મહિલાઓને સજા કરવા જાહેર સ્થળોએ મોબાઈલ કોર્ટ ઉભી કરાશે, ઈરાનમાં હિજાબના નિયમોને લાગુ કરવા સરકારે બનાવી યોજના
image : twitter
તહેરાન,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર
મહિલાઓ માટે હિજાબ અને ડ્રેસ કોડના નિયમોને કડકાઈપૂર્વક લાગુ કરવા માટે હવે ઈરાનની સરકારે સંખ્યાબંધ પગલા લીધા છે.
ઈરાનની સરકારે મહિલાઓ પર કાર્યવાહી કરવા માટે મોબાઈલ કોર્ટ બનાવવાની યોજના ઘડી છે. એક ગુપ્ત દસ્તાવેજ લીક થવાના કારણે આ યોજનાની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, હિજાબ સહિત ડ્રેસ કોડનુ ઉ્લ્લંઘન કરનાર મહિલાઓને સજા આપવા માટે જાહેર સ્થળોએ મોબાઈલ કોર્ટો ઉભી કરવામાં આવશે.
જો સ્કૂલની વિદ્યાર્થિનીઓ નિયમોનુ પાલન નહીં કરે તો તેમને શિક્ષણ મંત્રાલયની સજાનો સામનો કરવો પડશે અને જાણીતી હસ્તીઓ નિયમોનો ભંગ કરવા માટે લોકોને પ્રોત્સાહન આપશે તો તેમને 10 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે.
લીક દસ્તાવેજો પ્રમાણે નિયમોને લાગુ કરવા માટે ઈરાનની પોલીસ, ઈસ્લામિક રિવોલ્યૂશન ગાર્ડ કોર્પ્સ, જાસૂસી સંસ્થાઓને વિશેષ પ્રકારની સત્તા આપવામાં આવનાર છે.
ઈરાનની સરકારે એવી કંપનીઓ પર પણ નજર રાખવાનુ શરુ કર્યુ છે જ્યાં કામ કરતી વખતે મહિલાઓ હિજાબ વગર જોવા મળતી હોય છે. રાજધાની તહેરાનમાં મેટ્રો સ્ટેશનો પર હિજાબ પહેરવાના નિયમને લાગુ કરવા માટેની સખ્તી પણ જોવા મળી રહી છે. મહિલાઓના વિરોધ પ્રદર્શનો બાદ સરકાર ઉલટાનુ ડ્રેસ કોડના નિયમોને લાગુ કરવા માટે વધારે આકરુ વલણ અપનાવી રહી છે.
લીક થયેલા ડોક્યુમેન્ટસ પ્રમાણે મહિલાઓ ઘરની બહાર ખુલ્લા વાળ સાથે પણ નીકળી નહીં શકે અને જો બાઈક પર તે કોઈની સાથે ખુલ્લુ માથુ રાખીને બેઠી હશે તો બાઈક ચાલકને પણ સજા કરવામાં આવશે. વગર હિજાબે મહિલાઓ ગાડીમાં બેઠી હશે તો ગાડીઓને જપ્ત રકવામાં આવશે. રેસ્ટોરન્ટો અને કાફેમાં પણ મહિલાઓએ હિજાબ પહેરવો પડશે. આ નિયમનુ પાલન નહીં કરનાર રેસ્ટોરન્ટો અને કાફેને બંધ કરાવી દેવામાં આવશે.