ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમને મોદી પર વિશ્વાસ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ રોકવા અપીલ કરી
- આ સાથે તેઓએ સંસ્થાનવાદ સામેનાં ભારતના સંદર્ભે અને ભારતે આરંભેલી નોન એલાઇન્ડ મુવમેન્ટની યાદ તાજી કરી
તહેરાન, નવી દિલ્હી : ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમ રયસીએ ભારત ઉપર ઘણો વિશ્વાસ દર્શાવ્યો છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન ઉપર વાત કરી હતી અને ઇઝરાયલ-હમાસ-યુદ્ધ રોકવા માટે પોતાની તમામ ક્ષમતાનો ઉપયોગ કરવા ભારતના વડાપ્રધાનને અનુરોધ કર્યો હતો. તેઓ કહે છે કે ભારત ઈચ્છે તો આ યુદ્ધ રોકી શકે તેમ છે. સાથે વધુમાં કહ્યું કે ''આપને (મોદીને) ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સાથે ઘણા સારા સંબંધો છે. તેથી આપ તે યુદ્ધ અટકાવી શકો તેમ છો તેટલો મને વિશ્વાસ છે.''
તે સર્વવિદિત છે કે, ૭મી ઓક્ટોબરે દક્ષિણ ઈઝરાયલમાં હમાસે તબાહી મચાવ્યા પછી ઈઝરાયલે હમાસ વિરૂદ્ધ યુદ્ધની ઘોષણા કરી હતી. તે પછી તો યુદ્ધ ઘમાસણ બની રહ્યું. દરમિયાન વડાપ્રધાન મોદીએ વિશ્વના અગ્રીમ દેશોના વડાઓ સાથે સતત સંપર્ક ચાલુ રાખ્યો જ છે. ફોન ઉપર લંબાણ મંત્રણા પણ કરી છે. આ લક્ષ્યમાં લઈ ઈરાનના પ્રમુખ રઈસીએ વડાપ્રધાન મોદીને તે યુદ્ધ રોકવા પોતાની તમામ ક્ષમતા વાપરવા અનુરોધ કરતાં ભારતે પશ્ચિમના (ઈંગ્લેન્ડના) સંસ્થાનવાદ સામે આપેલી લડત અને ભારતે આરંભેલી 'નોન એલાઈન્ડ મુવમેન્ટ'ની યાદ પણ આપી હતી. સાથે કહ્યું હતું કે, 'પેલેસ્ટાઇનીઓની હત્યા ચાલુ રહેતાં વિશ્વના તમામ સ્વતંત્ર રાષ્ટ્રો ક્રોધિત થયા છે. બીજી તરફ આ હત્યાકાંડનાં પરિણામો ક્ષેત્રની બહાર પણ ફેલાવાની સંભાવના છે.'
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે શુક્રવારે મોદીએ યુ.એ.ઈ.ના પ્રમુખ મોહમ્મદ-બિન-જાયજે સાથે પણ ફોન પર વાત કરી. આ યુદ્ધની ભયંકર બની રહેલી સ્થિતિ વિષે ચર્ચા કરતાં ત્યાં શાંતિ સ્થાપવા સૌ કોઈના સહીયારા પ્રયાસ માટે અનુરોધ કર્યો હતો. તે પૂર્વે ભારતના વિદેશમંત્રી જયશંકરે ઈરાનના વિદેશમંત્રી અમીર બદોલા રીયાન સાથે પણ ચર્ચા કરી હતી.