અમે હાથ પર હાથ મૂકીને નહીં બેસી રહીએ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ મામલે પુતિનનું અલ્ટિમેટમ
Iran-Israel Controversy : વિશ્વભરમાં એકતરફ રશિયા-યૂક્રેન વચ્ચે બે વર્ષથી યુદ્ધ (Russia-Ukraine War) ચાલી રહ્યું છે, તો બીજીતરફ ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas War) વચ્ચે છ મહિનાથી લોહિયાળ જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે આ તમામ ઘટનાઓ વચ્ચે ઈરાને શનિવારે ઈઝરાયેલ પર 300થી વધુ ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યા બાદ મધ્ય-પૂર્વના દેશો વચ્ચે ભારે તણાવ અને વિવાદ શરૂ થઈ ગયો છે. હુમલા અંગે અમેરિકા (America) અને રશિયા (Russia)એ પણ નિવેદન આપ્યું છે.
‘...તો અમે ઈઝરાયેલને સાથ નહીં આપીએ’ : અમેરિકા
ઈઝરાયેલના રાજદૂત ગિલાદ એર્દાને સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે, આ હુમલાએ તમામ હદો વટાવી દીધી છે અને ઈઝરાયેલને હુમલાનો જવાબ આપવાનો સંપૂર્ણ હક છે. તો બીજીતરફ હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયેલને સાથ આપનાર અમેરિકાએ આ વખતે ઈઝરાયેલથી જ મોઢું ફેરવી લીધું છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે, ‘જો ઈઝરાયેલ ઈરાન પર કોઈ પણ હુમલો કરશે, તો અમેરિકા તેને સાથ નહીં આપે.
‘જો અમેરિકા ઈઝરાયેલને સાથ આપશે તો...’ : પુતિનની ચેતવણી
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ઘર્ષણ શરૂ થયા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) પણ નિવેદન આપ્યું છે. પુતિને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું છે કે, તે બંને દેશોના મામલામાં દખલગીરી ન કરે. જો ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરશે અને અમેરિકા ઈઝરાયેલને સાથ આપશે અથવા કોઈપણ મદદ કરશે તો અમે હાથ પર હાથ મૂકીને નહીં બેસી રહીએ. અમે ઈરાનનું ખુલ્લામાં સમર્થન કરીશું.
ઈઝરાયેલને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સનું સમર્થન
ઈરાને હુમલો કર્યા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે. અમેરિકા અને બ્રિટને (Britain) ઈરાનની ઘણી મિસાઈલો અને ડ્રોનનો હવામાં જ તોડી પાડ્યા છે. આ ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂ (Benjamin Netanyahu) વચ્ચે વર્તમાન સ્થિતિ અંગે ફોન પર પણ વાત થઈ છે.
બાઈડેને નેતન્યાહૂ સાથે ફોન પર કરી વાત
બાઈડેને નેતન્યાહૂને કહ્યું કે, અમે ઈરાનના હુમલા વિરુદ્ધ ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. જોકે તેમણે એમ પણ કહ્યું કે, અમે ઈરાનના હુમલાથી ઈઝરાયેલને બચાવવાની જંગમાં તેમની સાથે ઉભા છીએ, પરંતુ જો ઈઝરાયેલ ઈરાન પર વળતો હુમલો કરશે તો અમેરિકા તેનું સમર્થન નહીં કરે.