ઈરાન ગુપ્ત રીતે યુરોપ સુધી પહોંચે તેવા ન્યુક્લિયર મિસાઇલ્સ બનાવી રહ્યું છે
- નેશનલ કાઉન્સીલ ઓફ રેઝીસ્ટન્સ ઓફ ઈરાન કહે છે
- આ પ્રક્ષેપાસ્ત્રો બે સ્થળોએ ભૂગર્ભમાં બનાવાઈ રહ્યા છે ઉ. કોરિયાની મદદથી બનાવેલાં શસ્ત્રો ૩૦૦૦ કિ.મી. જઈ શકે તેવા છે
ન્યુયોર્ક, વોશિંગ્ટન : ઈરાન, યુરોપ સુધી પહોંચે તેવા પ્રક્ષેપાસ્ત્રો ગુપ્ત રીતે બનાવી રહ્યું છે તેની ડીઝાઇન તેને ઉત્તર કોરિયાએ આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ માહિતી આપતાં 'નેશનલ કાઉન્સીલ ઓફ રેઝીસ્ટન્સ ઓફ ઈરાન' (એનસીઆરઆઈ) જણાવે છે કે આ પ્રક્ષેપાસ્ત્રો જુદાં જુદાં બે સ્થળોએ ભૂગર્ભ સ્થિત 'યંત્ર-શાળા'માં બનાવાઈ રહ્યાં છે. ઉલ્લેખનીય તે છે કે, તે મિસાઇલ્સનાં ઉત્પાદનને ઈરાન ઉપગ્રહો અંતરિક્ષ સ્થિત કરવા માટેનાં રોકેટસ બનાવવાની કાર્યવાહી તરીકે જણાવે છે. વાસ્તવમાં તે મિસાઇલ્સ છે જે પરમાણુ શસ્ત્રો વહી શકે તેવા છે, તેની પ્રહાર મર્યાદા ૩૦૦૦ કી.મી. જેટલી છે તે દ્વારા તે યુરોપ ઉપર પ્રહારો કરી શકે તેમ છે.
એન.સી.આર.આઈ.નો આ અહેવાલ ટાંકતા ન્યૂયોર્ક-પોસ્ટ જણાવે છે કે, આ પૈકીની એક સાઇટ, શાહરૂદ મિસાઇલ ફેસીલીટી તરીકે જાણીતી છે. તેનું સંચાલન ઈરાનનાં ઓર્ગેનાઇઝેશન ફોર એડવાન્સ્ડ ડીફેન્સ રીસર્ચ એન્ડ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) કરે છે. તેની ઉપર 'ન્યુક્લિયર વોરહેડ' જોડવામાં આવે છે, આ ધારેલ મિસાઇલ ગ્રીસ સુધી પહોંચી શકે તેવા હોય છે.
તાજેતરમાં મળેલી માહિતી અનુસાર ઈરાને આવા મિસાઇલ્સનાં ત્રણ પરીક્ષણો તો કરી લીધાં છે જે શાહરૂદ ફેસીલીટી પરથી કરાયા હતા.
બીજી ટેસ્ટિંગ ફેનિલીટી એમનાન શહેરથી ૪૩ માઇલ દક્ષિણ પૂર્વે આવેલી છે ત્યાં ઈરાન ઉત્તર કોરિયાની ડીઝાઈનવાળા સિમોર્ઘ મિસાઇલ્સ બનાવી રહ્યું છે. આ સાઈટ્સ (બંને) ભૂગર્ભ સ્થિત છે જ્યાં ૨૦૦૫થી બહુવિધ પ્રયોગો થઈ રહ્યા છે.