Get The App

ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઈરાનનો પરમાણુ પ્લાન્ટ ધ્વસ્ત થયો

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઈરાનનો પરમાણુ પ્લાન્ટ ધ્વસ્ત થયો 1 - image


- દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલના કુલ 33 સૈનિકોનાં મોત

- ઈઝરાયેલના તેલ અવિવમાં ટ્રક-બસના અકસ્માતમાં ચારનાં મોત, ૪૦ ઘાયલ, ટ્રક ડ્રાઈવરને ઠાર કરાયો

તેલ અવીવ: ઈઝરાયેલે શનિવારે વહેલી સવારે ઈરાનના ત્રણ સ્થળો પર હુમલો કરીને મુસ્લિમ રાષ્ટ્રને મોટો ફટકો પહોંચાડયો હતો. કેટલીક સેટેલાઈટ તસવીરોથી ઈરાનને થયેલા નુકસાનનું ચિત્ર બીજા દિવસે આંશિક રીતે સ્પષ્ટ થયું છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેના હુમલાથી ઈરાનનો પરમાણુ પ્લાન્ટ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ ધ્વસ્ત થઈ ગયા છે. બીજીબાજુ દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલના જમીની હુમલામાં તેના કુલ ૩૩ સૈનિકોના જ્યારે ઈઝરાયેલના ગ્લિલોટમાં એક ટ્રકે બસને ટક્કર મારતા ચારનાં મોત થયા છે.

ઈરાનની ઓઈલ-પેટ્રોકેમિકલ રિફાઈનરીઓની સુરક્ષા માટે તૈનાત એર ડિફેન્સ સિસ્ટમ ઈઝરાયેલે સંપૂર્ણપણે તોડી પાડી

ઈઝરાયેલના સંરક્ષણ સૂત્રો મુજબ તેમણે શનિવારે કરેલા હુમલામાં ઈરાનને મોટું નુકસાન પહોંચાડયું છે. તહેરાનના દક્ષિણ-પૂર્વમાં સ્થિત તેના ગુપ્ત સૈન્ય સ્થળ પર હુમલાથી તેમનો પરમાણુ પ્લાન્ટને ભારે નુકસાન થયું છે. આ પ્લાન્ટ ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ સાથે પણ જોડાયેલો હતો. ઈઝરાયેલ દ્વારા ઈરાનના ૨૦ સ્થળો પર કરવામાં આવેલા હુમલામાં કેટલાક સ્થળોનું એક સમાચાર સંસ્થાએ સેટેલાઈટ મારફત મેળવેલી તસવીરોનું રવિવારે વિશ્લેષણ કર્યું હતું, જેમાં ખ્યાલ આવે છે કે નુકસાન ગ્રસ્ત ઈમારતો ઈરાનના સૈન્ય અડ્ડામાં સ્થિત હતી.

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીને પણ આશંકા છે કે ઈરાનના પૂર્વમાં પરમાણુ હથિયારો સાથે સંકળાયેલા વિસ્ફોટકોનું પરીક્ષણ કર્યું હતું. ઈરાન લાંબા સમયથી તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હોવાનો દાવો કરી રહ્યું છે. જોકે, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી, પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે તહેરાન ૨૦૦૩થી સક્રિય રીતે પરમાણુ હથિયારો પર કામ કરી રહ્યું છે. જોકે, આ હુમલામાં તેનો કાર્યક્રમ ધ્વસ્ત થઈ ગયો છે. વધુમાં ઈઝરાયેલના હુમલાએ ઈરાનના અનેક મહત્વપૂર્ણ ઓઈલ અને પેટ્રોકેમિકલ રિફાઈનરીઓની સુરક્ષા માટે તૈનાત એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે તોડી પાડી છે. 

ઈઝરાયેલના સૈન્ય અધિકારીઓએ કહ્યું કે, તેમના હુમલાએ ઈરાનના સૈન્ય સ્થળોને નિશાન બનાવ્યા હતા અને તેમનો નાશ કર્યો હતો. આ હુમલામાં ઈરાનના મિસાઈલ ઉત્પાદન એકમનો સંપૂર્ણપણે સફાયો કરી દેવાયો હતો. ઈઝરાયેલે લાંબા અંતરના બેલિસ્ટિક મિસાઈલો માટે સોલિડ ફ્યુઅલનું ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાતા ૧૨ પ્લેનેટરી મિક્સરનો નાશ કર્યો છે.

દરમિયાન ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ રાખ્યું છે. જોકે, હીઝબુલ્લાના આતંકીઓએ ઈઝરાયેલના સૈનિકો પર હુમલા ચાલુ રાખ્યા છે. શનિવારે ઈઝરાયેલના વધુ પાંચ સૈનિકોના મોત થતાં કુલ મૃત્યુઆંક ૩૩ને પાર થયો છે. બીજીબાજુ ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં એક ટ્રકે બસ સાથે ટક્કર મારતા ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા અને ૪૦થી વધુને ઈજા પહોંચી છે. આ ઘટના પછી ઈઝરાયેલના સુરક્ષા દળોએ ટ્રક ડ્રાઈવરને ગોળી મારીને ઠાર કર્યો હતો. આ અકસ્માત આતંકી હુમલો હોવાનું મનાય છે.



Google NewsGoogle News