મોસાદ વતી જાસૂસી કરવાના આરોપસર ચાર નાગરિકોને ઈરાને ફાંસીના માંચડે લટકાવી દીધા
image : twitter
તહેરાન,તા.30 જાન્યુઆરી 2024,મંગળવાર
ઈરાનમાં સોમવારે વહેલી સવારે ચાર લોકોને ઈઝરાયેલ માટે જાસૂસી કરવાના આરોપસર ફાંસી આપી દેવામાં આવી છે.
ઈરાનની પોલીસ દ્વારા મોહમ્મદ ફરમરજી, મોહસિન મજલૂમ, વા અઝરબાર તેમજ પેજમેન ફતેહીની જુલાઈ 2022માં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર ઈરાનની ડિફેન્સ સાઈટનો ખાતમો બોલાવવાના કાવતરામાં ઈઝરાયેલની મોસાદ સંસ્થા વતી જાસૂસી કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.
સુનાવણી બાદ તેમને દોષી જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને મોતની સજા આપવાનુ એલાન કરાયુ હતુ. સોમવારે તેનો અ્મલ પણ કરી દેવાયો હતો. આ મામલામાં મૃત્યુદંડ કેવી રીતે આપવામાં આવ્યો છે તેની જાણકારી ઈરાનની સરકાર દ્વારા આપવામાં આવી નથી.
ઈરાનની પોલીસના કહેવા પ્રમાણે ચારે લોકો મોસાદ સાથે સંકળાયેલા હતા. તેમણે ઈરાનની અંદર આતંકી હુમલાનુ ષડયંત્ર રચ્યુ હતુ. તેમની પાસેથી હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કરાયા હતા. એ પછી તેમની સામે કેસ ચલાવાયો હતો.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે એમ પણ કટ્ટર દુશ્મનાવટ છે. બંને દેશો છાશવારે એક બીજા પર જાસૂસી કરવાના અને પરોક્ષ યુધ્ધ છેડવાના આરોપ લગાવતા રહે છે.