ઈરાનનો ઈઝરાયેલ પર હુમલો : વિશ્વ ભયભીત
- ઈરાને 13 દિવસે વળતો જવાબ આપ્યો : પહેલી વખત ઇઝરાયેલ પર સૈન્ય કાર્યવાહી
- ઈરાને ૧૭૦થી વધુ ડ્રોન, ૧૨૦થી વધુ મિસાઈલ, ૩૦થી વધુ ક્રુઝ મિસાઈલ છોડયા ઃ ૯૯ ટકા હવામાં તોડી પાડયાનો ઇઝરાયેલનો દાવો
- ઈઝરાયેલ, જોર્ડન, લેબેનોન સહિત મધ્ય-પૂર્વના દેશોએ અનિશ્ચિત સમય સુધી એરસ્પેસ બંધ કરી
- ઈરાનના હુમલાથી ઈઝરાયેલને ૧.૩ અબજ ડોલરનો આર્થિક ફટકો, અમેરિકાએ નેતન્યાહુને તાત્કાલિક વળતો જવાબ આપતા રોક્યા
- મિત્ર-પડોશી દેશોને ૭૨ કલાક પહેલાં, અમેરિકાને 'મર્યાદિત હુમલા'ની જાણ કરી હતી ઃ ઈરાનના વિદેશ મંત્રી
તહેરાન: દુનિયામાં અત્યારે અનેક મોરચાઓ પર યુદ્ધ ચાલી રહ્યા છે ત્યારે ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરીને વધુ એક મોરચો ખોલી દીધો છે. સીરિયામાં પોતાના દુતાવાસ પર ઈઝરાયેલના હુમલાનો બદલો લેવા ઈરાને ૧૩ દિવસે અંતે શનિવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર ૩૦૦થી વધુ મિસાઈલ અને ડ્રોનનો હુમલો કર્યો હતો. જોકે, ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેણે ઈરાનના ૯૯ ટકા મિસાઈલ્સ-ડ્રોનને નિષ્ફળ બનાવ્યા છે. હવે તે ઈરાનને વળતો જવાબ આપશે. જોકે, અમેરિકાએ ઈઝરાયેલને તાત્કાલિક પ્રતિસાદ આપતા અટકાવ્યું હોવાનું જણાવાયું છે. બીજીબાજુ ઈરાને દાવો કર્યો હતો કે તેણે પડોશી દેશો અને અમેરિકાને ૭૨ કલાક પહેલાં જ 'મર્યાદિત હુમલા' અંગે જાણ કરી હતી. આ હુમલાએ દુનિયાને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ધકેલી હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
ઈઝરાયેલે સીરિયાના દમાસ્કસમાં ૧ એપ્રિલે ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરતાં તેના બે વરિષ્ઠ જનરલ સહિત ૭ સૈન્ય અધિકારીનાં મોત નીપજ્યાં હતા. જેનો બદલો લેવા માટે ઈરાને શનિવારે મોડી રાત્રે ૧૭૦થી વધુ ડ્રોન્સ, ૧૨૦થી વધુ બેલિસ્ટિક મિસાઈલ્સ અને ૩૦થી વધુ ક્રુઝ મિસાઈલ્સથી ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ઈરાને ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમથી બચવા માટે અલગ અલગ હથિયારોનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે. ઈરાને આ હુમલાને 'ઓપરેશન ટ્રુ પ્રોમીસ' નામ આપ્યું હતું. આ હુમલા પછી ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીએ કહ્યું હતું કે તેનો હુમલો પૂરો થયો છે. પરંતુ ઈઝરાયેલ આ વળતો પ્રતિસાદ આપશે તો તેનો વધુ ભારે જવાબ આપવામાં આવશે. ૧૯૭૯માં ઈસ્લામિક ક્રાંતિ પછી ઈઝરાયેલ સાથે દુશ્મનાવટ વધવા છતાં ઈરાને પહેલી વખત ઈઝરાયેલ પર શનિવારે રાતે સીધો લશ્કરી હુમલો કર્યો હતો. જોકે, ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સીસે કહ્યું કે જ્યાં પણ જરૂર હશે ત્યાં તેમના હુમલાને રોકવામાં આવશે. આ સંબંધમાં ઈઝરાયેલમાં વોર કેબિનેટની બેઠક પણ બોલાવાઈ છે.
ઇરાનના હુમલા સાથે લેબેનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહે પણ ઉત્તરીય ઈઝરાયેલ પર હુમલા ચાલુ રાખ્યા છે. તેના જવાબમાં ઈઝરાયેલે ઉત્તરીય લેબેનોનમાં હિઝબુલ્લાના હથિયારોના ઉત્પાદન યુનિટને ઉડાવી દીધું છે. ઈઝરાયેલ પર હુમલા પછી મધ્ય-પૂર્વમાં તણાવ વધી ગયો છે. ઈઝરાયેલ સહિત અનેક મધ્ય-પૂર્વી દેશોએ તેમની એરસ્પેસ બંધ કરી દીધી છે અને વ્યાવસાયિક વિમાનોના ઉડ્ડયનોને ડાયવર્ટ કર્યા છે. ઈઝરાયેલે બધી જ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. જોર્ડન અને લેબેનોને પણ તેની એર સ્પેસ અસ્થાયીરૂપે બંધ કરી દેવાની જાહેરાત કરી છે. જોર્ડનની એર સિક્યોરિટી તેની એરસ્પેસનો ભંગ કરનારા ઈરાની ડ્રોન અથવા વિમાનને તોડી પાડવા માટે તૈયાર છે.
ઈરાનના હુમલા પછી અમેરિકા ખુલીને ઈઝરાયેલના સમર્તનમાં આગળ આવ્યું છે. અમેરિકન સંરક્ષણ મંત્રીએ ઈઝરાયેલના સમકક્ષ યોવ ગૈલન્ટ સાથે વાત કરી હતી અને આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલ પ્રત્યે અમેરિકાના સમર્થનની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, અમે ડિફેન્સ સિસ્ટમને કામ પર લગાવી દીધી છે. અમે કોઈપણ સ્થિતિના સામના માટે તૈયાર છીએ. નેતન્યાહુએ અમેરિકન પ્રમુખ બાઈડેન સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
ઈઝરાયેલના સૂત્રોનું કહેવું છે કે અમેરિકાએ ઈઝરાયેલને આ હુમલાનો તાત્કાલિક પ્રતિસાદ આપતા અટકાવ્યું છે. બાઈડેને કહ્યું છે કે અમેરિકા ઈઝરાયેલની સુરક્ષા પ્રત્યે કટિબદ્ધ છે, પરંતુ તે સ્થિતિને વધુ ઉશ્કેરવાની તરફેણ નહીં કરે. ઈઝરાયેલે ઈરાન પર તુરંત વળતો હુમલો કરવાની તૈયારી કરી લીધી હતી, પરંતુ અમેરિકાએ તેની યોજનાનો વિરોધ કર્યો હતો અને તેને હુમલો કરતાં રોક્યું હતું.
દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમિરાબ્દોલ્લાહૈએ દાવો કર્યો હતો કે, તેણે ઈઝરાયેલ પર હુમલાના ૭૨ કલાક પહેલાં પડોશી દેશોને ચેતવણી આપી દીધી હતી. અમે અમારા મિત્રો અને પડોશીઓને ઈઝરાયેલ સામે અમારા નિશ્ચિત, કાયદેસર અને અફર જવાબની જાણ કરી દીધી હતી. તેમણે નોંધ્યું હતું કે, ઈરાને વોશિંગ્ટનને ઈઝરાયેલ સામે 'મર્યાદિત' અને 'સ્વરક્ષણ માટેના' હુમલાની જાણ કરી હતી. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈઝરાયેલે ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે, પરંતુ આ હુમલાથી તેના અર્થતંત્રને ૧.૩ અબજ ડોલરથી વધુનો ફટકો પડયો છે. ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાને ખાળવા માટે ઈઝરાયેલે જે ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો, તેમાં જેટ ઈંધણ, મિસાઈલ ઈન્ટરસેપ્ટર્સ અને અન્ય સંશાધનો પાછળ ૧.૩ અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો.