ઈરાને ઈઝરાયલ પર મોડી રાતે ધડાધડ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા, સમગ્ર વિશ્વમાં ખળભળાટ

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
ઈરાને ઈઝરાયલ પર મોડી રાતે ધડાધડ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા, સમગ્ર વિશ્વમાં ખળભળાટ 1 - image

Image : Twitter/ Iran Drone Attack 



Iran Attack on Israel | ઈરાને શનિવારની મોડી રાત્રે ઈઝરાયેલની સરહદે પર પહેલો સીધો હુમલો કર્યો. હવે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલોનો મારો ચલાવાથી ક્ષેત્રમાં તણાવ વધવાનો ખતરો વધી ગયો છે. અહેવાલ અનુસાર, ઇઝરાયેલમાં મોડી રાત્રે અચાનક સાયરન વાગવા લાગ્યા અને પછી જોરદાર ગડગડાટ અને વિસ્ફોટનો અવાજ સંભળાવા લાગ્યો હતો. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના તાત્કાલિક સમાચાર સામે નથી આવ્યા. ઈઝરાયેલે કહ્યું કે ઈરાન દ્વારા 100થી વધુ ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે.

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ કહ્યું - અમે જવાબ આપીશું. 

આ દરમિયાન ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા કરાયા બાદ ઈઝરાયેલના પીએમ બેન્ઝામિન નેતન્યાહુએ રક્ષણાત્મક અને આક્રમક રીતે જવાબ આપવાનું વચન આપ્યું છે અને કહ્યું છે કે ઈઝરાયેલ વર્ષોથી ઈરાન દ્વારા સીધા હુમલાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. અમારી સંરક્ષણ પ્રણાલી મજબૂત છે. નેતન્યાહુએ ઈઝરાયેલના પીએમઓ દ્વારા ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે અમે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ, રક્ષણાત્મક અને આક્રમક બંને. ઇઝરાયેલ રાજ્ય મજબૂત છે, IDF મજબૂત છે, લોકો મજબૂત છે.

અમે કોઈપણ ખતરાથી પોતાનો બચાવ કરીશું : નેતન્યાહુ

તેમણે કહ્યું કે અમે ઇઝરાયલની સાથે ઉભેલા અમેરિકાની પ્રશંસા કરીએ છીએ તેમજ બ્રિટન, ફ્રાન્સ અને અન્ય ઘણા દેશોના સમર્થનની પણ પ્રશંસા કરીએ છીએ. નેતન્યાહુએ ફરી પુનરોચ્ચાર કર્યો કે જે કોઈ અમને નુકસાન પહોંચાડશે, અમે તેમને નુકસાન પહોંચાડીશું. અમે કોઈપણ ખતરો સામે પોતાનો બચાવ કરીશું અને અખંડિતતા અને નિશ્ચય સાથે કરીશું. 

આ કારણે ઈરાન હુમલો કરી રહ્યું છે

સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની દૂતાવાસ પર 1 એપ્રિલે થયેલા હવાઈ હુમલામાં એક વરિષ્ઠ જનરલ સહિત સાત ઈરાની સૈન્ય અધિકારીઓ માર્યા ગયા બાદ ઈરાને ઈઝરાયેલથી બદલો લેવાની જાહેરાત કરી હતી. ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું છે. ત્યારપછી ઈરાનમાં મિસાઈલ અને એટેક ડ્રોનને લઈને હિલચાલ થઈ છે.

એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે વિશ્વને વધુ એક યુદ્ધ નહીં પરવડે 

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ટ્વીટ કર્યું કે "ઇરાન દ્વારા ઇઝરાયેલ પર કરાયેલા આ હુમલાને હું આકરા શબ્દોમાં વખોડું છું. હું આ દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવા માટે હાકલ કરું છું. તેમણે આગળ લખ્યું કે હવે વિશ્વ વધુ એક યુદ્ધને સહન નહીં કરી શકે. 


Google NewsGoogle News