ભારત-પાકિસ્તાનમાં તણાવ વચ્ચે ઈરાનની મધ્યસ્થતાની ઓફર, કહ્યું- બંને દેશો સાથે સારા છે સંબંધ
Iran offers to mediate between India and Pakistan : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દુનિયાના અનેક દેશોએ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં ભારતના સમર્થનની ખાતરી આપી છે. એવામાં હવે ઈરાને ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની ઓફર આપી છે.
ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને સ્થિરતાને પ્રાધાન્ય આપતા જણાવ્યું છે કે બંને દેશો સાથે અમારા ખૂબ સારા સંબંધ છે. બંને દેશો સાથે ઈરાનના સેંકડો વર્ષ જૂના સાંસ્કૃતિક સંબંધોના કારણે તેમને સૌથી વધુ પ્રથમિકતા આપીએ છીએ. આવા કપરા સમયમાં ઈરાન મધ્યસ્થતા માટે તૈયાર છે.
અમેરિકાનું ભારતને પૂર્ણ સમર્થન
અમેરિકાએ કહ્યું છે કે તે આતંકવાદીઓને પકડવામાં ભારતની મદદ કરશે. અમેરિકાના DNI ( નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર ) તુલસી ગબાર્ડે X હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું છે, કે 'આ ભયાવહ ઈસ્લામિક આતંકવાદી હુમલા બાદ અમે દ્રઢતાથી ભારતની પડખે છીએ. પ્રિયજન ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદનાઓ. અમે તમારી સાથે છીએ અને હુમલા માટે જવાબદાર લોકોને ઝડપવામાં સમર્થન કરીશું.'
આટલું જ નહીં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફ્રાંસના પ્રમુખ મેક્રોન, ઈટાલીના વડાંપ્રધાન મેલોની સહિતના વિશ્વના 12થી વધુ દેશના વડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.
સંયુક્ત રાષ્ટ્રની સંયમ રાખવાની અપીલ
સંયુક્ત રાષ્ટ્રનું ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ અંગે નિવેદન સામે આવ્યું છે. UNએ કહ્યું કે બંને દેશોએ આ પરિસ્થિતિમાં સંયમ રાખવાની જરૂર છે અને આ મુદ્દાનો ઉકેલ શાંતિથી-વાર્તાલાપ કરીને લાવવો જોઈએ. હાલ આ પરિસ્થિતિ ગંભીર છે અને અમારી નજર તેના પર છે.