હમાસ સામેનુ યુધ્ધ ઈઝરાયેલ હારી ચુકયુ છે, ઈરાનના સુપ્રીમ લીડર
image : Twitter
તહેરાન,તા.20 નવેમ્બર 2023,સોમવાર
ઈઝરાયેલ અને હમાસના જંગમાં હવે ઈઝરાયેલની સેના ગાઝામાં ઘુસીને ઓપરેશન હાથ ધરી રહી છે ત્યારે ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનીએ કહ્યુ છે કે, ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલને હમાસ સામેના યુધ્ધમાં હારનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, ઈઝરાયેલની સેના ગાઝામાં હોસ્પિટલો, સ્કૂલો તેમજ આમ લોકોના ઘરો પર કબ્જો જમાવી રહી છે પણ તેને જીતનુ નામ આપી ના શકાય. જીતનો અર્થ થાય છે બીજા પક્ષની હાર પણ તેમાં ઈઝરાયેલ સફળ થયુ નથી.આમ તે હારી ગયુ છે.
સુપ્રીમ લીડરે તહેરાન સ્થિત એરોસ્પેસ ફોર્સ સેન્ટરમાં ભાષણ આપતા આગળ કહ્યુ હતુ કે, ઈઝરાયેલની સેના ગાઝામાં આતંકવાદ ફેલાવી રહી છે. ગાઝામાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડતી ઈમારતો તબાહ કરવા પર ઈઝરાયેલની સેનાનુ ધ્યાન છે. ગાઝા પર ભારે બોમ્બમારો કરવા છતા પણ હમાસને ખતમ કરવાના પોતાના લક્ષ્યમાં તેને હજી સફળતા મળી નથી. આ ઈઝરાયેલની સાથે સાથે અમેરિકા અને બીજા પશ્ચિમી સમર્થક દેશોની પણ હાર છે.
તેમણે કહ્યુ હતુ કે, ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલે હજારો માસૂમ બાળકોન મારી નાંખ્યા છે.જેનો તેને કોઈ અફસોસ પણ નથી. તેનુ કારણ એ છે કે, ઈઝરાયેલના લોકો પોતાને શ્રેષ્ઠ જાતિ માને છે અને તેમના માટે બીજાની જિંદગીની કોઈ કિંમત નથી. ગાઝામાં ઈઝરાયેલ જે કરી રહ્યુ છે તે યુધ્ધ અપરાધની વ્યાખ્યામાં આવે છે. આમ છતા કેટલાક ઈસ્લામિક દેશોની સરકારોએ ઈઝરાયેલની નિંદા નથી કરી અને આ બાબત સ્વીકાર્ય નથી.