Get The App

ઈરાને અમેરિકાનું ક્રુડ ઓઈલ લઈ જતુ જહાજ જપ્ત કર્યુ, ગત વર્ષની ઘટનાનો બદલો લેવાનો કર્યો દાવો

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
ઈરાને અમેરિકાનું ક્રુડ ઓઈલ લઈ જતુ જહાજ જપ્ત કર્યુ, ગત વર્ષની ઘટનાનો બદલો લેવાનો કર્યો દાવો 1 - image

image : twitter

તહેરાન,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર

ઓમાનના દરિયા કિનારા નજીકથી ઈરાને અમેરિકાનુ ક્રુડ ઓઈલ લઈ જતુ જહાજ જપ્ત કરી લીધુ છે. આ જહાજ પર 19 ક્રુ મેમ્બર છે. જેમાંથી 18 ફિલિપાઈન્સના નાગરિકો અને એક ગ્રીસનો રહેવાસી છે. 

ઈરાનની નૌસેનાનુ કહેવુ છે કે, સેન્ટ નિકોલસ નામના આ જહાજને જપ્ત કરવામાં આવ્યુ છે. આ જહાજનો ઉપયોગ અણેરિકાએ ગત વર્ષે અમારુ ક્રુડ ઓઈલ ચોરી  કરવા માટે કર્યો હતો. ઈરાનનુ નિવેદન યુનાઈટેડ કિંગડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશનની ટિપ્પણી પછી આવ્યુ છે. 

મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, હથિયારધારી લોકોએ સેન્ટ નિકોલસ જહાજને પોતાના કબ્જામાં લીધી છુ. જેનો માલિકી હક ગ્રીસની કંપની પાસે છે. આ જહાજને ઈરાનના બંદર એ જસ્ક તરફ વાળવામાં આવ્યુ હતુ. 

જોકે ઈરાનના નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયુ છે કે, ઈરાનની નૌસેનાએ આ જહાજને જપ્ત કર્યુ છે. ઈરાનની ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે આ જહાજ પહેલા સ્વેજ રાજન નામથી ઓળખાતુ હતુ અને અમેરિકા દ્વારા ઈરાનના ક્રુડ ઓઈલની ચોરી કરવા માટે આ જહાજનો ઉપયોગ કરવામાં આવતો હતો. અમેરિકા સામે બદલો લેવા માટે આ જહાજને જપ્ત કરવામાં આવ્યુ હતુ. 

અન્ય એક ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીના કહેવા અનુસાર જહાજ પર 1.45 લાખ ટન ક્રુડ ઓઈલનો જથ્થો છે. જહાજ ઈરાકના બસરાથી તુર્કીના અલીગા બંદર પર જઈ રહ્યુ હતુ. 

2023માં આ જહાજને અમેરિકન અધિકારીઓએ જપ્ત કર્યુ હતુ અને તેના પરનો 9.80 લાખ બેરલ ક્રુડ ઓઈલનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. અમેરિકાએ કહ્યુ હતુ કે, આ ઓઈલ ચીનને પ્રતિબંધોનો ભંગ કરીને વેચવામાં આવી રહ્યુ હતુ. 

આ જહાજને દંડ ભરીને છોડાવવામાં આવ્યુ હતુ. બાદમાં તેનુ નામ બદલી નાંખવામાં આવ્યુ હતુ. અમેરિકાની કાર્યવાહીના વળતા જવાબમાં ગત વર્ષે ઈરાને અમેરિકા સાથે જોડાયેલા બે ટેન્કર એડવાન્ટેજ સ્વીટ અને નિઓવીને જપ્ત કરી લીધા હતા. 

હવે ઈરાને ફરી અમેરિકા સાથે બદલો લેવાની વાત કરીને ઓઈલ ટેન્કર જપ્ત કરીને પલિતો ચાંપ્યો છે ત્યારે અમેરિકાના વળતા જવાબની અપેક્ષાએ ઓમાનના દરિયામાં તંગદિલી વધી રહી છે. 


Google NewsGoogle News