ઈરાન 23 વર્ષના યુવાનને માનસિક અસ્વસ્થ હોવા છતા ફાંસી આપશે, તેના પર આવો છે આરોપ

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
ઈરાન 23 વર્ષના યુવાનને માનસિક અસ્વસ્થ હોવા છતા ફાંસી આપશે, તેના પર આવો છે આરોપ 1 - image

image : Twitter

તહેરાન,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર

ઈરાનની કટ્ટરવાદી સરકારના શાસનમાં ફાંસની સજા બહુ સામાન્ય વાત બની ગઈ છે. ઈરાન આખી દુનિયામાં લોકોને ફાંસીએ ચઢાવવામાં મોખરે છે.

લેટેસ્ટ કિસ્સામાં ઈરાનની સરકારે 23 વર્ષના માનસિક અસ્વસ્થ યુવકને ફાંસીએ ચઢાવવાનુ નક્કી કર્યુ છે. તેનો વાંક એટલો હતો કે, તે ખુદા સામે જંગ લડવાના અને કરપ્શન ઓન અર્થના આરોપસર દોષી પૂરવાર થયો હતો. આ યુવાનનુ નામ મહોમ્મદ ઘોબાલડૂ હોવાનુ જાણવા મળ્યુ છે અને તેની માનસિક સ્થિતિ પણ સારી નથી.

ઘોબાડલૂ પર ઈરાની અધિકારીની હત્યાનો પણ આરોપ હતો. ઈરાનના કહેવા પ્રમાણે તહેરાન પ્રાંતમાં સપ્ટેમ્બર 222માં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઘોબાડલૂએ એક સ્થાનિક અધિકારીને વાહન હેઠળ કચડી નાંખ્યો હતો અને આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. બે વર્ષ પહેલા ઈરાનની કોર્ટે તેને અધિકારીના મોતની સાથે સાથે ખુદા સામે જંગ લડવાનુ એલાન કરવા બદલ અને કરપ્શન ઓન અર્થના આરોપ બદલ દોષી જાહેર કર્યો હતો અને ફાંસીની સજા આપી હતી.

અલગ અલગ આરોપ માટે તેને બે વખત ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. ઈરાનની સુપ્રીમ કોર્ટે પણ સજા યથાવત રાખી હતી 

ઈરાનમાં અત્યંત ધૃણાસ્પદ ગુનો આચરનારા વ્યક્તિને કરપ્શન ઓન અર્થના આરોપ હેઠળ સજા અપાતી હોય છે. જેમાં ઈસ્લામિક કાનૂનનો વિરોધ, દેશ સામે આક્રમક વલણ, સામાજિક અને આર્થિક રીતે ભ્રષ્ટાચાર તેમજ હત્યા જેવા ગુના સામેલ છે.

દરમિયાન માનવાધિકાર સંગઠન એમેનેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા ઘોબાડલૂને 23 જાન્યુઆરીએ ફાંસી અપાશે તેવી જાણકારી આપતા કહ્યુ છે કે, આરોપી 15  વર્ષની ઉંમરથી માનસિક રીતે અસ્વસ્થ છે. તેને માનસિક રોગની હોસ્પિટલમાં પણ સારવાર આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે આવા વ્યક્તિને મોતની સજા આપી શકાય નહીં પણ ઈરાનમાં આવી કોઈ છૂટછાટ અપાતી નથી.

ખાસ કરીને મહસા અમિનીના મોત બાદ થયેલા હિજાબ વિરોધી દેખાવો પછી ઈરાનમાં ફાંસીની સજા વધી ગઈ છે. આ વિરોધ પ્રદર્શનમાં સામેલ 229 લોકોને અત્યાર સુધી ફાંસીના માચડે લટકાવી દેવાયા છે. ગત વર્ષે ઈરાને કુલ 700 લોકોને ફાંસી આપી હતી.


Google NewsGoogle News