ગાઝા પર અત્યાચાર રોકવા હોય તો મુસ્લિમ દેશો ઈઝરાયેલને ઓઈલ આપવાનુ બંધ કરેઃ ઈરાનની અપીલ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
ગાઝા પર અત્યાચાર રોકવા હોય તો મુસ્લિમ દેશો ઈઝરાયેલને ઓઈલ આપવાનુ બંધ કરેઃ ઈરાનની અપીલ 1 - image

image : twitter

તહેરાન,તા.02 નવેમ્બર 2023,ગુરૂવાર

ગાઝા પરના હુમલા રોકવા માટે દુનિયાભરમાંથી થઈ રહેલી અપીલોને ઠુકરાવી દેનાર ઈઝરાયેલને કાબૂમાં કરવા માટે હવે ઈરાને ઈઝરાયેલનો આર્થિક બહિષ્કાર કરવાનુ સૂચન દુનિયાના મુસ્લિમ દેશોને કર્યુ છે. 

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામૈનીએ મુસ્લિમ દેશોને કહ્યુ છે કે, ઈઝરાયેલના અત્યાચારોને રોકવા માટે તમામ દેશોએ ભેગા મળીને લડત આપવી પડશે. આ માટે ઈઝરાયેલ પર આર્થિક પ્રતિબંધો લાદવાની જરુર છે. ઈઝરાયેલને ક્રુડ ઓઈલ અને બીજી ચીજો નિકાસ કરવાનુ જો મુસ્લિમ દેશો બંધ કરી દે તો ગાઝામાં હુમલા રોકવા માટે ઈઝરાયેલ દબાણમાં આવી શકે છે. 

તેમણએ બુધવારે નેશનલ સ્ટુડન્ટ ડે નિમિત્તે દેશા વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં મોટાભાગની વાતચીત ઈઝરાયેલ અને હમાસને લગતી જ થઈ હતી. તેમણે કહ્યુ હતુ કે, ગાઝામાં ઈઝરાયેલ ભયાનક જુલ્મ કરી રહ્યુ છે અને આમ છતા પેલેસ્ટાઈનના લોકો જે પ્રકારે ઈઝરાયેલનો પ્રતિકાર કરી રહ્યા છે તે કાબિલે તારિફ છે. 

ખામૈનીએ કહ્યુ હતુ કે, ગાઝામાં અત્યાચારો રોકવા માટે મુસ્લિમ દેશોએ એક થવુ પડશે. ઈઝરાયેલના અત્યાચારો રોકવા માટે તેને ઓઈલ આપવાનુ બંધ કરી દો. મુસ્લિમ દેશોએ ઈઝરાયેલનો સંપૂર્ણ પણે આર્થિક બહિષ્કાર કરવો જોઈએ. જે પણ થઈ રહ્યુ છે તેની આકરા શબ્દોમાં નિંદા કરવી જોઈએ અને બાકીના દેશોએ પણ હવે ઈઝરાયેલ સામે આંખ આડા કાન કરવાથી બચવુ જોઈએ. તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર ઈઝરાયેલની નિંદા કરવાની જરુર છે. 

ઈઝરાયેલ દ્વારા ગાઝા પર થઈ રહેલા બોમ્બમારાની દુનિયાના ઘણા દેશોએ ટીકા કરી છે પણ તેમાં  ઈરાન સૌથી મોખરે છે અને તેણે તો ઈઝરાયેલ સામે યુધ્ધમાં કુદવાની પણ ધમકી આપેલી છે. 


Google NewsGoogle News