Get The App

ઈરાનની ચાલમાં ફસાયું ઈઝરાયલ, જાણો શું છે ઓક્ટોપસ યુદ્ધ, રશિયાની એન્ટ્રીની પણ આશંકા

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
ઈરાનની ચાલમાં ફસાયું ઈઝરાયલ, જાણો શું છે ઓક્ટોપસ યુદ્ધ, રશિયાની એન્ટ્રીની પણ આશંકા 1 - image


Israel-Iran War: મધ્ય-પૂર્વી દેશોમાં હાલમાં યુદ્ધનો માહોલ છે. ઓક્ટોબર 2023માં હમાસ અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ પહેલા લેબનોન સુધી પહોંચી ગયું અને પછી ઈરાન પણ એમાં કૂદી પડ્યું. હિઝબુલ્લાહના સમર્થનમાં ઈરાને ઈઝરાયલ પર 200થી વધુ મિસાઈલો છોડી દીધી અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ ઈઝરાયલને બરબાદ કરવાની હાકલ કરી ત્યારે દુનિયાની નજર એ વાત પર ટકેલી હતી કે ઈઝરાયલ તરત જ બદલો લેશે, પરંતુ એવું થયું નહીં. ઈઝરાયલે ઈરાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી કેમ ન કરી? 

ઈઝરાયલ ફસાઈ ગયું છે ‘ઓક્ટોપસ યુદ્ધ’માં? 

ઈઝરાયલે ઈરાનને ધમકીઓ આપ્યા કરે છે, પણ હુમલો નથી કરતું એનું કારણ એ છે કે, ઈરાને ઈઝરાયલને ઓક્ટોપસ યુદ્ધમાં ફસાવી દીધું છે. ઈરાક, યમન, લેબનોન અને ગાઝાથી ઈઝરાયલ પર સતત હુમલા કરાઈ રહ્યા છે. જેથી, ઈઝરાયલ માટે એ નક્કી કરવું મુશ્કેલ બની ગયું છે કે આ હુમલાઓથી તેની સરહદોને સુરક્ષિત કરવી કે ઈરાન પર હુમલો કરવો.

શું છે ઓક્ટોપસ યુદ્ધ? 

હાથ કહો તો હાથ અને પગ કહો તો પગ, ઓક્ટોપસના આઠ અંગ હોય છે જેના થકી એ ગતિમાન રહે છે અને શિકાર પણ કરે છે. ઈઝરાયલ હાલમાં અલગઅલગ આઠ મોરચે હુમલાનો સામનો કરી રહ્યું છે. પશ્ચિમમાં ગાઝા, લેબનોનમાં હિઝબુલ્લાહ, યમનમાં હુથીઓ, ઈરાકમાં ઈરાકી મિલિશિયા તેમજ સીરિયામાં ઈરાન દ્વારા સમર્થિત જૂથો દ્વારા ઈઝરાયેલ વિરુદ્ધ ગતિવિધિઓ કરાઈ રહી છે. એ ઉપરાંત ઘરાઆંગણે તેલ અવીવ, હડેરા અને બીર્શેબામાં થયેલા આતંકી હુમલા ઈઝરાયલ આઠ મોરચે ઘેરાયેલું હોવાનું દર્શાવે છે. યુદ્ધગ્રસ્ત ઈઝરાયલે ઘણાબધા મોરચે લડવાનો વખત આવ્યો હોવાથી એ ઓક્ટોપસ યુદ્ધમાં ફસાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. 

હકીકત કે ફક્ત શબ્દ-સાથિયો?

એ તો હકીકત છે કે ઈરાન આરબ દેશોને એકજૂટ થઈને ઈઝરાયલ સામે જંગે ચઢવા માટે આહ્વાન આપી રહ્યું છે. એ પણ સાચું છે કે ઈઝરાયલ ઘણાબધા દુશ્મન દેશોથી ઘેરાયેલું છે. પણ, ‘ઓક્ટોપસ યુદ્ધ’ નામે જે શબ્દો હવામાં તરી રહ્યા છે એ બાબતને ઈરાન તરફી જૂથો શબ્દ-રમતથી વિશેષ કશું નથી ગણતા. એમનું કહેવું છે કે, ઈઝરાયલે અમેરિકા સાથે મળીને ‘ઓક્ટોપસ યુદ્ધ’ જેવા શબ્દો રમતાં મૂક્યા છે, જેથી આવા ‘કોઈન’ કરેલા શબ્દો ગૂંજે અને વૈશ્વિક સ્તરે પોતે દુશ્મનોથી ઘેરાયેલું હોવાનું સાબિત કરીને ઈઝરાયલ વધુ દેશોનું સમર્થન મેળવી શકે. 

આ પણ વાંચો: અમેરિકાની મોટી કાર્યવાહી, ઈરાન સાથે વેપાર કરતી ભારતીય કંપની સામે મૂક્યો પ્રતિબંધ


ઓક્ટોપસ અને એના આઠ પગ

સામે પક્ષે ઈઝરાયલના સમર્થક જૂથો કહે છે કે મધ્યપૂર્વના અલગઅલગ આતંકવાદી જૂથોને ટેકો પૂરો પાડીને દુશ્મન દેશોએ ખરેખર ઈઝરાયલને ઘેરી લીધું છે. તેઓ ઈરાનની રાજધાની તેહરાનને ઓક્ટોપસનું માથું ગણાવે છે અને લેબેનોન, ગાઝા, યમન, ઈરાક, સીરિયા જેવા દેશો અને ત્યાંના આતંકી જૂથોને ઓક્ટોપસના પગ ગણાવે છે, જે ‘માથા’ના કહ્યા પ્રમાણે ઈઝરાયલ વિરુદ્ધ કામ કરી રહ્યા છે. 

ઓક્ટોપસનો એક અદૃશ્ય હાથ પણ છે

ઈઝરાયલના સમર્થકો તો એવો દાવો પણ કરી રહ્યા છે કે આ ઓક્ટોપસનો એક અદૃશ્ય પગ પણ છે, અને એ છે રશિયા, જે હિઝબુલ્લાહને મદદ કરી રહ્યું છે. રશિયાની મદદથી જ હિઝબુલ્લાહ આટલી બધી મિસાઈલો છોડી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ઈઝરાયલે યુક્રેનને મિસાઈલો આપી હોવાથી એનો બદલો લેવા માટે હવે રશિયા ઈઝરાયલના દુશ્મનોને ડ્રોન સહિત ઘણા ઘાતક હથિયારો પૂરા પાડી રહ્યું છે, એવો દાવો ઈઝરાયલ તરફી જૂથો કરી રહ્યા છે.

આ ઓક્ટોપસ સાચો હોય કે કાલ્પનિક, પણ જે રીતે ઈઝરાયલે ભૂતકાળમાં અનેકવાર દુનિયા આખી દંગ રહી જાય એવા દાવ ખેલીને એના દુશ્મનોને ધૂળ ચાટતા કરી દીધા હતા, એ જોતાં તો મોસાદનો એ મુલ્ક મધ્ય-પૂર્વના રેગિસ્તાનમાં ઉછરી રહેલા ઓક્ટોપસના એક એક અંગને કાપીને એને પણ વહેલોમોડો ઠેકાણે પાડી જ દેશે, એમ કહી શકાય.

ઈરાનની ચાલમાં ફસાયું ઈઝરાયલ, જાણો શું છે ઓક્ટોપસ યુદ્ધ, રશિયાની એન્ટ્રીની પણ આશંકા 2 - image


Google NewsGoogle News