Israel-Hamas War : યુદ્ધમાં ત્રીજા દેશની એન્ટ્રી! ઈઝરાયેલને ઈરાનની ધમકી, કહ્યું ‘ગાઝાની જમીન પર કાર્યવાહી કરી તો...’

ઈરાનના વિદેશમંત્રીએ કહ્યું, જો ઈઝરાયેલ ગાઝાની જમીન પર કાર્યવાહી કરશે તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે

રેજિસ્ટેન્સ ફોર્સ ઈઝરાયેલી સરકારને ગાઝામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાની મંજુરી નહીં આપે : ઈરાનના વિદેશમંત્રી

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News

Israel-Hamas War : યુદ્ધમાં ત્રીજા દેશની એન્ટ્રી! ઈઝરાયેલને ઈરાનની ધમકી, કહ્યું ‘ગાઝાની જમીન પર કાર્યવાહી કરી તો...’ 1 - image

તહેરાન, તા.17 ઓક્ટોબર-2023, મંગળવાર

11 દિવસથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસના યુદ્ધે (Israel-Hamas War) વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે, ત્યારે હવે ઈરાન (Iran) પણ યુદ્ધમાં કુદવાની તૈયારીમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. ઈરાનના તાજેતરના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, ગાઝા (Gaza)ની જમીન પર ઈઝરાયેલની મોટી કાર્યવાહી પહેલા ઈરાન કંઈ મોટું કરી શકે છે. ઈરાનના વિદેશમંત્રી હોસૌન અમીરાબદોલ્લાહિયા (Hossein Amirabdollahian)ને સોમવારે કહ્યું કે, ઈઝરાયેલને ગાઝાની જમીન પર કાર્યવાહીની મંજૂરી ન આપી શકાય અને જો તે આવુ કરશે તો તેણે પરિણામો ભોગવવા પડશે. તેમણે કહ્યું કે, આવનારા કલાકોમાં વ્યાપર સ્તરે કાર્યવાહી પણ થઈ શકે છે.

ઈરાન વ્યાપક સ્તરે કાર્યવાહી કરશે ?

ઈરાનની સરકારી ટીવી સાથે વાત કરતા ઈરાનનના વિદેશમંત્રી હોસૌન અમીરાબદોલ્લાહિયાએ કહ્યું કે, ઈરાન દ્વારા આવનારા સમયમાં વ્યાપક સ્તરે કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, રેજિસ્ટેન્સ ફોર્સ (Resistance Force)ના નેતા ઈઝરાયેલી સરકારને ગાઝામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાની મંજુરી નહીં આપે. અમારા માટે તમામ દરવાજા ખુલ્લા છે અને અમે ગાઝાના લોકો વિરુદ્ધ યુદ્ધ ગુનાઓ પ્રત્યે ઉદાસીન રહી શકીએ નહીં.

ઈરાનની રેજિસ્ટેંસ ફોર્સ લાંબા સમય સુધી લડી શકે છે : હોસૌન

હોસૌને વધુમાં કહ્યું કે, રેજિસ્ટેંસ ફોર્સ (ઈરાન) દુશ્મન (ઈઝરાયેલ) સાથે લાંબા સમય સુધી લડી શકે છે અને અમે આવનારા કલાકોમાં રેજિસ્ટેંસ ફોર્સ દ્વારા સંપૂર્ણ કાર્યવાહીની આશા રાખીએ છીએ. જોકે હોસૌને ઈરાન ઈઝરાયેલ વિરુદ્ધ કેવી કાર્યવાહી કરશે અને ગાઝામાં જમીની કાર્યવાહી કરવા કેવી રીતે રોકશે, તે અંગે કોઈપણ માહિતી આપી નથી.

પેલેસ્ટાઈન મુદ્દાને હંમેશા સમર્થન આપતું રહે છે ઈરાન

ઉલ્લેખનિય છે કે, 1979માં સ્થાપના બાદ ઈસ્લામિક દેશ ઈરાન પેલેસ્ટાઈન મુદ્દાને હંમેશા સમર્થન આપતું રહ્યું છે. શિયા બહુમતી ધરાવતો દેશ ઈરાન પોતાને વિશ્વ મુસ્લિમના નેતા તરીકે દર્શાવતો રહ્યો છે અને તેના માટે પેલેસ્ટાઈનનો મુદ્દો ખુબ જ સંવેદનશીલ છે. ઉપરાંત ઈરાન ગાઝા પટ્ટી પર નિયંત્રણ રાખનાર હમાસને નૈતિક અને નાણાંકીય સહાય આપતું હોવાનો જાહેરમાં સ્વિકાર કરતો આવ્યો છે.

યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 4150 લોકોના મોત

ઉલ્લેખનિય છે કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધને આજે 11મો દિવસ છે. પેલેસ્ટાઈન (Palestine)ના આતંકવાદી સંગઠન હમાસે 7મી ઓક્ટોબરે ઈઝરાયેલમાં ઘૂસણખોરી 1400 લોકોની નિર્મમ હત્યા કરી નાખી હતી, જ્યારે ઈઝાયેલના જવાબી હુમલામાં ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 2750થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.


Google NewsGoogle News