Get The App

ઈઝરાયલના પલટવારનો ડર, ઈરાને પોતાના જહાજોને સુરક્ષા આપવા માંડી, સીરિયાના લશ્કરી થાણા ખાલી કર્યા

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
ઈઝરાયલના પલટવારનો ડર, ઈરાને પોતાના જહાજોને સુરક્ષા આપવા માંડી, સીરિયાના લશ્કરી થાણા ખાલી કર્યા 1 - image


Iran Israel War : મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને ઈરાને એક બીજા પર હુમલા કરવા માટેની ધમકીઓ આપવાનુ ચાલુ રાખ્યું છે. 13 એપ્રિલે ઈરાને ઈઝરાયલ પર કરેલા મિસાઈલ અને ડ્રોન એટેક બાદ આખી દુનિયાને ડર છે કે, ઈઝરાયલ ગમે ત્યારે પલટવાર કરશે. ઈરાને પોતે પણ આ શક્યતાઓને ધ્યાનમાં રાખીને હવે પોતાના વેપારી જહાજોને નૌસેનાની સુરક્ષા આપવાનુ શરુ કર્યું છે.

ઈરાનની સરકારે કહ્યું છે કે, ઈરાનની નૌસેનાનુ યુધ્ધ જહાજ એડનની ખાડીમાં તૈનાત છે અને તે રાતા સમુદ્ર વિસ્તાર સુધી પેટ્રોલિંગ ચાલુ રાખશે. આ યુધ્ધ જહાજ અત્યાધુનિક મિસાઈલો તેમજ સેન્સરો અને બીજા હથિયારોથી સજ્જ છે. ઈરાને નૌસેનાના જહાજોને એલર્ટ પર રાખ્યા છે. કારણકે ઈરાનને ચિંતા છે કે, ઈઝરાયલની એરફોર્સ ઈરાનના વેપારી જહાજો પર હુમલા કરશે. ઉપરાંત સીરિયામાં પણ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના બેઝ પણ ઈરાને ઈઝરાયલના હુમલાના ડરથી ખાલી કરાવવા માંડ્યા છે.

અમેરિકન અખબારે પોતાના અહેવાલમાં કહ્યુ છે કે, ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહે પણ પોતાના ટોચના કમાન્ડરોને સીરિયામાંથી પાછા બોલાવવા માંડ્યા છે. ઈરાને અગમચેતી દાખવવા માંડી છે તેનું એક કારણ બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ કેમરુનનું નિવેદન પણ છે. કેમરુને કહ્યું હતું કે, ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયલ લશ્કરી કાર્યવાહી કરવાનો નિર્ણય લઈ રહ્યું છે.

જોકે ઈરાન પણ પીછેહઠના મૂડમાં નથી. ઈરાને કહ્યુ છે કે, 'ઈઝરાયલે કાંકરીચાળો પણ કર્યો તો તેનો અભતૂપૂર્વ જવાબ અમે આપવા માટે કટિબધ્ધ છે. 'ઈઝરાયલ સાથેના લશ્કરી ટકરાવ વચ્ચે ઈરાનમાં સંરક્ષણદળોની વાર્ષિક પરેડનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ આ પરેડને સંબોધન કરીને ઈઝરાયલને કોઈ પણ જાતનુ દુઃસાહસ નહીં કરવા માટે ચેતવણી આપી હતી.

જોકે ઈઝરાયલની કાર્યવાહીના ડરથી સૈન્ય પરેડનુ ટીવી પર જીવંત પ્રસારણ નહોતુ કરાયું.


Google NewsGoogle News