ઈરાનને બીજો ફટકો, ચાબહાર સહિતના ત્રણ સ્થળોએ પાકિસ્તાનમાં આશ્રય લેતા આતંકી સંગઠનના હુમલા

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
ઈરાનને બીજો ફટકો, ચાબહાર સહિતના ત્રણ સ્થળોએ પાકિસ્તાનમાં આશ્રય લેતા આતંકી સંગઠનના હુમલા 1 - image


Image Source: Twitter

સીરિયામાં આવેલી ઈરાનની કોન્સ્યુલેટ પર એર સ્ટ્રાઈક કરીને ઈઝરાયેલે ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડરનુ મોત નીપજાવ્યા બાદ ઈરાનને બીજો ફટકો વાગ્યો છે.

ઈરાનમાં વિદ્રોહી સુન્ની બલૂચ જૂથ જૈશ અલ અદલે બુધવારે ઈરાનની સરહદ પરના ચાબહાર, રસ્ત અને સરબાઝમાં આવેલી સૈન્ય ચોકીઓ પર હુમલા કર્યા છે. જેમાં ઈરાનના ત્રણ સૈનિકો સહિત 10ના મોત નીપડયા છે. ઈરાનના આંતરિક મામલાના મંત્રાલયના ડેપ્યુટી મિનિસ્ટર  માજિદ મિરહમાદીએ કહ્યુ હતુ કે, ઈરાનના ચાબહારમાં કાયદા મંત્રાલયના હેડક્વાર્ટર તથા રસ્ક વિસ્તારમાં રિવોલ્યુશનરી ગાર્ડસના બેઝને ટાર્ગેટ કરવામાં આવ્યુ છે. આ બંને વિસ્તારો અશાંત ગણાતા સિસ્તાન તેમજ બલૂચિસ્તાન પ્રાંતની સરહદ પર આવેલા છે.

તેમણે આગળ જાણકારી આપી હતી કે, સુરક્ષાબળોએ આતંકી હુમલાનો સતર્કતાથી જવાબ આપ્યો હોવાથી આતંકવાદીઓ રિવોલ્યુશનરી ગાર્ડના બેઝમાં ઘૂસવામાં સફળ થયા નહોતા. એક આતંકી પણ આ હુમલામાં માર્યો ગયો છે. આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી રહી છે. ચાબહારમાં પણ સુરક્ષાદળોએ કરેલા વળતા પ્રહારમાં એક આતંકી માર્યો ગયો છે.

બીજી તરફ ઈરાનના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે, ચાબહારમાં પોલીસ સ્ટેશનને ટાર્ગેટ કરવામાં આવ્યુ હતુ અને તેમાં ટોચના પોલીસ અધિકારીનુ પણ મોત થયુ છે.

ઈરાન માટે જૈશ અલ અદલ સંગઠન માથાનો દુખાવો બની રહ્યુ છે.આ સંગઠને પહેલા પણ ઈરાનના સુરક્ષા દળોને નિશાન બનાવીને હુમલા કરેલા છે. આ જ સંગઠનના હુમલાઓથી પરેશાન થઈને ઈરાને જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાનમાં સંગઠનના આશ્રયસ્થાનો પર મિસાઈલો વડે વળતો પ્રહાર કર્યો હતો અને તેના કારાણે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો હતો.

જૈશ અલ અદલે હવે એક સાથે ઈરાનના ત્રણ સ્થળો પર આતંકી હુમલા કર્યા છે ત્યારે ઈરાન ફરી પાકિસ્તાન પર લશ્કરી કાર્યવાહી કરે તેવા ભણકારા વાગી રહ્યા છે. ઈરાને જૈશ અલ અદલને આતંકી સંગઠન જાહેર કરેલુ છે. અમેરિકાએ પણ 2010માં તેને આતંકી સંગઠનોના લિસ્ટમાં સામેલ કર્યુ હતુ.

ઈરાન તો એવો પણ આરોપ લગાવતુ રહ્યુ છે કે, આ આતંકી સંગઠનને અમેરિકા, સાઉદી અરબ અને ઈઝરાયેલની મદદ મળી રહી છે.


Google NewsGoogle News