Israel-Hamas યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો દાવો, યુદ્ધ વધારે ભડક્યું તો આગ અમેરિકાને પણ દઝાડશે

ઈરાને કહ્યું કે ગાઝામાં ઈઝરાયલ યુદ્ધ બંધ નહીં કરે તો અનેક મોરચે લડવા તૈયાર રહે

ઈરાને પણ યુદ્ધમાં ઝંપલાવવાની ધમકી આપી દીધી છે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
Israel-Hamas યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો દાવો, યુદ્ધ વધારે ભડક્યું તો આગ અમેરિકાને પણ દઝાડશે 1 - image

image : IANS




Israel vs Hamas War | મિડલ ઇસ્ટમાં ઇઝરાયેલમાં ઘૂસીને પેલેસ્ટાઈનના કટ્ટરવાદી સંગઠન હમાસના હુમલા બાદ ઈઝરાયેલી સૈન્ય દળોએ (IDF) ગાઝા પટ્ટીની સાથે સાથે લેબેનોનના (Lebenon) આતંકી સંગઠનો પર બોમ્બવર્ષા કરતા ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા મજબૂત બની છે. બંને મોરચા પર યુદ્ધ લડી રહેલ ઇઝરાયલને ઈરાન અત્યાર સુધી ફક્ત ચેતવણી આપી રહ્યું હતું અને હવે યુદ્ધમાં ઝંપલાવવાની ધમકી આપી દીધી છે.

ઈરાનની અમેરિકાને ધમકી

ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયને ખુલ્લેઆમ ચેતવણી આપતા કહ્યું હતું કે જો ઇઝરાયેલ ગાઝા પર યુદ્ધ અપરાધ બંધ નહીં કરે તો તેણે અનેક મોરચે યુદ્ધ લડવું પડશે. ઈરાને ઈઝરાયેલ માટે ઢાલ બનીને ઉભેલા અમેરિકાને પણ યુદ્ધની ધમકી આપી છે. બીજી તરફ અરબી સમુદ્રમાં ઈઝરાયેલની સાથે મક્કમતાથી ઉભેલા અમેરિકન સૈન્ય દળોની તૈનાતી વધી રહી છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પહેલા જ કહી ચૂક્યા છે કે જો ઈરાન અથવા તેના સમર્થક ઉગ્રવાદી સંગઠનો કોઈપણ અમેરિકન કર્મચારી પર હુમલો કરે છે તો અમેરિકા જાણે છે કે તેના લોકોની સુરક્ષા કેવી રીતે કરવી.

અમેરિકાની ચેતવણી

ત્રણ દિવસ પહેલા અમેરિકાના રક્ષા મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રમાં આ વાત કહી હતી અને ચેતવણી પણ આપી હતી કે અમેરિકા ઈરાન સાથે યુદ્ધ નથી ઈચ્છતું, પરંતુ ઈઝરાયેલ નજીક મોકલવામાં આવેલા અમેરિકન વિમાનો અને સૈન્ય જહાજોની તૈનાતી જોઇને ઈરાને સંકેત સમજી જવાની જરૂર છે. દરમિયાન ઈરાને શુક્રવારથી 200 હેલિકોપ્ટર સાથે કવાયત શરૂ કરી છે. ઈરાની આર્મી કમાન્ડર અમીર ચેસાકે દેશના સરકારી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઈરાનના યુદ્ધાભ્યાસનો હેતુ દુશ્મનોને ચેતવણી આપવાનો છે.

ઈરાનના વિદેશ પ્રધાન હુસૈન અમીર અબ્દુલ્લાહિયાએ અમેરિકાને સીધી ચેતવણી આપી

એ જ રીતે ઈરાનના વિદેશ પ્રધાન હુસૈન અમીર અબ્દુલ્લાહિયાએ અમેરિકાને સીધી ચેતવણી આપી છે કે જો ઈઝરાયેલ ગાઝા પર હુમલો બંધ નહીં કરે તો તેણે અનેક મોરચે યુદ્ધ લડવું પડશે. ઈઝરાયલના સહયોગી દેશોને ચેતવણી આપતાં તેમણે કહ્યું કે એવું ન થવું જોઈએ કે ગાઝા પર ઈઝરાયેલના સતત હુમલાને કારણે વધી રહેલું યુદ્ધ એવા તબક્કે પહોંચી જાય જ્યાં તેને રોકવું મુશ્કેલ બની જાય. તેઓ ઈઝરાયેલને સમર્થન આપતા અને પેલેસ્ટાઈનને સમર્થન કરતા દેશો વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

પુતિનની ભૂમિકા પણ ચર્ચામાં 

આ દરમિયાન ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં એક તરફ અમેરિકા ઈઝરાયલની સાથે મક્કમતાથી ઉભું છે તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગાઝા પર ઈઝરાયેલની જવાબી કાર્યવાહી તાત્કાલિક રોકવાની માંગ કરી રહ્યા છે. તેણે યુદ્ધને રોકવાના ઈરાનના વલણને પણ સમર્થન આપ્યું છે. નિષ્ણાતોના મતે પડોશી દેશ યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલું રશિયા તેના વર્ષો જૂના દુશ્મન અમેરિકાને મધ્ય પૂર્વમાં ફસાવવા માંગે છે. જો આમ થશે તો અમેરિકા ઈરાન, ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ફસાઈ જશે એટલું જ નહીં, તેને પોતાના દેશમાં પણ મોટા પાયા પર વિરોધનો સામનો કરવો પડી શકે છે. યુક્રેનના મોરચે રશિયા માટે આ પ્લસ પોઈન્ટ હશે.

રશિયા યુક્રેનના મોરચે અમેરિકાને હટાવવા માંગે છે

રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ અમેરિકા રશિયા સામે યુક્રેનની સાથે ઢાલ બનીને ઊભું છે. માત્ર અમેરિકા જ નહીં પરંતુ નાટો સૈન્ય સંગઠનના તમામ દેશોએ યુક્રેનને મદદ કરી છે. હવે ઈઝરાયેલે પણ હમાસના યુદ્ધમાં ઈઝરાયેલ સાથે એકતા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં જો ખાડી દેશોના સૈન્ય દળો હમાસના સમર્થનમાં એક થઈને ઈઝરાયેલ પર હુમલો કરે છે તો તેના બચાવ માટે અમેરિકા યુદ્ધમાં કૂદી પડે તેવી શક્યતા સાથે વિશ્વ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે.

Israel-Hamas યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો દાવો, યુદ્ધ વધારે ભડક્યું તો આગ અમેરિકાને પણ દઝાડશે 2 - image


Google NewsGoogle News