મહાયુદ્ધના એંધાણ: ઈરાનની ઈઝરાયેલને ધમકી; 'સજા માટે તૈયાર રહો, બદલો લઈને જ રહીશું'
Iran–Israel War: દુનિયામાં એકતરફ અમેરિકા-ચીન વચ્ચેનું ટ્રેડવોર શમ્યું તો ત્યાં નાટોમાં જોડાવવાની જીદે યુક્રેનને પણ રશિયા તરફથી અતિક્રમણનો સામનો કરવો પડી રહ્યો છે. આ બંને દેશો વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ હવે વિકરાળ રૂપ ધારણ કરી શકે છે.
ઈઝરાયેલમાં ગત સપ્તાહે ગોલન હાઈટ્સ પર હિઝબુલ્લાના રોકેટ હુમલામાં 12 બાળકોના મોત થયા હતા અને ત્યારે જ ઈઝરાયેલે આ મોતનો બદલો લેવાનો નિર્ધાર કર્યો હતો અને આજે તે પુરો કર્યો છે. ઈઝરાયેલે એક જ દિવસમાં હમાસ અને હિઝબુલ્લાના ટોચના નેતાઓને ઠાર કરતા મામલો તંગ બન્યો છે.
ઈઝરાયેલનો ઘરમાં ઘુસી ડબલ એટેક :
ઈઝરાયેલના આ હુમલાએ આરબ દેશો અને સમગ્ર દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. ઈઝરાયેલે બુધવારે સવારે ઈરાનના તહેરાનમાં ઘૂસી હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને ઠાર કર્યો છે, તો બીજીતરફ લેબનોનમાં ઘૂસી હિઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુકરને પણ ઠાર કર્યો છે. આ હુમલાની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આઈડીએફે હાનિયાને ગાઝા, પેલેસ્ટાઈન અથવા કતારમાં નહીં, પરંતુ ઈરાનની રાજધાની તહેરાનમાં ઠાર કર્યો છે. હમાસે હાનિયાના મોતની પુષ્ટિ પણ કરી છે.
હમાસનો વડો ઈસ્માઈલ હાનિયા મંગળવારે (30 જુલાઈ)એ ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયો હતો. આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે આજે બુધવારે સવારે ઈઝરાયેલે તેના ઘરને જ ઉડાવી દીધું હતું, જેમાં ઈસ્માઈલ હાનિયા પણ ઠાર થયો છે. આ હુમલામાં હાનિયાના બોડીગાર્ડનું પણ મોત થયું છે.
ઈરાનની ધરતી પર ઈઝરાયેલના આ પ્રકારના હુમલાને સુસાઈડ બોમ્બ કહી શકાય. જોકે હવે આ યુદ્ધ હમાસ, હિઝબુલ્લા અને ઈઝરાયેલ પૂરતું સીમિત રહેશે તેવું નથી જણાઈ રહ્યું. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની બુધવારે તેહરાનમાં પ્રવેશ્યા અને હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા માટે ઈઝરાયેલને સખત સજા કરવાની નેમ લીધી છે.
સ્ટેટ ન્યૂઝ એજન્સી IRNAને આપેલા નિવેદનમાં, ખામેનીએ કહ્યું, "આ હુમલાથી ગુનેગાર અને આતંકવાદી ઝિઓનિસ્ટ શાસને પોતાના માટે મુશ્કેલી આવકારી છે અને તેને સખત સજા કરવામાં આવશે. અમે હાનિયાના લોહીનો બદલો લેવાની અમારી ફરજ માનીએ છીએ કારણકે તે ઈરાનમાં શહીદ થયો છે."
ઈઝરાયેલના બદલાની ચોતરફ ટીકા :
ખામેનીએ સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટ પણ કરી હતી. તેમાં તેમણે લખ્યું, "ગુનેગાર, આતંકવાદી ઝાયોનિસ્ટ શાસને અમારા ખાસ મહેમાનને શહીદ કરીને અમને દુઃખ પહોંચાડ્યું છે. પરંતુ હવે તેને સખત સજા આપવામાં આવશે."
આ સિવાય ઈરાનના નવનિયુક્ત રાષ્ટ્રપતિએ પણ હાનિયાને બહાદુર નેતા ગણાવ્યો અને મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ઈરાનનું ઈસ્લામિક રિપબ્લિક તેની પ્રાદેશિક અખંડિતતા, સન્માન, ગૌરવ અને ગરિમાની રક્ષા કરશે અને આતંકવાદી આક્રમણકારોને તેમની કાયરતાપૂર્ણ ક્રિયાઓ બદલ પસ્તાવો કરાવશે.
તુર્કેઈએ પણ આ હુમલાને શરમજનક ગણાવ્યો હતો. નિવેદનમાં જણાવ્યું કે, "એકવાર ફરી નેતન્યાહુની સરકારે બતાવ્યું છે કે તેમનો ઈરાદો શાંતિનો છે જ નહિ." રશિયાએ પણ હુમલા બાદ ઈઝરાયેલની ટીકા કરી છે અને કહ્યું છે કે આ એક રાજકીય હત્યા છે અને તેના કારણે તણાવ વધુ વધી શકે છે.