ઈરાનની ચેતવણીની અવગણના હિઝબુલ્લાહને ભારે પડી, નસરલ્લાહને મારી નાખવાના કાવતરાંની જાણ કરી હતી
- નસરલ્લાહને તેના સલામતી રક્ષકો ઉપર પૂરો વિશ્વાસ હતો : ઈરાને હિઝબુલ્લાહ માં પણ યહૂદી જાસૂસો ઘૂસ્યા હોવાની ચેતવણી આપી હતી
તહેરાન / નવી દિલ્હી : હિઝબુલ્લાહ ચીફ નસરલ્લાહની ઈઝરાયલ હવાઈ હુમલામાં હત્યા થઈ તેના થોડા દિવસો પહેલા જ ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક વડા આયાતોલ્લાહ અલિ ખામેનીએ તેને લેબેનોન છોડી ઈરાન આવી જવા કહ્યું હતું. કારણ કે ઈરાનને તેની સ્પષ્ટ જાસૂસી માહિતી મળી હતી કે ઈઝરાયલે તેની હત્યા કરવાની પાકી સાજીશ રચી હતી.
એવું પણ જાણવા મળ્યું હતું કે, ઈરાન-સરકારમાં પણ ઈઝરાયલી જાસૂસો એક યા બીજી રીતે ઘૂસી ગયા છે. ઈઝરાયલ દ્વારા પેજર્સ દ્વારા કરાયેલી શ્રેણીબદ્ધ હત્યાઓ પછી સપ્ટેમ્બરની ૧૭ તારીખે જ ખામેનીએ એક ખાસ દૂત દ્વારા નસરલ્લાહને લેબેનોન છોડી ઈરાન આવી જવા જણાવ્યું હતું. તેઓને ઈરાની જાસૂસોએ જ માહિતી આપી હતી કે હિઝબુલ્લાહ જૂથમાં જ ઈઝરાયલી જાસૂસો ઘૂસી ગયા છે. અને (હિઝબુલ્લાહ વડા (નસરલ્લાહ) વિષે રજેરજની માહિતી તેલ અવીવને પહોંચાડતા રહે છે. ઈરાનના એક વરિષ્ટ અધિકારીએ જ માત્ર પસંદગીકૃત પત્રકારોને આ જણાવ્યું હતું.
આમ છતાં હિઝબુલ્લાહ ના ચીફ નસરલ્લાહને તેમના અંગ રક્ષકો ઉપર પૂરો વિશ્વાસ હતો. તેથી તે ચેતવણી ઉપર ધ્યાન આપ્યું નહીં. પરિણામે ઈઝરાયલના બંકર-બસ્ટર બોંબને લીધે બંકરમાં જ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડઝ કમાન્ડર બ્રિગેડીયર જનરલ અબ્બાસ નીલફોરૌશન સાથે તેમનું નિધન થયું હતું.
ઈરાનને હવે ભીતિ છે કે તેની સરકારમાં અને સેનામાં પણ ઈઝરાયલી જાસૂસો ઘૂસી ગયા હશે. વિશેષત: હમાસ નેતા હનીએહની તહેરાનમાં જ હત્યા થઈ તે પછી ઈરાન બહુ ચેતી ગયું છે.
ઉલ્લેખનીય છે કે હનીયેહની હત્યાની જવાબદારી ઈઝરાયલે નથી લીધી પરંતુ નસરલ્લાહની હત્યાની જવાબદારી તેણે લીધી છે. હનીએહની હત્યા પછી ખામેની ગુપ્તવાસમાં ચાલ્યા ગયા છે. ત્યાંથી હુકમો આપે છે.