Get The App

હુથીઓ વિરુદ્ધની ફોર્સમાં સામેલ મુસ્લિમ દેશોને ખોમેનીએ પાપી કહ્યા, ઈઝરાયલ મુદ્દે મોટી જાહેરાત

અમેરિકાના નેતૃત્વમાં ઈઝરાયલ વિરુદ્ધ લડતા હુથીઓને હંફાવવા ફોર્સ રચાશે

સમુદ્રની દેખરેખ માટે ટાસ્ક ફોર્સ બનાવવા પર ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેની લાલચોળ

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
હુથીઓ વિરુદ્ધની ફોર્સમાં સામેલ મુસ્લિમ દેશોને ખોમેનીએ પાપી કહ્યા, ઈઝરાયલ મુદ્દે મોટી જાહેરાત 1 - image
Image Twitter 

તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર

ઈરાન સમર્થિત હુથી બળવાખોરો સમુદ્રમાં જહાજો પર સતત હુમલા કરી રહ્યા છે. હુથી બળવાખોરો ઈઝરાયલના જહાજોને નિશાન બનાવી રહ્યા છે. આ ઉપરાંત હુથી બળવાખોરો ઈઝરાયલ સાથે સંકળાયેલા હોય એવા જહાજો પર પણ હુમલા કરી રહ્યા છે. આ વાતને ગંભીરતાથી લઈને અમેરિકાએ હુથીઓનો સામનો કરવા 10 દેશોની એક ફોર્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. વાત એમ છે કે, અમેરિકા દ્વારા રાતા સમુદ્રમાં તહેનાત રહે એવી ફોર્સ બનાવવાની તૈયારી કરાઈ છે. જેનો ઈરાન તરફથી સતત વિરોધ થઈ રહ્યો છે. આ અંગે ઈરાનના સંરક્ષણ મંત્રી મોહમ્મદ રજા અશ્તિયાનીએ કહ્યું છે કે, ‘રાતા સમુદ્રમાં અમેરિકાના નેતૃત્વમાં આવી કોઈ મલ્ટીનેશનલ ટાસ્કફોર્સ બનાવાશે તો અમે સહન નહીં કરીએ. આવું કોઈ પણ પગલું તમારા માટે ઘાતક સાબિત થશે.’ આ ટાસ્ક ફોર્સની રચનાને ઈરાન તેમના વિસ્તારમાં દખલગીરી ગણાવી રહ્યું છે. 

તેલ, ઈંધણ સહિતનો સામાન ઈઝરાયલ સુધી પહોંચતો અટકાવવો એ આપણી ફરજ 

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખોમેનીએ મુસ્લિમ દેશોને અપીલ કરી છે કે ‘હુથીઓથી છુટકારો મેળવવા બનાવાઈ રહેલી મલ્ટી નેશનલ ફોર્સમાં તમે ના જોડાવો. તેલ, ઈંધણ અને બીજો સામાન ઈઝરાયલ સુધી પહોચતો રોકવો એ આપણી બધાની ફરજ છે. આ સ્થિતિમાં ઈઝરાયલ સામે લડી રહેલા હુથીઓનું સમર્થન કરવું તે આપણી ફરજ બને છે. ઈઝરાયલની સાથે ઊભા રહેવું એ એક ગુનો અને દેશદ્રોહ છે. અમેરિકાના નેતૃત્વમાં બની રહેલ આ ફોર્સનો ભાગ બની આરબ દેશો પર હુમલો કરવો એ પાપ છે. ’

નૌસેના દરિયામાં નાકાબંધી કરશે તો તેનો વિરોધ થશે: ઈરાનના જનરલ

રાતા સમુદ્રમાં હુથીઓ પર કાર્યવાહી મામલે ખોમેની આરબ દેશો પર ભડક્યા હતા. બીજી તરફ, ઈરાનના એક વરિષ્ટ જનરલે પણ કહ્યું છે કે ‘જો કોઈ પણ નૌસેના દરિયામાં નાકાબંધી કરશે તો અમે તેમને જડબાતોડ જવાબ આપીશું.’ 

ગુજરાતથી 200 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમમાં શનિવારે હુમલો થયો હતો 

તમને જણાવી દઈએ કે, ગુજરાતના દરિયા કાંઠે 23 ડિસેમ્બરે ઈઝરાયલ સાથે સંકળાયેલા એક જહાજ પર ડ્રોન હુમલો કરાયો હતો. આ જહાજ ભારત આવી રહ્યું હતું. આ હુમલો ગુજરાતથી 200 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમમાં કરાયો હતો. આ ઘટના પછી દરિયાઈ સુરક્ષાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. 

આ ફોર્સમાં અન્ય દેશો પણ જોડાશે

અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને કહ્યું છે કે, ‘રાતા સમુદ્રમાં હુથી બળવાખોરો દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલાથી જહાજોને બચાવવા એક ટાસ્ક ફોર્સની રચના કરાશે. હુથીઓના હુમલાને મુક્ત વેપાર સામે મોટો ખતરો છે.   તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું પણ સતત ઉલ્લંઘન કરી રહ્યા છે. આ કોઈ એક દેશનો નહીં પરંતુ આ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. એટલા માટે આ ફોર્સની રચના કરવી જરૂરી છે. આ ફોર્સમાં અમેરિકા સાથે બહેરીન, કેનેડા, ફ્રાન્સ, ઈટાલી, નેધરલેન્ડ, નોર્વે, સેશેલ્સ, સ્પેન અને યુ.કે. પણ હશે. આ મિશનને ઓપરેશન 'પ્રોસ્પેરિટી ગાર્ડિયન' નામ અપાયું છે.’


Google NewsGoogle News