ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા! અમેરિકાએ 34 યુદ્ધજહાજ મોકલ્યા, મધ્ય-પૂર્વમાં સેનાનો 30% ભાગ તહેનાત કર્યો
Israel-Iran Tension: પેલેસ્ટાઈન અને હમાસ સાથેના યુદ્ધમાં ઇઝરાયલે ઈરાનના ઘરમાં ઘુસીને હમાસના ચીફ ઇસ્માઇલ હાનિયેહને ઠાર માર્યા બદલ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભારે તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશો વચ્ચે વધતા તણાવના કારણે સમગ્ર વિશ્વની નજર હવે મધ્ય-પૂર્વ પર છે. આ દરમિયાન અમેરિકા પોતાના મિત્ર દેશ ઈઝરાયલને બચાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. ઈરાન અને તેના સહયોગી આતંકવાદી જૂથોના હુમલાઓ સામે રક્ષણ આપવા માટે અમેરિકાએ તેના 30 ટકા નૌકાદળને ભૂમધ્ય સમુદ્રમાં અને તેની આસપાસ તહેનાત કરી છે. કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ અબ્રાહમ લિંકન એકથી બે દિવસમાં ભૂમધ્ય સમુદ્રમાં પહોંચી જશે. પરમાણુ મિસાઈલથી સજ્જ સબમરીન યુએસએસ જ્યોર્જિયા પણ નજીક પહોંચી ગઈ છે.
ભૂમધ્ય સમુદ્ર આસપાસ ક્યાં ક્યાં તહેનાત અમેરિકન નૌકાદળ?
ઓમાનની ખાડીઃ અહીં થિયોડોર રૂઝવેલ્ટ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ તહેનાત છે. આ સાથે બે યુદ્ધ જહાજ યુએસએસ જોન એસ મેકકેઈન અને યુએસએસ ડેનિયલ ઈનોઈને પણ અહીં તહેનાત કરવામાં આવ્યા છે.
મલક્કાની ખાડીઃ અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ અહીં તહેનાત કરવામાં આવશે. તેના સાથી યુદ્ધ જહાજો યુએસએસ ઓક્સેન, યુએસએસ સ્પ્રોન્સ અને યુએસએસ ફ્રેન્ક પિટરસન જૂનિયરને અહીં તહેનાત કરવામાં આવ્યા છે.
પૂર્વ ભૂમધ્ય સમુદ્રઃ એન્ફિબિયસ એસોલ્ટ શિપ અહીં તહેનાત કરવામાં આવ્યા છે. આ સાથે યુએસએસ વેસ્પ, યુએસએસ ઓક હિલ અને યુએસએસ નેવાર્ક પણ અહીં તહેનાત છે.
આ પણ વાંચોઃ એર ઈન્ડિયાની એર હોસ્ટેસ સાથે લંડનની હોટેલમાં મારપીટ, હુમલાખોર રૂમમાં ઘૂસ્યો અને પછી...
મધ્ય-પૂર્વઃ અહીં યુએસ નેવીનું પાંચમું AOR એકમ (સહાયક, તેલ અને પૂરવઠો એકમ) સહિત ચાર યુદ્ધ જહાજો યુએસએસ લેવિસ બી. પુલર, યુએસએસ રસેલ, યુએસએસ કોલ અને યુએસએસ માઈકલ મર્ફી તહેનાત છે. તેમનું કામ યુદ્ધ જહાજો, ફાઈટર જેટ વગેરેને તેલ, શસ્ત્રો અને પુરવઠો પહોંચાડવાનું છે.
ભૂમધ્ય સમુદ્રઃ આ ક્ષેત્રમાં યુએસ નેવીની છઠ્ઠી ફ્લીટ યુએસએસ અરલે બર્ક, યુએસએસ લબૂન, યુએસએસ રૂઝવેલ્ટ, યુએસએસ બલ્કલે તહેનાત છે. આ એવા જહાજો છે, જે માત્ર પુરવઠામાં જ મદદ કરે છે પરંતુ જરૂર પડ્યે ઘાતક હુમલા પણ કરી શકે છે.
બહેરીનઃ બહેરીન પાસેના સમુદ્રીય વિસ્તાર પાસે યુએસ નેવીના દસ યુદ્ધ જહાજો તહેનાત કરવામાં આવ્યા છે.
હિઝબુલ્લાહ, હમાસ અને હૂતી વિદ્રોહીઓ ઇરાનનો સાથ આપશે
ઇઝરાયલ પર હુમલો કરવા હિઝબુલ્લાહ, હમાસ અને યમનના હૂતી વિદ્રોહી પણ ઇરાનને સાથ આપી શકે છે. આ કારણે અમેરિકા આ સંભવિત યુદ્ધ ક્ષેત્રોમાં પોતાની તાકાત વધારી રહ્યો છે. અમેરિકાએ ઇઝરાયલને આશ્વાસન આપ્યું છે કે, અશાંતિ ફેલાતા રોકવા માટે અમેરિકા દરેક સંભવિત પગલાં ભરશે. અગાઉ અમેરિકા અને અન્ય દેશો ઇઝરાયલ અને હમાસ વચ્ચે સીઝ-ફાયર કરાવવા પ્રયાસ કરી ચૂક્યાં છે, પરંતુ ઇઝરાયલે ઇરાનમાં હમાસ ચીફની હત્યા કર્યા બાદ હવે ઇરાન પણ હમાસ સાથે મળીને યુદ્ધમાં ઝંપલાવી ઇઝરાયલ પર હુમલો કરે તેવી સંભાવના છે.