ઈરાનની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન સાથેની બોર્ડર પર ઈરાનની સેનાના ટોચના અધિકારીની હત્યા
તહેરાન,તા.18.જાન્યુઆરી.2024
ઈરાને પાકિસ્તાનમાં કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પણ આજે તેનો વળતો જવાબ આપ્યો છે. હવે આ બંને દેશ યુધ્ધના ઉંબરે આવીને ઉભા હોય તેમ લાગી રહ્યુ છે.કારણકે પાકિસ્તાને કરેલા હુમલા બાદ ઈરાન તેનો ફરી વળતો જવાબ આપશે તો સ્થિતિ વધારે વણસી શકે છે.બીજી તરફ ઈરાનની સેનાના એક ટોચના અધિકારીની ઈરાન પાકિસ્તાન બોર્ડર પર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
ઈરાનના મીડિયાએ જાણકારી આપતા કહ્યુ હતુ કે, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસ સંગઠનના એક કર્નલની પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનની સીમા સાથે જોડાયેલા દક્ષિણ પૂર્વીય પ્રાંતમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.ઈરાનના સુરક્ષાદળો હત્યારાઓને શોધવા માટે કાર્યવાહી કરી રહ્યા છે.
ઈરાને પાકિસ્તાન પર કરેલી મિલિટરી સ્ટ્રાઈક બાદ આર્મી ઓફિસરની હત્યા થઈ હોવાથી તેને પાકિસ્તાનની જવાબી કાર્યવાહી તરીકે પણ ઘણા લોકો જોઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઈરાને પાકિસ્તાનની ધરતી પરથી ઓપરેટ થતા જૈશ ઉલ અદલ નામના આતંકી સંગઠનના આશ્રય સ્થાનો પર હુમલા કરવા માટે પાકિસ્તાનની સીમામાં એર સ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાને તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવા માટે ધમકી આપી હતી.