ઇરાન આ સપ્તાહમાં જ ઇઝરાયેલ પર પ્રચંડ હુમલો કરશે : પેન્ટાગોનના અધિકારીઓનું મંતવ્ય

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
ઇરાન આ સપ્તાહમાં જ ઇઝરાયેલ પર પ્રચંડ હુમલો કરશે : પેન્ટાગોનના અધિકારીઓનું મંતવ્ય 1 - image


- યુદ્ધ વ્યાપક બનશે તો તેલના ભાવ ઉચકાશે

- મધ્ય પૂર્વમાં યુદ્ધનો વ્યાપ વધવાની ગણતરીએ અમેરિકાએ વિમાન વાહક જહાજ અને પરમાણુ સબમરીનો મ.પૂ.માં રવાના કર્યાં

વોશિંગ્ટન : વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સલામતીના પ્રવકતા જહોન કીર્વીએ સોમવારે કહ્યું હતું કે આ સપ્તાહના અંત સુધીમાં ઇરાન કે તેના પ્યાદાઓ દ્વારા ઇઝરાયલ પર પ્રચંડ હુમલો કરવામાં આવશે. તેવી અમેરિકાને પાક્કી આશંકા છે. આથી અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેની હાજરી વધારી દીધી છે. વિશેષત: ઇઝરાયલ-હમાસ યુદ્ધની વધી રહેલી તીવ્રતા તેમજ ઇઝરાયલ દ્વારા હમાસના નેતા ઇસ્માઈલ હનીયાહની ગયા મહિને તહેરાનમાં કહેવાતી કરાયેલી હત્યાને પગલે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ સ્ફોટક બની રહેવાની પૂરી સંભાવના છે, તેમ પણ પેન્ટાગોનના અધિકારીઓ માને છે.

ઇઝરાયલ પણ ચેતી ગયું છે. તે જાણે છે કે બરૂતમાં હીઝબુલ્લાહના સીનીયર કમાન્ડર ફૌદ શુકરની હત્યા પછી પરિસ્થિતિ વણસી જ છે. પરંતુ ઇઝરાયલે હુમલો ત્યારે કર્યો હતો કે જયારે ઇઝરાયલના કબજા નીચેના ગોલન રાઇટસ વિસ્તારમાં હિઝબુલ્લાહે મિસાઇલ હુમલો કર્યો, જેમાં ૧૨ બાળકોના મૃત્યુ થયા હતા.

આ સંદર્ભ આપતા જહોન કર્બીએ કહ્યું હતું કે ઇઝરાયલ એપ્રિલમાં થયેલા હુમલાનો ભોગ ફરી ન બને તે અમે જોવા માગીએ છીએ.

બીજી તરફ અમેરિકાના સંરક્ષણ મંત્રી બાઈડ ઑસ્ટિને ગાઇડેડ મિસાઇલ્સ સાથેની સબમરીનો ઉત્તર અરબી સમુદ્રમાં મધ્ય પૂર્વ પર સીધો હુમલો કરી શકે તેવા સ્થાને મોકલી દીધી છે. તેમજ તેમાં પ્રચંડ વિમાન વાહક જહાજ અબ્રહામ લિંકનને તેની રક્ષક ફ્રીગેટો સાથે અરબી સમુદ્ર તરફ રવાના કરી દીધુ છે. જો કે તે અત્યારે દક્ષિણ ચીન સમુદ્રમાં છે. તેને મધ્ય પૂર્વ સુધી પહોંચતા એક સપ્તાહથી પણ વધુ સમય લાગશે. પરંતુ તે સબમરીનો અને તે ફ્રીગેટો સાથેનું વિમાન વાહક જહાજ ઉત્તર અરબી સમુદ્રમાં પહોચતાં વ્યાપક અફડા-તફડી શરૂ થઈ જશે તે નિશ્ચિત છે.

મ.પૂ.ની તંગ પરિસ્થિતિને લીધે તેલના ભાવ વધવા સંભવ છે તેમ પણ નિષ્ણાતોનું માનવું છે.


Google NewsGoogle News