હુમલો કર્યો તો પસ્તાવાનો વારો આવશે: ઈરાને ફરી ઈઝરાયલને આપી ધમકી, વિશ્વભરમાં વધી ચિંતા
Iran-Israel Conflict : ઈરાને ઈઝરાયલ પર રોકેટ દ્વારા કરેલા હવાઈ હુમલાને પાંચ દિવસ વીતી ગયા છે. હવે આ હુમલાનો જવાબ આપવા માટે ઈઝરાયલની સેના ઈરાન પર મોટા હુમલાની તૈયારી કરી રહી છે. IDF સંપૂર્ણ તાકાત સાથે ઈરાન પર હુમલાની યોજના બનાવી રહ્યું છે, જેથી કરીને ઈરાનને મહત્તમ નુકસાન થઈ શકે. બીજી તરફ ઈરાન પણ સંભવિત વળતા હુમલાની આકરી પ્રતિક્રિયાની યોજના બનાવી રહ્યું છે. ઈરાની સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ઈઝરાયલ કોઈ પણ કડક પગલું ભરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
ઈઝરાયલને ઘણો પસ્તાવો થશે
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સીરિયાની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ફરી એક વખત પુનરોચ્ચાર કર્યો કે જો ઈઝરાયલ ઈરાન પર હુમલો કરવામાં આવશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ વખતે અમે એવો વળતો પ્રહાર કરીશું કે ઈઝરાયલને ઘણો પસ્તાવો થશે. ભૂતકાળમાં પણ આવું કરવામાં આવ્યું છે. ઈઝરાયલે આ વાત ભૂલવી ન જોઈએ.
ઈરાનના વિદેશ મંત્રીની સીરિયા મુલાકાત
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે લેબનોન અને ગાઝામાં યુદ્ધવિરામન અને ઈઝરાયલ અનેઈરાન અને સીરિયા-ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા થઈ હતી.
અમે યુદ્ધવિરામ માટે પ્રયાસો કરી રહ્યા છીએ
વાતચીત બાદ ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે લેબનોન અને ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ માટે વાતચીત શરૂ થઈ ગઈ છે. અમે આ સંઘર્ષમાં સામેલ દેશો સાથે સમજૂતી પર પહોંચવાનો પ્રયત્નો કરી રહ્યા છે. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે આ વાતચીતમાં કયા દેશો સામેલ છે. અરાઘચીએ વધુમાં કહ્યું કે, 'અમે ગાઝા અને લેબનોનમાં યુદ્ધવિરામ માટે પ્રયાસો કરી રહ્યા છીએ. યુદ્ધવિરામની શરતો પેલેસ્ટિનિયન અને લેબનીઝ પક્ષો દ્વારા સ્વીકારવા જરૂરી આવશ્યક છે. જ્યારે આવું થશે ત્યારે ઈરાન અને સીરિયા આ પગલાનું સમર્થન કરશે. અમને સકારાત્મક પરિણામની આશા છે.'
ઇઝરાયલે ગાઝા અને લેબનોન પર કર્યા હુમલાઓ
બીજી તરફ લેબનોન પર બંને તરફથી હુમલાઓ થઇ રહ્યા છે. એક તરફ ઇઝરાયલે અનેક નવા વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજધાની બેરૂતમાં મોટા પ્રમાણમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. ઈઝરાયલે ગાઝા પર બે મોટા હુમલા પણ કર્યા છે. પહેલો મોટો હુમલો ગાઝાની એક મસ્જિદ પર થયો હતો, જેમાં 18 લોકો માર્યા ગયા હતા. ઈઝરાયલે કહ્યું કે હમાસના આતંકવાદીઓ ત્યાં છુપાયેલા છે.
તાજેતરમાં ઈઝરાયલના ફાઈટર પ્લેન્સે પેલેસ્ટાઈનના એક શહેર પર બોમ્બમારો કર્યો હતો. આ ઓપરેશનમાં હમાસના 12 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય ઈઝરાયલે હિઝબુલ્લાહ સાથે જોડાયેલી એક સુરંગ પણ નાશ કરી છે. આ ટનલનો ઉપયોગ હિઝબુલ્લાહના સૌથી ખતરનાક રાદવાન ફોર્સના લડવૈયાઓ કરવા જઈ રહ્યા હતા. આ સુરંગ એટલી લાંબી હતી કે તેમાં મોટી સંખ્યામાં હથિયારોનો સંગ્રહ કરી શકાય તેમ હતો. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વણસી રહેલા સંઘર્ષને લઈને દુનિયાભરમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.