Get The App

VIDEO: ‘દુનિયાભરના મુસ્લિમો ઈઝરાયલ સામે એક થાઓ’, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું આહવાન

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
VIDEO: ‘દુનિયાભરના મુસ્લિમો ઈઝરાયલ સામે એક થાઓ’, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું આહવાન 1 - image


Israel-Iran War : ઈઝરાયલે લેબેનોનમાં અનેક હુમલા કરીને મોટાપાયે જાનમાલને નુકસાન કર્યા બાદ ઈરાન સાથે પણ સંઘર્ષ કરી રહ્યું છે. ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાહના વડા નસરલ્લાહને પણ મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટના બાદ ઈરાનના સર્વોચ્ચ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ પાંચ વર્ષમાં પહેલીવાર શુક્રવારની નમાજ અદા કરીને લાખો લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન ખામેનીએ દુનિયાભરના મુસ્લિમોને ઈઝરાયલ સામે એક થઈને બદલો લેવાનું આહવાન કર્યું હતું. આ સંબોધન વખતે મસ્જિદ બહાર બે લાખથી વધુ મહિલાઓ કફન લઈને હાજર રહી હતી, જેમણે ઈઝરાયલ વિરુદ્ધ આક્રમકતાથી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ભાષણ પૂરું થતાં જ લેબેનોને ઈઝરાયલ પર આક્રમક હુમલા શરૂ કરી દીધા હતા. 

આપણે દુશ્મનોના ઈરાદાઓને નિષ્ફળ બનાવીશું : ખામેની

ખામેની જ્યારે દેશવાસીઓને સંબોધન કરી રહ્યા હતા, ત્યારે તેમના એક હાથમાં રાઈફલ હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘આપણે અલ્લાહે બતાવેલા રસ્તા પરથી નહીં હટીએ. દુશ્મન પોતાનું શેતાની શાસન વધારવા માંગે છે, જોકે મુસ્લિમો સાથે રહેશે તો આપણું ભલું થશે. આપણે દુશ્મનોના ઈરાદાને નિષ્ફળ બનાવીશું. તેઓ મુસલમાન ભાઈઓમાં દુશ્મની વધારવા માંગે છે. તેઓ પેલેસ્ટાઈન અને યમનના પણ દુશ્મન છે.’

આ પણ વાંચો : ઈઝરાયલે કરી મોટી ભૂલ? સીરિયામાં ઈરાનને નિશાન બનાવવા જતાં રશિયાના એરબેઝ પર કરી એરસ્ટ્રાઈક!

દુનિયામાં કોઈ કોર્ટ નથી જે પેલેસ્ટાઈનને ન્યાય અપાવી શકે 

ખામેનીએ ઈઝરાયલ પર હુમલો કરવાનું આહવાન કરતા કહ્યું કે ‘આ લોકો (ઈઝરાયલ) વિશ્વભરના મુસ્લિમોના દુશ્મન છે. તેઓ મુસ્લિમો પર અત્યાચાર કરી રહ્યા છે. આ લોકો માત્ર આપણા જ નહીં પેલેસ્ટાઈન અને યમનના પણ દુશ્મન છે. તેથી જ હું આરબના મુસ્લિમોને વિનંતી કરી રહ્યો છું કે, અમારો સાથ આપો. અમે લેબેનોન માટે બધું જ કરીશું. હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહના મૃત્યુથી આપણને મોટું નુકસાન થયું છે. અમે અત્યંત દુઃખી છીએ. આ સ્થિતિમાં દુનિયાભરના મુસ્લિમોએ એક થવું જોઈએ કારણ કે, દુનિયામાં એવી કોઈ કોર્ટ નથી જે પેલેસ્ટિનિયનોની જમીન પાછી અપાવી શકે, તેમને ન્યાય અપાવી શકે. ’

ઈઝરાયલે હિઝબુલ્લાહ પર હુમલા વધારતા એવું કહેવાય છે કે, ખામેની કોઈ સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે. જો કે ખામેનીએ લાખો લોકો સામે શુક્રવારની નમાજ અદા કરી ઈઝરાયલ સહિત વિશ્વભરના લોકોને સંકેત આપ્યો છે કે, તેઓ કોઈ સુરક્ષિત સ્થળે છુપાયા નથી અને ઈઝરાયલના હુમલાથી ડરી રહ્યા નથી.

મસ્જિદ બહાર બે લાખ મહિલાઓ આવી

તેહરાનની ગ્રાન્ડ મોસલ્લા મસ્જિદમાં લાખો લોકોએ ખામેની સાથે નમાજ અદા કરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી. એવું કહેવાય છે કે, મસ્જિદની બહાર લગભગ બે લાખ મહિલાઓ હાજર હતી અને તેમાંથી ઘણી પોતાની સાથે કફન લઈને આવી હતી. આ દરમિયાન અહીં ઈઝરાયલ વિરુદ્ધ નારા લાગ્યા હતા. ઈઝરાયલની સાથે દુનિયાભરના લોકોની નજર ખામેનીના ભાષણ પર ટકેલી હતી. આ ભાષણ બાદ ગ્રાન્ડ મોસલ્લા મસ્જિદ લોકોના નારાઓથી ગૂંજી ઉઠી હતી.

આ પણ વાંચો : ભારતનું ઈઝરાયલ વિરોધી પગલું? યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય યુદ્ધજહાજો ઈરાન પહોંચ્યા!


Google NewsGoogle News