અમેરિકાની ચૂંટણીમાં ગરબડ કરવા 'દુશ્મન' દેશ હરકતમાં, સાઈબર એક્ટિવિટી વધારી, માઈક્રોસોફ્ટનો દાવો
US President Election 2024 | માઇક્રોસોફ્ટ દ્વારા જારી કરવામાં આવેલાં તેના તાજા થ્રેટ ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર યુએસમાં યોજાનારી આગામી પ્રમુખપદની ચૂંટણીઓને અસર કરવાના ઇરાદાથી ઇરાન તેની ઓનલાઇન પ્રવૃત્તિઓને વધારી રહ્યું હોવાનું જણાય છે. એક કિસ્સામાં તો પ્રમુખપદના ચૂંટણી પ્રચારને લક્ષ્ય બનાવી ઇ મેઇલ ફિશિંગ એટેક પણ કરાયો હોવાનું જણાયું છે. ખાસ કરીને સ્વિંગ રાજ્યોમાં એટલે કે જ્યાં મતદારોની પસંદગી નિશ્ચિત નથી તેવા રાજ્યોમાં અમેરિકન મતદારોને પ્રભાવિત કરવાના પેંતરા ઇરાન દ્વારા ઘડાઇ ચૂક્યા છે.
યુનાઇટેડ સ્ટેટ્સના જાસૂસી અધિકારીઓ દ્વારા જણાવાયેલી માહિતીથી આગળ જઇને આ રિપોર્ટમાં ઇરાની જૂથો દ્વારા લેવામાં આવેલાં પગલાંના ઉદાહરણો પણ આપ્યા છે. રિપોર્ટમાં ઇરાનનો ઇરાદો છતો કરાયો નથી પણ અમેરિકન અધિકારીઓએ અગાઉ જણાવ્યા અનુસાર ઇરાન ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરી શકે છે.
ટ્રમ્પે ૨૦૨૦માં ઇરાનના જનરલને ઉડાવી દેવાનો આદેશ આપ્યો હતો તથા ઇરાન સાથેના ન્યુક્લિયર સોદાને પણ અટકાવી તેના પર ફરી નિયંત્રણો લાદ્યા હતા. હાલ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે પણ ગજગ્રાહ વકર્યો છે અને ઇઝરાયેલના લશ્કરને અમેરિકાનો પુરો ટેકો છે. આ સંજોગોમાં ઇરાન અમેરિકન પ્રમુખપદની ચૂંટંણીઓમાં સાયબર હુમલા કરી શકે છે. રિપોર્ટમાં રશિયા અને ચીન પણ યુએસના રાજકીય ધુ્રવીકરણનો લાભ લેવા માટે તેમના પોતાના વિભાજનવાદી સંદેશાઓ ચૂંટણીના વર્ષમાં વધારી શકે છે.
માઇક્રોસોફ્ટ દ્વારા આપવામાં આવેલાં ચાર ઉદાહરણોમાં એકમાં ઇરાનના રેવોલ્યુશનરી ગાર્ડ ેજુનમાં અમેરિકન પ્રમુખપદની ચૂંટણીનો ભાર સંભાળતાં અધિકારીઓને ફિશિંગ ઇમેઇલના લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. બીજામાં ઇરાની જૂથો દ્વારા યુએસ સ્થિત એવી હોય દેખાવ ધરાવતી બનાવટી વેબસાઇટનું ઉદાહરણ અપાયું હતું. ત્રીજામાં એક ફેક ન્યુસ સાઇટ પર ટ્રમ્પને સાવ ગાંડા ગણાવવામાં આવ્યા હતા તો ચોથા ઉદાહરણમાં એલજીબીટીક્યુના મુદ્દે રિપબ્લિકન મતદારોને અપીલ કરાઇ હતી.
જો કે, ઇરાનના યુએન મિશને પોતે સાયબર હુમલાઓનો ભોગ બનતું હોઇ તેને પહોંચી વળવા જરૂરી સાયબર ક્ષમતાઓ જ ધરાવતું હોવાનો દાવો કરી તેમનો સાયબર હુમલો કરવાનો કોઇ ઇરાદો ન હોવાનું જણાવ્યું હતું. મિશને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસના પ્રમુખપદની ચૂંટણીએ યુએસની આંતરિક બાબત છે જેમાં ઇરાન કોઇ દખલ કરતું નથી.