ઈરાની રાષ્ટ્રપતિના કાફલાના બે હેલિકોપ્ટર પરત ફર્યા અને એક ક્રેશ થયું, દુર્ઘટના પર અનેક સવાલો!
Ebrahim Raisi Death : ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે.તેમના જોડે ઈરાનનાં વિદેશમંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયન સહિત કુલ 9 લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે. રાષ્ટ્રપતિનું હેલીકોપ્ટર રવિવારે ક્રેશ થયું હતું પરંતુ બચાવકર્મીઓ દુર્ઘટના સ્થળે પહોંચ્યા બાદ સોમવારે મૃત્યુની પુષ્ટી કરી હતી.
હેલિકોપ્ટરમાં કોણ સવાર હતું?
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી, વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દોલ્લાહિયન, ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલિક રહેમતી, પાઈલટ, સુરક્ષા વડા અને ક્રૂ.
હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું?
રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી ત્રણ હેલિકોપ્ટરના કાફલા સાથે કિંજ કલાસી અને ખોડાફરીન ડેમના ઉદ્ઘાટન માટે અઝરબૈજાન ગયા હતા. આ ઉદ્ઘાટન બાદ તેઓ તબરીઝ શહેર તરફ પાછા વળી રહ્યા હતાં. તબરીઝ શહેર ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતની રાજધાની છે. આ સમય દરમિયાન હેલિકોપ્ટર રસ્તામાં કોઈ જગ્યાએ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તબરીઝ શહેરથી 50 કિમી દુર જોલ્ફા અને વરઝેકાન શહેરની નજીક ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીને કારણે હેલિકોપ્ટરે હાર્ડ લેન્ડિંગ કર્યું હતું અને ક્રેશ થઈ ગયું હતું તેવું મનાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટના મધ્ય-પૂર્વમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ દરમિયાન બની છે અને ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે દુશ્મની જગ જાહેર છે તેથી આ અકસ્માતને શંકાની નજરથી જોવાઈ રહી છે. શું આ ઘટનામાં ઇઝરાયેલ કે અમેરિકાનો હાથ હોઈ શકે છે?
શું મોસાદનું અઝરબૈજાનમાં સક્રિય નેટવર્ક છે?
સોવિયેત સંઘમાંથી અઝરબૈજાનની સ્વતંત્રતા બાદ 1992 ઇઝરાયેલે અઝરબૈજાન ને તુર્કી બાદ માન્યતા આપનારો બીજો દેશ બન્યો અને અઝરબૈજાન સાથે રાજદ્વારી સંબંધોની શરૂઆત કરી હતી.ફેબ્રુઆરી 2012 માં, ઈરાને ઈઝરાયેલની મોસાદ ગુપ્તચર એજન્સી દ્વારા ઈરાની વિરોધી પ્રવૃત્તિઓને કથિત રીતે મદદ કરવા બદલ અઝરબૈજાનને ઠપકો આપ્યો હતો અને ત્યાર બાદ એજ વર્ષે માર્ચમાં ફોરેન પોલિસી મેગેઝિનના અહેવાલ પ્રમાણે ઇઝરાયેલની વાયુસેના ઇરાનના પરમાણુ કાર્યક્રમની સામે હવાઇ હુમલાઓ માટે, ઇરાની સરહદથી 500 કિમી દૂર સ્થિત અઝરબૈજાનના સિતાલચે મિલિટરી એરબેઝનો ઉપયોગ કરવાની તૈયારીમાં હતી. ધ લંડન ટાઈમ્સ અખબારે પોતાના લેખમાં મોસાદ એજન્ટ પાસેથી મળેલી માહિતીના આધારે દાવો કર્યો હતો કે મોસાદ ઈરાન પર નજર રાખવા માટે અઝરબૈજાનની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે. અઝરબૈજાન અને ઈરાન વચ્ચે સમયાંતરે તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે અને તેનું એક કારણ ઇઝરાયેલ પણ છે.
અઝરબૈજાન શિયા બહુમતી ધરાવતો દેશ હોતા છતાં ઇઝરાયેલ સાથે મિત્રતા!
અઝરબૈજાનમાં 55 ટકા શિયા મુસ્લિમો અને લગભગ 40 ટકા સુન્ની મુસ્લિમો રહે છે.અને 30000 યહુદીઓ પણ વસે છે.શિયા બહુમતી હોવાને લીધે અઝરબૈજાનના લોકોનાં ઈરાન તરફ વધુ સારા સંબંધો ધરાવે છે.અઝરબૈજાનની સરકારના સ્વતંત્રતા બાદથી ઇઝરાયેલ અને અમેરિકા સાથે ઘનિષ્ઠ સંબંધો છે.અઝરબૈજાન ઇઝરાયલને મુખ્ય તેલ સપ્લાયર દેશ છે.અને તેણે ગાઝા યુદ્ધને લઈને ઈઝરાયેલ સાથે સંબંધો તોડવાનો પ્રતિકાર પણ કર્યો હતો.
ઈરાનના આર્મેનિયા સાથે, ઈઝરાયેલના અઝરબૈજાન સાથે સંબંધ
અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે નાગોર્નો-કારાબાખ વિસ્તાર માટે લાંબા સમયથી વંશીય અને પ્રાદેશિક સંઘર્ષ ચાલતો આવે છે. ઈરાન બંને અઝરબૈજાન અને આર્મેનિયા સાથે સરહદ ધરાવે છે. આર્મેનિયા ખ્રિસ્તી બહુમતી ધરાવતો દેશ હોવા છતાં ઈરાન સાથે સામરિક અને વ્યાપારિક સંબંધો ધરાવે છે. 2020માં નાગોર્નો-કારાબાખ સંઘર્ષમાં ઇઝરાયેલ, તૂર્કેઈ અને પાકિસ્તાને અઝરબૈજાને ટેકો આપ્યો હતો. આ યુદ્ધમાં અઝરબૈજાને નાગોર્નો-કારાબાખના લગભગ બધા વિસ્તાર પર કબજો મેળવી લીધો હતો.
આ ઘટનામાં ઇઝરાયેલ સામેલ હોવાનો ખુલાસો થશે તો...
જો આ ઘટનામાં ઇઝરાયેલ સામેલ હોવાનો ખુલાસો થશે તો મધ્ય-પૂર્વમાં સંઘર્ષનો નવો દોર શરૂ થઇ શકે છે. જો આ હુમલામાં ઇઝરાયેલનો હાથ હોવાનું સામે આવશે તો ઈરાનના અઝરબૈજાન અને ઇઝરાયેલ સાથેના સંબંધો વધુ બગડી શકે છે અને ઇઝરાયેલ-ગાઝા યુદ્ધ વચ્ચે મધ્ય-પૂર્વમાં સ્થિતિ વણસી શકે છે. હિઝ્બુલ્લ્લાએ તો ધમકી આપી છે કે, જો ઈઝરાયેલ આ મામલામાં સંડોવાયેલું જોવા મળશે તો તેના પરિણામો સારા નહીં આવે. ગાઝા-ઇઝરાયેલ અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે જો એક નવા યુદ્ધની શરૂઆત થઇ તો મધ્ય-પૂર્વમાં અસ્થિરતા અને ક્ષેત્રિય સુરક્ષા માટે અશાંતિ લાવી શકે છે.