ઈરાનઃ હિજાબનો વિરોધ કરનારી મહિલાઓ પર પોલીસ કસ્ટડીમાં સામૂહિક રેપ કરાયો હતો
image : twitter
તહેરાન,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર
ગત વર્ષે મહસા અમિની નામની 22 વર્ષની યુવતીનુ પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ આખા દેશમાં દેખાવો અને વિરોધનો દોર શરુ થયો હતો અ્ને હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. મહસા અમિનીની પોલીસે હિજાબ નહીં પહેરવા બદલ અટકાયત કરી હતી. એ પછી આંદોલન દરમિયાન હજારો લોકોની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં પુરુષોની સાથે નાના બાળકો પણ સામેલ હતા.
પોલીસ કાર્યવાહીમાં ઘણા લોકોના મોત પણ થયા હતા. માનવાધિકાર સંસ્થા એમેનેસ્ટી ઈન્ટરનેશનલના રિપોર્ટમાં હવે ખુલાસો થયો છે કે, હિજાબનો વિરોધ કરનારી મહિલાઓની અટકાયત કરાઈ હતી અને એ દરમિયાન તેમની સાથે રેપ પણ કરવામાં આવ્યો હતો. પોલીસે મહિલાઓ સાથે ક્રુરતાની તમામ હદો પાર કરી હતી. ઓછામાં ઓછા 45 કિસ્સામાં મહિલાઓ પર પોલીસ કસ્ટડીમાં સામૂહિક બળાત્કારો થયા હતા અથવા તો તેમનુ જાતીય શોષણ કરાયુ હતુ.
એમેનેસ્ટીના કહેવા પ્રમાણે સુરક્ષા દળોના જવાનો અને ગુપ્તચર એજન્સીના એજન્ટોએ રેપ કર્યા હતા. 24 નવેમ્બરે અમે ઈરાનની સરકાર સાથે આ રિપોર્ટ શેર કર્યો હતો પણ હજી સુધી તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી. માત્ર મહિલાઓ જ નહીં પણ પુરુષો અને બાળકોને પણ રેપના શિકાર બનાવાયા હતા. જાતીય શોષણના 45 મામલા નોધાયા હતા અને તેમાં 16 કેસ રેપના હતા.
ચાર મહિલાઓ અને બે પુરુષો સાથે 10 એજન્ટોએ સામૂહિક રેપ કર્યો હતો. જેમાં રિવોલ્યુશનરી ગાર્ડસ, અર્ધ લશ્કરી દળના જવાનો, ગુપ્તચર એજન્સીના એજન્ટ અને પોલીસ અધિકારીઓ સામેલ હતા.