Get The App

ઈરાનને ધમકી, ખુલ્લેઆમ ઈઝરાયલનો ટેકો.... અમેરિકા આ પાંચ કારણોસર યહૂદી દેશનો લે છે પક્ષ

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
ઈરાનને ધમકી, ખુલ્લેઆમ ઈઝરાયલનો ટેકો.... અમેરિકા આ પાંચ કારણોસર યહૂદી દેશનો લે છે પક્ષ 1 - image


Iran-Israel Conflict : મંગળવાર, 1 ઓક્ટોબરની સાંજે ઈરાને ઈઝરાયલ પર લગભગ 200 બેલેસ્ટિક મિસાઈલો વડે હુમલો કરી દીધો હતો, જેને લીધે દુનિયાભરના દેશો સ્તબ્ધ થઈ ગયા છે. તે એટલે સુધી કે આ હુમલાએ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી દીધી હોવાની ચર્ચા પણ ચાલવા લાગી છે. ઈઝરાયલ-ઈરાન વચ્ચેના જંગમાં ત્રીજો કોઈ દેશ મમરો મૂકે એ પહેલાં જગતકાજી અમેરિકાએ એમાં ઝુકાવી દીધું છે. ઈરાનની કડક ભાષામાં ટીકા કરીને અમેરિકાએ ખુલ્લેઆમ ઈઝરાયલને ટેકો આપ્યો છે.

શું કહ્યું અમેરિકાએ?

ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકા કૂદી પડ્યું છે. જૂના મિત્ર ઈઝરાયલનો પક્ષ લેતાં અમેરિકાએ ઈરાનની કડક ટીકા કરી છે. યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને પત્રકારોને કહ્યું હતું કે, ‘ઈરાન દ્વારા લેવાયેલ આ પગલું નોંધપાત્ર છે. આ હુમલાના પરિણામો ગંભીર આવશે. અમે આ મુદ્દે ઈઝરાયલ સાથે મળીને કામ કરીશું.’

રાષ્ટ્રપતિ જો બાઈડને ઈઝરાયલનું નક્કર સમર્થન વ્યક્ત કર્યું હતું અને ઈરાનના હુમલાને બિનઅસરકારક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ આ મુદ્દે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે આગળ શું કરવું એ બાબતે વાત કરવાની યોજના બનાવી છે.

ઈરાનને ધમકી, ખુલ્લેઆમ ઈઝરાયલનો ટેકો.... અમેરિકા આ પાંચ કારણોસર યહૂદી દેશનો લે છે પક્ષ 2 - image

ઈઝરાયલને છૂટો દોર આપતું અમેરિકા

ઈરાન સાથેના સંઘર્ષમાં અત્યાર સુધી ઈઝરાયલને સંયમ રાખવાની સલાહ આપતા રહેલા અમેરિકાએ હવે એમ કરવાનું બંધ કરીને ઈઝરાયલને છૂટો દોર આપવાનું નક્કી કર્યું છે, ત્યાર એ પ્રશ્ન થાય છે કે, શા માટે અમેરિકા સમગ્ર મધ્યપૂર્વના 

દેશો વિરુદ્ધ જઈને પણ ઈઝરાયલને ટેકો આપે છે. એવા તો કયા કારણસર અમેરિકાને ઈઝરાયલ આટલું વહાલું લાગે છે? ચાલો, આ બાબતને સહેજ ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ એના કારણો. 

1) અમેરિકા જૂનું વચન પાળી રહ્યું છે કે પછી નાક બચાવી રહ્યું છે?   

પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન 2 નવેમ્બર 1917ના રોજ બ્રિટન દ્વારા ઈઝરાયેલને અલગ દેશ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તે સમયે પેલેસ્ટાઈન બ્રિટિશ કબજા હેઠળ હોવાથી બ્રિટને પેલેસ્ટાઈનમાં અલગ યહૂદી વતન જાહેર કર્યું હતું. 1919માં તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપતિ વૂડ્રો વિલ્સને પણ યહૂદીઓની અલગ દેશની માગને સમર્થન આપ્યું હતું. વર્ષ 1948માં ઈઝરાયેલ અસ્તિત્વમાં આવ્યું, ત્યારે અમેરિકા તેને માન્યતા આપનારો પ્રથમ દેશ હતો. આમ, ઈઝરાયલનો જન્મ થવામાં શરૂઆતથી જ અમેરિકાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. હવે, પોતાના ‘બગલબચ્ચા’ સમાન ઈઝરાયલના સાર્વભૌમત્વની રક્ષા કરવી અમેરિકા માટે ફરજ પણ બની જાય છે અને એમ કરવામાં સફળ ન થાય તો દુનિયા સામે અમેરિકાનું નાક પણ વઢાય એમ છે. માટે અમેરિકા ઈઝરાયલનો પક્ષ લેતું રહે છે.

ઈરાનને ધમકી, ખુલ્લેઆમ ઈઝરાયલનો ટેકો.... અમેરિકા આ પાંચ કારણોસર યહૂદી દેશનો લે છે પક્ષ 3 - image

2) મધ્ય-પૂર્વમાં પ્રભાવ સ્થાપિત કરવા માટે 

મધ્ય-પૂર્વી દેશોમાં હાજર ખનિજતેલના મબલખ ભંડાર પર અમેરિકાનો ડોળો હંમેશાં મંડાયેલો રહે છે. આ ક્ષેત્રમાં અમેરિકા વિરુદ્ધ શરૂ થતા કોઈપણ કાવતરાને કચડી નાખવા માટે અને સમગ્ર આરબ વિશ્વ પર બાજનજર રાખવા માટે અમેરિકાને મધ્ય-પૂર્વમાં કોઈ સાથીની જરૂર પડે છે. ઉદારવાદી અમેરિકાને રૂઢિચુસ્ત મુસ્લિમ રાષ્ટ્રો સાથે બધા મુદ્દે બને એમ નથી. તેથી મધ્ય-પૂર્વમાં તેનો એકમાત્ર સાચો સાથી યહૂદી દેશ એવો ઈઝરાયલ જ બચે છે. આ બધાં કારણોસર અમેરિકાને ઈઝરાયલની ગરજ છે, તેથી અમેરિકા ઈઝરાયલને સૈન્ય સહાયથી લઈને હરએક પ્રકારની મદદ કરતું રહે છે.

ઈરાનને ધમકી, ખુલ્લેઆમ ઈઝરાયલનો ટેકો.... અમેરિકા આ પાંચ કારણોસર યહૂદી દેશનો લે છે પક્ષ 4 - image

3) ઈરાન સાથેની દુશ્મની

1979માં થયેલી ઈસ્લામિક ક્રાંતિ બાદથી ઈરાન મધ્ય-પૂર્વમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરતું રહ્યું છે. આરબ રાષ્ટ્રોમાં સર્વોપરિ બનવાની ઈરાનની કોશિશ અમેરિકાને પોતાના હિત વિરોધી જણાય છે. બંને દેશો વચ્ચે વર્ષો જૂની દુશ્મની છે. આરબ દેશો ઈઝરાયલનો વિરોધ બંધ કરીને એના અસ્તિત્વનો સ્વીકાર કરે, એને માન્યતા આપે, એને વ્યૂહાત્મક અને રાજદ્વારી ભાગીદાર બનાવે એ માટે પણ અમેરિકા પ્રયત્ન કરતું રહે છે, જે ઈરાનથી સહન થતું નથી. ઈરાન મધ્ય-પૂર્વનું લીડર બની જાય તો ભવિષ્યમાં અમેરિકા માટે જોખમ સર્જાય એમ હોવાથી પણ અમેરિકા ઈરાન સામે ઈઝરાયલને ‘પ્રોજેક્ટ’ કરતું રહે છે.

ઈરાનને ધમકી, ખુલ્લેઆમ ઈઝરાયલનો ટેકો.... અમેરિકા આ પાંચ કારણોસર યહૂદી દેશનો લે છે પક્ષ 5 - image

4) અમેરિકાની ચૂંટણીમાં યહૂદી મતદારોની ભૂમિકા

અમેરિકાની કુલ વસ્તીમાં યહૂદીઓની વસ્તી લગભગ 2.4 ટકા (75 લાખ જેટલી) છે. મોટાભાગની યહૂદી વસ્તી સ્વિંગ સ્ટેટ્સમાં રહે છે. (સ્વિંગ સ્ટેટ્સ એટલે એવા રાજ્ય જે ન તો પૂરેપૂરા રિપબ્લિકનને ટેકો આપે છે કે ન તો ડેમોક્રેટિકને). આથી અમેરિકામાં યહૂદી મતદારોનું વલણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ઈઝરાયેલને સમર્થન આપીને અમેરિકામાં વસતા યહૂદીઓના મત હાંસિલ કરવાની ગણતરી રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પાર્ટીની હોય છે. 

ઈરાનને ધમકી, ખુલ્લેઆમ ઈઝરાયલનો ટેકો.... અમેરિકા આ પાંચ કારણોસર યહૂદી દેશનો લે છે પક્ષ 6 - image

5) ચૂંટણી ભંડોળમાં યહૂદીઓનો ‘સિંહફાળો’

અમેરિકાના યહૂદીઓ ખૂબ ધનવાન છે. અમેરિકાની ઈઝરાયલ તરફી લોબી ખૂબ જ પ્રભાવશાળી ગણાય છે. માલેતુજાર યહૂદી સંગઠનો ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષોને ચૂંટણી જીતવા માટે ભરપૂર નાણાંકીય સહાય પૂરી પાડે છે. વર્ષ 2020માં ઈઝરાયેલ તરફી સંગઠનોએ બંને પક્ષ માટે 30 બિલિયન અમેરિકન ડોલર્સ જેવો તોતિંગ ફાળો આપ્યો હતો. આ વર્ષની ચૂંટણીમાં આ આંકડો વધવાની ગણતરી છે. આ ફાળાની ગરજ હોવાથી પણ અમેરિકાએ ઈઝરાયલ અને યહૂદીઓને ખુશ રાખવા પડે છે, એમને ટેકો પૂરો પાડવો પડે છે. 

ઈરાનને ધમકી, ખુલ્લેઆમ ઈઝરાયલનો ટેકો.... અમેરિકા આ પાંચ કારણોસર યહૂદી દેશનો લે છે પક્ષ 7 - image

કયો દેશ કોના પક્ષે?

ઈઝરાયલ-ઈરાન સંઘર્ષને પગલે વિશ્વયુદ્ધની આશંકા વ્યક્ત થઈ રહી છે ત્યારે કયા દેશો કોના પક્ષે રહેશે એ જોવું પણ રસપ્રદ છે. ઈઝરાયલને પક્ષે અમેરિકા હોય એટલે અમેરિકાના મળતિયા દેશો તો એ તરફ જ ઢળવાના. આ દેશોમાં કેનેડા, યુકે, જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને યુરોપના ઉદારવાદી અને મૂડીવાદી દેશોનો સમાવેશ થાય છે. સામેની છાવણીમાં ઈરાન સાથે હશે મધ્યપૂર્વના મોટાભાગના આરબ દેશ, રશિયા અને ચીન. ભારત કઈ તરફ ઢળશે, એ પ્રશ્ન ખરો. રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે તટસ્થ રહેલું ભારત ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં પણ તટસ્થતા જાળવી રાખશે કે કેમ, એ તો સમય આવ્યે જ ખબર પડશે.


Google NewsGoogle News