ઇરાનના પ્રમુખ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું મોત, વિદેશ મંત્રીએ પણ જીવ ગુમાવ્યો
Iran Presidential helicopter crash: મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંબંધો અત્યંત તણાવપૂર્ણ બન્યા છે તેવા સમયે ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર રવિવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું મોત થયું છે. અને તેમની સાથે વિદેશ મંત્રીએ પણ જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે રેસક્યુ ટીમને 17 કલાક બાદ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો હતો.
દુર્ઘટના જુલ્ફા શહેરની નજીક બની હતી
આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે પ્રમુખ ઈબ્રાહિમ રઈસી ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારબાદ હેલિકોપ્ટરના હાર્ડ લેન્ડિંગની આ ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 600 કિલોમીટર (375 માઈલ) ઉત્તર-પશ્ચિમમાં અઝરબૈજાનની સરહદે આવેલા જુલ્ફા શહેરની નજીક બની હતી. સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન, ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર અને અન્ય અધિકારીઓ અને અંગરક્ષકો પણ રઈસી સાથે મુસાફરી કરી રહ્યા હતા.