અમેરિકાની ચૂંટણી પહેલા ઇઝરાયેલ પર પ્રચંડ હુમલો કરવાની ઇરાન તૈયારી કરી રહ્યું છે
- ઇરાને બેહદ ખતરનાક યોજના ઘડી છે
- અમે એવો હુમલો કરીશું કે ઇઝરાયેલને પેઢીઓ સુધી યાદ રહેશે. ઇઝરાયેલ કેબિનેટ મીટીંગ ભૂગર્ભ-બંકરમાં કરે છે.
તહેરાન : હમાસ અને હિઝબુલ્લાહ સાથે સીધા યુદ્ધમાં ઉતરેલાં ઇઝરાયેલે હવે ઇરાન સાથે પણ દુશ્મની વ્હોરી લીધી છે. બંને દેશો એક બીજા પર ઘા કરવાનો લાગ જ જોઇ રહ્યા છે.
આજે ગુરૂવારે ઇરાને જાહેર કરી દીધું છે કે, અમે એવો હુમલો કરીશું કે યહુદીઓ પેઢીઓ સુધી યાદ રાખશે.
આ માહિતી આપતા સીએનએનના આધારભૂત સુત્રોનો હવાલો આપતા જણાવે છે કે, આ હુમલો અમેરિકાના પ્રમુખની ચૂંટણી પહેલાં જ થવા સંભવ છે. ૧ ઓક્ટોબરે ઇરાનના હુમલાના જવાબમાં ઇઝરાયેલે ઇરાનનાં સેનાકીય મથકો ઉપર હુમલા કર્યા હતા તેનો જવાબ આપવા ઇરાન પૂરેપુરી તૈયારી કરી રહ્યું છે. તે કહે છે કે હવે એવો હુમલો થશે કે ઇઝરાયેલ પેઢીઓ સુધી યાદ કરશે અને તે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પહેલાં જ કરાશે તે સંભવિત છે. તે હુમલો ખતરનાક અને ખેદાન મેદાન કરે તેવો હશે.
ધી ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના રીપોર્ટ પ્રમાએ ઇઝરાયેલ જાણે જ છે કે ઇરાન ભયાનક હુમલો કરશે તેથી ગત સપ્તાહે નેતન્યાહૂએ તેની કેબિનેટ મીટીંગ ભૂગર્ભ સ્થિત બંકરમાં બોલાવી હતી જેમાં માત્ર મંત્રીઓ સિવાય કોઇને પ્રવેશ ન હતો.
કેટલાક દિવસ પૂર્વે નેતન્યાહૂના ઘર ઉપર ડ્રોન હુમલો થયા પછી સલામતી વ્યવસ્થા ઘણી મજબૂત કરાઈ છે. સાથે ઇઝરાયેલે ઇરાનને ચેતવણી આપી છે કે તેવી ઉપરના હુમલાનો તેવો જ વળતો જવાબ અપાશે.
આ પરિસ્થિતિમાં ઇઝરાયેલ હીઝબુલ્લાહ કે ઇઝરાયેલ ઇરાન સાથે શાંતિ મંત્રણા માટે કોઇ સંભાવના રહી નથી. તેમજ હમાસે કરેલા બંધકોના છુટકારાની પણ સંભાવના દેખાતી નથી.