ગાજા,લેબનોન મુદ્વે ઇરાન કૂણું પડયું, ઇઝરાયેલને રોકવા યુએનમાં કરી કાકલૂદી
સૈન્ય કાર્યવાહી કરવાથી સમગ્ર વિસ્તારમાં તણાવ વધી શકે છે.
વિશ્વ સમુદાયને ઇઝરાયેલની આક્રમકતાને રોકવા અપીલ કરી
વોશિંગ્ટન,૨૫ સપ્ટેમ્બર,૨૦૨૪,બુધવાર
ઇઝરાયેલ પર કાર્યવાહી કરવાની ધમકી આપ્યા પછી ઇરાનના વલણમાં અચાનક બદલાવ આવ્યો છે. ઇરાની રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાને સંયુકત રાષ્ટ્રસંઘની મહાસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ઇરાન લેબનાનમાં ઇઝરાયેલ દ્વારા થઇ રહેલા હુમલોના અત્યારેકોઇ પ્રતિ જવાબ આપશે નહી. સૈન્ય કાર્યવાહી કરવાથી સમગ્ર વિસ્તારમાં તણાવ વધી શકે છે. પજશકિયાને વિશ્વ સમુદાયને ઇઝરાયેલની આક્રમકતાને રોકવા અપીલ કરી હતી. જો ઇઝરાયેલને સૈન્ય કાર્યવાહી કરતું અટકાવવામાં આવશે નહી તો સમગ્ર દુનિયામાં યુધ્ધ ફેલાતા વાર લાગશે નહી.
ગાજામાં સ્થાયી યુધ્ધવિરામ કરવાની પણ આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી. ઇઝરાયેલની વાત આવે ત્યારે ઇરાન હંમેશા આક્રમક રહયું છે. સીરિયામાં ઇઝરાયેલે કાર્યવાહી કરી ત્યાર પછી ઇરાને ઇઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી હતી. રિવોલ્યૂશનરી ગાર્ડને યુધ્ધની તૈયારીના આદેશ પણ આપવામાં આવ્યા હતા. ઇઝરાયેલ લેબનોનમાં જેના પર તાબડતોબ કાર્યવાહી કરી રહ્યું છે તે હિજબુલ્લાહ ઇરાનનું જ પ્રોકસી સંગઠન ગણાય છે. આવા સંજોગોમાં ઇરાન શું માને છે તે જાણવા દુનિયા આખી આતૂર હતી ત્યારે ઇરાને કુણું વલણ પ્રગટ કર્યુ છે. ૭૦ વર્ષના ઇરાની નેતાએ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાના વિચારો પ્રગટ કર્યા છે તે રાહત આપનારા છે.