પાકિસ્તાનમાં ફરી સર્જિકલ સ્ટ્રાઈક, પાડોશી દેશની સેનાએ જૈશ અલ અદલના કમાંડરને ઘૂસીને ઠાર કર્યો
અગાઉ એક મહિના પહેલા ઇરાની એરફોર્સે પાકિસ્તાનમાં ઘૂસીને જોરદાર રીતે હવાઈ હુમલા કર્યા હતા
image : IANS / Representative image
|
Iran Army attack in Pakistan | પાકિસ્તાનની એવી હાલત થઇ ગઈ છે કે તે આતંકીઓને ઉછેરવામાં ફસાઈ ગયો છે. પાડોશી દેશો સાથે તેના સંબંધો બગડતાં જઈ રહ્યા છે. તેના પર ફરી એકવાર પાડોશી દેશના સૈન્યએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. માહિતી અનુસાર ઈરાની સૈન્ય દળોએ પાકિસ્તાની વિસ્તારમાં ઘૂસીને આતંકવાદી જૂથ જૈશ અલ અદલના કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્ષ અને તેના કેટલાક સહયોગીઓને મારી ઠાર કરી દીધાનો દાવો કર્યો છે.
મહિના બાદ ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક
આજે વહેલી સવારે ઈરાનના સરકારી મીડિયાના હવાલાથી આ માહિતી મળી હતી. અગાઉ એક મહિના પહેલા પણ ઈરાને પાકિસ્તાની ક્ષેત્રમાં ઘૂસીને જૈશ અલ અદલના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને પણ ઈરાનના વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હતો.
જૈશ અલ અદલ એક સુન્ની ઉગ્રવાદી સંગઠન
અહેવાલ મુજબ, જૈશ અલ અદલ એક સુન્ની ઉગ્રવાદી સંગઠન છે, જેની સ્થાપના 2012માં થઈ હતી. ઈરાને તેને 'આતંકવાદી જૂથ' જાહેર કર્યું છે. આ સંગઠન ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનથી ઓપરેટ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જૈશ અલ-અદલે ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા હતા. ગત ડિસેમ્બરમાં, જૈશ અલ-અદલે સિસ્તાન-બલુચિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં ઓછામાં ઓછા 11 પોલીસ કર્મચારીઓના જીવ ગયા હતા.