એક-બે સપ્તાહમાં જ ઈરાન ફીસીલ મટીરિયલ બનાવી શકશે

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
એક-બે સપ્તાહમાં જ ઈરાન ફીસીલ મટીરિયલ બનાવી શકશે 1 - image


- અમેરિકાના વિદેશ મંત્રી બ્લિન્કેનની જાહેરાત

- ઈરાનને એટમ-બોમ્બ બનાવતા અટકાવવું તે અમેરિકાની નીતિ છે : બ્લિન્કેન જો તેમ થાય તો ચીન, ઉ.કોરિયા, રશિયા અને ઈરાનની 'ધરી' ખતરનાક બનશે : નિરીક્ષકો

વોશિંગ્ટન : અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેને જણાવ્યું હતું કે, ઈરાન એક-બે સપ્તાહમાં જ ફીસીલ મટીરિયલ બનાવી શકશે. ઈરાનનો 'બ્રેક-આઉટ-ટાઇમ' અત્યારે એક-બે સપ્તાહ જેટલો જ છે. (બ્રેક-આઉટ-ટાઇમ એટલે વેપન-ગ્રેડ યુરેનિયમ-૨૩૮ બનાવવામાં લાગતો સમય).

આ માહિતી આપતા અમેરિકી પ્રસારણ સંસ્થા સેન્ટ્રલ ન્યૂઝ નેટવર્ક (સી.એન.એન) જણાવે છે કે ઈરાને એટમ-બોમ્બ બનાવવા માટેની તેની કાર્યવાહી વણથંભી ચાલુ રાખી છે.

શુક્રવારે એસ્પેન સિક્યુરીટી ફોરમમાં આપેલા વક્તવ્યમાં બ્લિન્કને પણ જણાવ્યું હતું કે, હવે આપણે એવી સ્થિતિએ પહોંચ્યા છીએ કે જે જરા પણ સારી નથી. ઈરાન જ્યારે ફિસિલ મટીરિયલ બનાવાથી એકાદ વર્ષ જેટલું જ દૂર હતું ત્યારે પરમાણુ કરારો થયા હતા. (કે ઈરાને એટમ-બોમ્બ ન બનાવવો પરંતુ ઉર્જા ઉત્પાદન માટે જ પરમાણુ વિભાજન (ફીશન) હાથ ધરવું) પરંતુ ઈરાને તે સમજૂતી તોડી નાખી અને એટમ-બોમ્બ બનાવવા માટે કાર્યરત થઈ ગયું.

અત્યારે તો પ્રાપ્ય માહિતી (જાસૂસી) પ્રમાણે ઈરાન એક કે બે સપ્તાહમાં જ ન્યુક્લિયર વેપન (એટમ બોમ્બ) બનાવવા જેટલું ફિસિલ મટીરિયલ બનાવી શકે તેમ છે. જોકે હજી તેમણે તે શસ્ત્ર બનાવ્યું નથી. પરંતુ અમે તેના ડગલે-ડગલે ઉપર નજર રાખી રહ્યાં છીએ. તેમ પણ અમેરિકી વિદેશ મંત્રીએ જણાવ્યું હતું.

આ સાથે બ્લિન્કેને કહ્યું કે, ઈરાનને પરમાણુ શસ્ત્ર રચતા અટકાવવું તે અમેરિકાની નીતિ છે, અને અમેરિકી વહીવટીતંત્ર રાજદ્વારી રીતે ઈરાનને તેમ કરતાં અટકાવવા પ્રયત્નો હાથ ધરી રહ્યું છે.

એક વર્ષ પૂર્વે અમેરિકાનાં સંરક્ષણ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ઈરાન એક એટમ-બોમ્બ બનાવવા જેટલું ફીસીલ મટીરિયલ બારેક દિવસમાં જ બનાવી શકે તેમ છે.

સીએનએનનો રીપોર્ટ વધુમાં જણાવે છે કે, બાયડેન વહીવટીતંત્રે ૨૦૧૮ની સમજૂતી ફરી તાજી કરવા માટે આડકતરા પ્રયાસો એક વર્ષથી શરૂ કરી દીધા છે. જોકે તે સમજૂતીમાંથી તો અમેરિકા પોતે જ ૨૦૧૮માં છૂટું થઈ ગયું હતું. તે સમયે ટ્રમ્પ સત્તા પર હતા.

૨૦૨૨માં એક બીજો આંચકો આવ્યો હતો. તે સમયે ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઈએઈએ)એ ઈરાનની ગુપ્ત જગ્યાઓએથી મળેલા યુરેનિયમના અંશો અંગે તેની પૂછપરછ શરૂ કરી હતી, પરંતુ ઈરાન તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

ટૂંકમાં ઈરાન એ-બોમ્બ બનાવવા માટે મક્કમ છે. તે જો 'એ-બોમ્બ' બનાવશે તો અત્યારે જ બિન-સત્તાવાર રીતે રચાઈ ગયેલી ચીન, ઉ.કોરિયા, રશિયા અને ઈરાનની ધરીના ચારે રાષ્ટ્રો પરમાણુ શક્તિ બની જતાં તે ધરી વિશ્વ માટે ખતરનાક બની રહેવા સંભવ છે, તેમ નિરીક્ષકોનું સ્પષ્ટ માનવું છે.


Google NewsGoogle News