ઈઝરાયલ ઈરાનને નબળું આંકવાની ભૂલ ના કરે, જાણો સૈન્ય તાકાત મામલે બંને દેશની તાકાત
Iran-Israel Army: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. લેબેનોન પર હુમલા બાદ ઈરાને ઈઝરાયલ પર 181 મિસાઈલો છોડી હતી. જો કે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ પણ તેમાંથી કેટલાકને રોકી રહી છે. તો હવે જો આ બંને દેશ વચ્ચે યુદ્ધ થાય કોની પાસે કેટલી લશ્કરી શક્તિ છે એ જાણી લઈએ.
ઈરાન પાસે સૈનિક વધુ છે તો ઇઝરાયલ પાસે હાઈટેક ટેકનોલોજી છે. ગ્લોબલ ફાયર ઈન્ડેક્સ 2024 અનુસાર 145 દેશોના સૈન્ય રેન્કિંગની યાદીમાં ઈરાન 14માં અને ઈઝરાયલ 17માં સ્થાને છે. બંને દેશોની વાસ્તવિક શક્તિને સમજવા માટે બંને દેશોની લશ્કરી શક્તિ વિષે જાણવું જરૂરી છે.
ઈરાન પાસે વધુ સૈનિકો
વસ્તી બાબતે જો બંને દેશની તુલના કરવામાં આવે તો ઈરાન વસ્તીની દ્રષ્ટીએ વિશ્વમાં 17માં સ્થાને છે. જયારે ઇઝરાયલ 92માં સ્થાને છે. તેમજ જો ઈરાનની આર્મીની વાત કરવામાં આવે તો ઈરાન પાસે 6 લાખ 10 હજાર સૈનિકો અને રિઝર્વ ફોર્સમાં 3 લાખ 50 હજાર સૈનિકો છે, જયારે ઇઝરાયલ પાસે 1 લાખ 70 હજાર સૈનિકો અને 4 લાખ 65 હજાર રિઝર્વ સૈનિકો છે. આ સિવાય ઈરાન અર્ધ લશ્કરી દળોમાં પણ આગળ છે. ઈરાન પાસે 2 લાખ 20 હજારનું તો ઇઝરાયલ પાસે 35 હજારનું અર્ધ લશ્કરી દળ છે.
એરફોર્સના મામલે ઇઝરાયલ ઈરાનથી આગળ
આમ તો ઇઝરાયલની સેના નાની છે પણ આ સેના સંરક્ષણ બજેટનાં મામલે આગળ છે. ઈરાનનું સંરક્ષણ બજેટ આશરે $10 બિલિયન છે તો સામે ઇઝરાયલનું સંરક્ષણ બજેટ $24 બિલિયનથી વધુ છે.
એરક્રાફ્ટના મામલે પણ ઇઝરાયલ આગળ છે. તેની પાસે 612 એરક્રાફ્ટ છે જયારે ઈરાન પાસે 551 એરક્રાફ્ટ છે. જો ફાઈટર પ્લેનની વાત કરીએ તો ઈઝરાયલ પાસે 241 ફાઈટર પ્લેન છે જ્યારે ઈરાન પાસે માત્ર 186 ફાઈટર પ્લેન છે. આ સિવાય ઈઝરાયલ પાસે 146 હેલિકોપ્ટર અને ઈરાન પાસે 129 હેલિકોપ્ટર છે. એટેક હેલિકોપ્ટરની વાત કરીએ તો ઈઝરાયલની એરફોર્સ પાસે 48 હેલિકોપ્ટર છે અને ઈરાન પાસે માત્ર 13 એટેક હેલિકોપ્ટર છે.
નેવી અને આર્મીના મામલામાં ઈરાન આગળ
ટેન્ક ક્ષમતાના મામલે ઈરાન ઈઝરાયલ કરતા આગળ છે. ઈરાન પાસે 1996 ટેન્ક છે જ્યારે ઈઝરાયલ પાસે 1370 ટેન્ક છે. ઈરાન પાસે 65,765 તો ઈઝરાયલ પાસે 43,407 સશસ્ત્ર વાહનો છે. ઈરાન પાસે 580 ઓટોમેટિક તોપ છે જ્યારે ઈઝરાયલ પાસે 650 ઓટોમેટિક તોપ છે. ઈરાન પાસે 775 મોબાઈલ રોકેટ પ્રોજેક્ટર છે જ્યારે ઈઝરાયલ પાસે 150 મોબાઈલ રોકેટ પ્રોજેક્ટર છે. નેવલ પાવરની વાત કરીએ તો ઈરાન પાસે 19 સબમરીન છે અને ઈઝરાયલ પાસે માત્ર 5 સબમરીન છે. પેટ્રોલિંગ જહાજોના મામલે ઈઝરાયલ આગળ છે.