રમુખપદે કોણ આવશે તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે
- અત્યારે તો 'ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ' મોહમ્મદ મોખબેર સૂત્રો સંભાળશે તે પછી ૫૦ દિવસે ચૂંટણી થશે : છેલ્લે આયાતોલ્લાહ ખોમેનીની મંજૂરી અનિવાર્ય
તેહરાન : પ્રમુખ ઈબ્રાહીમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થતાં હવે ફર્સ્ટ-વાઇસ-પ્રેસિડેન્ટ મોહમ્મદ મોખબેર સત્તા સંભાળી લેશે. આ કાર્યવાહી ઈરાનના સંવિધાનને અનુરૂપ છે. પરંતુ તેમાં આખરી મંજૂરી ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક વડા આયાતોલ્લાહ ખોમેનીની મંજૂરી અનિવાર્ય બની રહેશે. જે અંગે માનવામાં આવે છે કે, આયાતોલ્લાહ મંજૂરી આપી જ દેશે કારણ કે મોખબેર આયાતોલ્લાહના નિકટવર્તી છે.
ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમ રાયસીનું વિદેશમંત્રી અને અન્ય મંત્રીઓ સાથે ઈરાનના ઉત્તર પશ્ચિમના વનાચ્છાદિત પર્વતોમાં તેમને લઈ જતું હેલિકોપ્ટર તૂટી પડતાં તે સર્વેનાં નિધન થયા હતા. સોમવારે થયેલી આ દુર્ઘટના પછી દેશમાં સત્તાનાં સૂત્રો કોણ સંભાળે તે અંગે ઈરાનનાં બંધારણમાં જણાવ્યા પ્રમાણે તેના અનુચ્છેદ ૧૩૧ મુજબ ઉપપ્રમુખ સમયોચિત સત્તા સંભાળી લેશે. પરંતુ તેને દેશના સર્વોચ્ચ ધાર્મિક વડા આયોતોલ્લાહ ખોમેનીના 'આશિર્વાદ' મળવા અનિવાર્ય છે.
ઈરાનના નવા પ્રમુખ સંબંધે કેટલીક મહત્વની વિગતો આ પ્રમાણે છે. મોહમ્મદ મોખબેર અત્યારે ઈરાનના ફર્સ્ટ-વાઈસ-પ્રેસિડેન્ટ છે. આમ છતાં તેઓ સત્તાના સૂત્રો સંભાળે તે માટે દેશના સર્વોચ્ચ ધાર્મિક વડા આયાતોલ્લાહ ખોમેનીની મંજૂરી જરૂરી છે. આ ઉપરાંત ફર્સ્ટ-વાઇસ-પ્રેસિડેન્ટ સંસદના અધ્યક્ષ સર્વોચ્ચ ન્યાયમૂર્તિની બનેલી સમિતિએ આગામી ૫૦ દિવસમાં જ નવા પ્રમુખની ચૂંટણી માટે વ્યવસ્થા ગોઠવવી પડશે.
૧ સપ્ટે. ૧૯૫૫ના દિવસે જન્મેલા મોખબેર સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ અલિ ખોમેનીના નિકટવર્તી છે. ખોમેની જ ઈરાનનાં રાજકારણમાં, અર્થતંત્રમાં અને સામાજિક જીવન પ્રણાલીમાં પણ આખરી અધિકાર ભોગવે છે. ૨૦૨૧માં રાઈસી પ્રમુખપદે આવ્યા ત્યારે મોખબેરને 'પ્રથમ ઉપપ્રમુખ' બનાવાયા હતા.
રશિયાને ઈરાનનાં ભૂમિ-થી-ભૂમિ ઉપર પ્રહાર કરી શકે તેવા મિસાઇલ્સ વેચવા ઓક્ટોમ્બરમાં થયેલ કરારોમાં મોખબેરે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે તેઓએ જે પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું તેમાં ઈરાનના રીવોલ્યુશનરી ગાર્ડઝ અને સુપ્રીમ નેશનલ સિક્યુરીટી કાઉન્સીલના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હતા.
તેઓ સર્વોચ્ચ ધાર્મિક નેતા સાથે જોડાયેલા ઈન્વેસ્ટમેન ફંડ 'સેનાદ' સાથે સંલગ્ન હતા તે પછી ૨૦૧૦ યુરોપિયન યુનિયને તેઓ ઉપર ૨૦૧૦માં પ્રતિબંધ મુક્યો હતો. કારણ કે તેઓ ઈરાનની પરમાણુ શક્તિ માટેની કાર્યવાહી સાથે જોડાયેલા હોવાનું યુરોપીય યુનિયન માનતું હતું. પરંતુ તેમની ઉપરના તે પ્રતિબંધો ૨૦૧૨માં પાછા ખેંચી લેવાયા હતા.
૨૦૧૩માં અમેરિકાનાં વિત્ત મંત્રાલયે 'સેનાદ' અને તેને સંલગ્ન કંપનીઓ ઉપર પ્રતિબંધો મુક્યા હતા તે માટે સૌથી વધુ મહત્વનું કારણ તે હતું કે ૧૯૭૯માં થયેલાં ઈસ્લામિક રીવોલ્યુશનના નેતાઓના હાથમાં તેનો વહીવટ આપ્યો છે.
ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમ રાયસી અને વિદેશમંત્રી હુસૈન અમીર બ્દોલ્લાહીમના નિધન અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે શોક સંદેશા પાઠવ્યા હતા.