Get The App

ઈઝરાયલ-ઈરાન વચ્ચે તણાવના કારણે ભારતની પણ વધી ચિંતા, વિદેશમંત્રીએ આપ્યું મોટું નિવેદન

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
Iran Israel Conflict



Iran Israel conflict: ઇરાનના ઇઝરાયલ પર મિસાઇલ હુમલા બાદ મધ્ય-પૂર્વમાં તણાવ વધી ગયો છે. આ તણાવના કારણે ભારતની પણ ચિંતા વધી છે. હકિકતમાં, વર્તમાન સ્થિતિના કારણે મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતીય કંપનીઓને વેપાર કરવામાં મુશ્કેલીઓ પડી શકે છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે વોશિંગટનમાં એક બેઠક દરમિયાન આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને વાટાઘાટો દ્વારા બંને દેશો વચ્ચે વિવાદનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થતા કરવા તૈયારી દર્શાવી હતી.

ભારત પર પડી શકે ભયંકર અસર

નિષ્ણાતો મુજબ, ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના સંઘર્ષની સીધી અસર ભારતીય નિકાસકારો પર પડી શકે છે. રાતા સમુદ્રમાં સપ્લાઇ ચેન પર ભયંકર અસર થવાનું જોખમ છે. રાતા સમુદ્રમાં પાછલા વર્ષથી ઇરાન સમર્થિત હુતી વિદ્રોહીઓ દ્વારા હુમલાઓ કરાતા અગાઉથી ચિંતાજનક સ્થિતિ સર્જાયેલી જ છે, પરંતુ હવે ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવથી જોખમ વધ્યું છે. હાલ ભારતમાં પણ સાવચેતી રૂપે દિલ્હી સ્થિત ઇઝરાયલી દૂતાવાસ પાસે સુરક્ષા વધારવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં કયો દેશ કોની તરફેણમાં? આ મુસ્લિમ દેશો યહૂદી દેશના સમર્થનમાં!

ભારતે મધ્યસ્થતાનો પ્રસ્તાવ મુક્યો

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે વોશિંગટનમાં એક બેઠક દરમિયાન ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધતા તણાવ અંગે કહ્યું હતું કે, 'વાટાઘાટોથી બંને દેશો વચ્ચે વિવાદનો ઉકેલ લાવવા માટે ભારત મધ્યસ્થતા કરવા તૈયાર છે. સંકટના સમયે માહિતીની આપ-લે કરવાના મહત્ત્વને ઓછું સમજવું જોઇએ નહીં. અમે મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકીએ છીએ.'

પૂર્ણ યુદ્ધનું જોખમ

વિદેશ મંત્રીએ કહ્યું કે, 'ભારત મધ્ય-પૂર્વમાં વધતા સંઘર્ષને લઇને ખૂબ ચિંતિત છે, કારણ કે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધતો તણાવ પૂર્ણ યુદ્ધનું રૂપ લઇ શકે છે. અમે ઇચ્છીએ છીએ કે વાતચીત અને રાજદ્વારી સંવાદ દ્વારા તમામ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે. કોઇ પણ દેશને સૈન્ય પ્રતિક્રિયા સમયે આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાઓનું પાલન કરવું જોઇએ અને નાગરિકોને નુકસાન પહોંચાડવાથી બચવું જોઇએ.'

ભારત સરકારે એડવાઇઝરી જાહેર કરી

વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરેલી એડવાઇઝરીમાં જણાવાયું છે કે, 'અમે ક્ષેત્રમાં સુરક્ષા સ્થિતિની વર્તમાન વૃદ્ધિ પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છે. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, તે ઇરાનની તમામ બિન-જરૂરિયાતી યાત્રા કરવાનું ટાળે. હાલ ઇરાનમાં રહી રહેલા નાગરિકોને અનુરોધ છે કે તે સાવચેત રહે અને તહેરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહે.'

આ પણ વાંચોઃ ઈરાનના હુમલા બાદ લેબનોનમાં હિઝબુલ્લાહનો સફાયો કરવા ઈઝરાયલે અપનાવ્યો 'પુતિન'નો પ્લાન!

પેટ્રોલિયમ નિકાસમાં ઘટાડો

1- ઓગસ્ટ 2024માં પેટ્રોલિયમ નિકાસ વાર્ષિક આધાર પર પાછલા વર્ષના 9.54 અબજ ડોલર (લગભગ રૂ. 80 હજાર કરોડ)ની સરખામણીએ 37.56 ટકા ઘટીને 5.96 અબજ ડોલર (લગભગ રૂ. 50 હજાર કરોડ) નોંધાઇ છે.

2- સુએઝ નહેરના માર્ગે યુરોપ, ઉત્તર અમેરિકા, ઉત્તર આફ્રિકા અને મધ્ય-પૂર્વના અન્ય દેશો સાથે નિકાસ કરવા માટે ભારતીય કંપનીઓ રાતા સમુદ્રના માર્ગનો ઉપયોગ કરે છે.

3- નાણાકીય વર્ષ 2023માં આ માર્ગનો ઉપયોગ કરી ભારતે પોતાની 50 ટકા નિકાસ કરી હતી, જેની કિંમત અંદાજે 18 લાખ કરોડ રૂપિયા હતી.

4- પાછલા નાણાકીય વર્ષમાં આ માર્ગનો ઉપયોગ કરીને ભારતે પોતાની કુલ આયાતની 30 ટકા આયાત કરી હતી, જેની કિંમત અંદાજે 17 લાખ કરોડ રૂપિયા હતી.


Google NewsGoogle News