ઈઝરાયેલ પર સીધો હુમલો કરવા રિવોલ્યુશનરી ગાર્ડને ઈરાનનો આદેશ
- હમાસના ચીફની હત્યા પછી મધ્ય-પૂર્વમાં યુદ્ધનું સંકટ વધુ ઘેરું બન્યું
- ઈઝરાયેલ કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર, અમારા પર હુમલો કરનારે તેના માથાથી કિંમત ચૂકવવી પડશે : નેતન્યાહુની ચેતવણી
કૈરો/તેલ અવીવ : પેલેસ્ટાઈનના આતંકી જૂથ હમાસના વડા ઈસ્માઈલ હનીયેહની ઈરાનની રાજધાની તહેરાનમાં હત્યા થતાં ઈરાન ભારે ગુસ્સે ભરાયું છે. આ ઘટના પછી તુરંત જ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ ખામનેઈએ દેશના સૈન્ય રીવોલ્યુશનરી ગાર્ડને ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો આદેશ આપી દીધો છે. બીજીબાજુ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈઝરાયેલ પર હુમલો કરનારાએ તેમના માથાથી કિંમત ચૂકવવી પડશે તેવી ચેતવણી આપતા મધ્ય-પૂર્વમાં યુદ્ધનું સંકટ વધુ ઘેરું બન્યું છે.
ઈરાનના નવા સુધારાવાદી પ્રમુખ મસૂદ પઝશકિયાનના તહેરાનમાં શપથગ્રહણ સમારંભમાં હાજરી આપવા આવેલા હમાસના વડા ઈસ્માઈલ હનીયેહની હત્યાથી ઈરાન ધૂઆંપૂઆં થઈ ગયું છે. ઈરાને હનીયેહની હત્યાની તપાસ શરૂ કરી દીધી છે. તેણે દાવો કર્યો છે કે હનીયેહની હત્યા તાત્કાલીક નથી કરાઈ, પરંતુ તેનું પ્લાનિંગ બે મહિના પહેલાથી કરાયું હતું. તહેરાનમાં હનીયેહ જે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા ત્યાં બે મહિના પહેલાં જ એક બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં હનીયેહ સાથે તેમનો અંગરક્ષક પણ માર્યો ગયો હતો.
હનીયેહના મોતના કલાકોમાં જ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ ખામનેઈએ હનીયેહની હત્યા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું અને તેમના સૈન્ય રિવોલ્યુશનરી ગાર્ડને ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાના આદેશો આપ્યા છે. ઈઝરાયેલ વિરોધી આ અભિયાનમાં ઈરાનની સાથે સીરિયા અને લેબેનોનનું આતંકી જૂથ હિઝબુલ્લાહ અને યમજનના હુથી આતંકીઓ પણ જોડાયા છે.
ઈરાનના અધિકારીઓ મુજબ ઈસ્માઈલ હનીયેહ પરના હુમલાખોરોએ લાંબા સમયથી તેમની રેકી કરી હતી. હનીયેહ કતારથી જ્યારે પણ તહેરાન આવતા ત્યારે આ જ ગેસ્ટહાઉસમાં રોકાતા હતા. આ વાતની હુમલાખોરને ખબર હતી. આથી જ આ ગેસ્ટ હાઉસમાં તે મહેમાન બનીને આવ્યો અને બે મહિના પહેલાં જ બોમ્બ પ્લાન્ટ કરી દીધો હશે. હનીયેહ ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા છે તેની ખાતરી કર્યા પછી હુમલાખોરે રીમોટથી બોમ્બ વિસ્ફોટ કરી તેમની હત્યા કરી દીધી.
ઈઝરાયેલે હનીયેહની હત્યામાં તેનો હાથ હોવાનો ઈન્કાર કર્યો છે. જોકે, ઈરાનની હુમલાની ધમકીના જવાબમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ચેતવણી આપી છે કે અમારા પર કોઈપણ હુમલો કરશે તો તેણે ભારે કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહુએ હિઝબુલ્લાહના કમાન્ડર ફુઆદ શુક્રના મોતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે, અમને નુકસાન પહોંચાડનારા સામે અમે બદલો લઈશું. ઈઝરાયેલ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
તેમણે ઉમેર્યું હતું કે, ઈઝરાયેલના નાગરિકો માટે આગામી દિવસો પડકારજનક છે. બેરુતમાં સ્ટ્રાઈક પછી દરેક દિશામાંથી ધમકીઓ મળી રહી છે. કોઈપણ ક્ષેત્રમાંથી અમારા વિરુદ્ધ આક્રમણ થશે તો ઈઝરાયેલ તેની ભારે કિંમત વસુલશે. હુમલાખોરોએ ઈઝરાયેલ પર હુમલાની કિંમત તેમના માથાથી ચૂકવવી પડશે. આ ધમકી પછી ગાઝામાં ઈઝરાયેલ-હમાસ વચ્ચેનું યુદ્ધ હવે મધ્ય-પૂર્વમાં વધુ ફેલાવાનું સંકટ ઘેરુ બન્યું છે.
ભારતીયોને તુરંત લેબેનોન છોડવા ભારતની એડવાઈઝરી
તહેરાનમાં હમાસના ચીફ ઈસ્માઈલ હનીયેહ તથા હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર ફુઆદ શુક્રના મોતથી મધ્ય-પૂર્વમાં તણાવ વધી ગયો છે. આવી સ્થિતિમાં લેબેનોનની રાજધાની બેરુત સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું છે.મધ્ય-પૂર્વમાં તાજા ઘટનાક્રમ અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખતા ભારતીય નાગરિકોએ તાત્કાલિક લેબેનોનમાંથી નીકળી જવું જોઈએ. અગત્યના કારણોસર લેબેનોનમાં જ રહેવા માગતા ભારતીય નાગરિકો ખૂબ જ સાવધાની રાખે અને સતત બેરુતમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહે. ભારત ઉપરાંત બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પણ તેમના નાગરિકોને લેબેનોનનો પ્રવાસ નહીં કરવા સલાહ આપી છે. બીજીબાજુ ઈઝરાયેલે સમગ્ર દુનિયામાં તેના દુતાવાસો પર સુરક્ષા વધારી દીધી છે.