Get The App

અમેરિકા-રશિયાનું વિરોધી વલણ, યુએને કરી નિંદાઃ ઇઝરાયલ પર ઇરાનના હુમલા બાદ વૈશ્વિક તણાવ વધ્યો

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
Iran Attack on Israel



Israel–Hezbollah Conflict: ઈરાને ઈઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. ઈરાન તરફથી ઈઝરાયલ પર મંગળવાર (1 ઓક્ટોબર) રાત્રે 400થી વધુ મિસાઈલો છોડવામાં આવી હતી. આ હુમલા બાદ વૈશ્વિક તણાવ દેખાઇ રહ્યું છે. અમેરિકાએે ઇઝરાયલને મદદ કરવા ખાતરી આપી છે અને તેની સેનાને ઇરાનની મિસાઇલો તોડી પાડવા આદેશ આપ્યું હતું. આ ઉપરાંત બ્રિટનના વડાપ્રધાને પણ આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ટેલિફોનિક વાત કરી હતી. જો કે, રશિયાએ આ મામલે અમેરિકાથી અલગ વલણ અપનાવ્યું છે. ઇરાનના હુમલા વચ્ચે રશિયાના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું કે, ઇઝરાયલ લેબેનોનમાંથી પોતાની સેના પરત બોલવે. આ દરમિયાન યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઇરાનના હુમલાની નિંદા કરી છે.

યુએને સેક્રેટરી જનરલે નિંદા કરી

યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે મીડલ ઇસ્ટમાં અને ખાસ કરીને ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવમાં વધારો થવાની નિંદા કરી હતી. તેમણે X પર લખ્યું કે, 'હું મીડલ-ઇસ્ટમાં સંઘર્ષના સતત ફેલાવાની નિંદા કરું છું અને આ ક્ષેત્રમાં સંઘર્ષ વધતો જ જઇ રહ્યો છે. આ સંઘર્ષ અટકવો જ જોઈએ, આપણને યુદ્ધવિરામની જરૂર છે.'

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને બેઠક કરી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે, 'તેમણે ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક કરી છે. જેમાં ઈરાન દ્વારા ઈઝરાયલ પરના સંભવિત મિસાઈલ હુમલા અને અમેરિકાની મદદથી ઈઝરાયેલને બચાવવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત અમેરિકન લોકોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. અગાઉ બાઇડેને યુએસ સેનાને ઇરાની મિસાઇલો તોડી પાડવાનો આદેશ પણ આપ્યો હતો. હાલ અમેરિકા આ ક્ષેત્રમાં તેની સૈન્ય હાજરી વધારી રહ્યું છે.

રશિયાએ અમેરિકાથી અલગ વલણ અપનાવ્યું

બીજી તરફ, આ હુમલા બાદ રશિયાની રાજધાની મોસ્કોમાં પણ ગતિવિધિઓ વધી ગઈ છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ક્રેમલિનમાં તેમની ઓફિસમાં ઈમરજન્સી બેઠક યોજી હતી. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, 'ઇઝરાયલે લેબેનોનમાંથી પોતાની સેના પરત બોલાવે.'

બ્રિટનના વડાપ્રધાને જો બાઇડેન સાથે વાત કરી

આ ઘટનાક્રમ દરમિયાન બ્રિટનના વડાપ્રધાને યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફોન પર વાત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન બ્રિટને અમેરિકા અને ઇઝરાયલને સંપૂર્ણ સમર્થન વયક્ત કર્યું હતું.

ઇરાને પ્રથમ નિવેદન આપ્યું

ઇરાને પ્રથમ નિવેદન આપ્યું છે. ઇરાને કહ્યું કે, 'ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનાઇના આદેશ પર ઇઝરાયલ પર આ હુમલો ઇસ્માઇલ હાનિયા અને નસરલ્લાહની શહીદીનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે.' ઉપરાંત ઇરાનના આર્મી યુનિટે ઇઝરાયલને ધમકી આપી છે કે, 'જો ઇઝરાયલ ઇરાનની આ કાર્યવાહીનો જવાબ આપશે તો તેને વધુ વિનાશકારી હુમલાઓનો સામનો કરવો પડશે. વર્તમાન હુમલામાં ઇઝરાયલના મહત્ત્વપૂર્ણ સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે અને આ અમારા હુમલાની માત્ર પ્રથમ તરંગ છે.' 

ઇઝરાયલના 20 ફાઇટર પ્લેન તોડી પાડ્યાઃ ઇરાન

ઈરાને દાવો કર્યો છે કે, તેના હુમલામાં ઈઝરાયેલના 20 F-35 ફાઈટર પ્લેન નષ્ટ થઈ ગયા છે. આ સાથે જ આ હુમલામાં મોટી સંખ્યામાં ઈઝરાયેલની ટેન્કોને પણ નુકસાન થયું છે. નોંધનીય છે કે, F-35 એ વિશ્વનું સૌથી આધુનિક ફાઈટર જેટ એરક્રાફ્ટમાંથી એક છે. આ ઉપરાંત ઈરાને દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના હેડક્વાર્ટરને નષ્ટ કરી દીધું છે.

આ પણ વાંચોઃ નવું યુદ્ધ શરૂ? ઈરાને ઈઝરાયલ પર 400થી વધુ મિસાઈલ છોડી, અમેરિકાએ કરી મોટી તૈયારી

ઈરાનને ઈઝરાયેલી સેનાની ચેતવણી

ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તાએ ઇરાની હુમલાના એક કલાક પછી કહ્યું હતું કે, 'ઇરાનના હુમલા બંધ થઇ ગયા છે અને હાલમાં ઈરાન તરફથી કોઈ ખતરો નથી. ઇઝરાયેલી સેનાએ ઇરાનને ચેતવણી આપતા કહ્યું છે કે, ઇઝરાયેલ ઇરાનના હુમલાનો જવાબ આપશે. અમે ડિફેન્સ અને અટેક અંગે ખૂબ સાવચેત છીએ. અમે અમારા નાગરીકોની રક્ષા કરીશું. અમારા પાસે પ્લાનિંગ છે, અમે સમય અને સ્થળ નક્કી કરીશું અને પછી ઇરાન સામે કાર્યવાહી કરીશું.'

ઇઝરાયલ, જોર્ડન અને ઇરાકે એરસ્પેસ બંધ કર્યા

આ દરમિયાન ઈઝરાયલ, જોર્ડન અને ઈરાકે પોતાના દેશના એરસ્પેસ બંધ કરી દીધા છે. જેના કારણે આ દેશોના આકાશમાં કોઈપણ પ્રકારની ગતિવિધિ થશે નહીં. હાલ ઇરાનના હુમલાના પગલે સમગ્ર વિશ્વમાં અરાજકતા ફેલાઇ છે.

ભારતે જાહેર કરી એડવાઈઝરી

ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, દેશ અને રાજ્યોમાં બિનજરૂરી મુસાફરી ટાળો અને સુરક્ષિત આશ્રયસ્થાનોની નજીક રહો. દૂતાવાસ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. કોઈપણ કટોકટીના કિસ્સામાં, તમે 24/7 હેલ્પલાઈનનો સંપર્ક કરી શકો છો. આ હેલ્પલાઈન છે +972-547520711, +972-543278392.

આ પણ વાંચોઃ 'ખૂદ ઈરાનની જાસૂસી સંસ્થાનો વડો જ હતો મોસાદ એજન્ટ', પૂર્વ ઈરાની રાષ્ટ્રપતિના ચોંકાવનારા ખુલાસા

હિઝબુલ્લાહે પણ મિસાઇલો દાગી

ઇરાનની કાર્યવાહી દરમિયાન હિઝબુલ્લાહે પણ ઈઝરાયલના શહેર તેલ અવીવ સ્થિત મોસાદ હેડ કવાર્ટર પર ચાર મિસાઇલો છોડી હતી. આ ઉપરાંત તેલ અવીવમાં આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન ઈઝરાયલના ઓછામાં ઓછા 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. પ્રાથમિક મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે, એમ-16 અને એક-47થી બે લોકોએ સામાન્ય લોકો પર હુમલો કર્યો છે. હાલ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ આતંકવાદી હુમલો હિઝબુલ્લાહે જ કર્યો હતો.


Google NewsGoogle News