ઈરાનમાં ભયાનક ક્રૂરતા! એક વર્ષમાં 31 મહિલા સહિત 975ને ફાંસી, દેખાવો કરનારને પણ મૃત્યુદંડ
Iran Death Penalty Record 2024 : વિશ્વભરના અનેક દેશોમાં મૃત્યુ દંડની કાયદેસરતા અને નૈતિકતા પર સવાલો ઉઠી રહ્યા છે. જોકે ઈરાની સરકારની ક્રુરતાનો ભયાનક ડેટા સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ ઈરાનની સરકારે 31 મહિલા સહિત 975 વ્યક્તિઓને મોતની સજા આપી છે. સરકારે ભયાનકતાની એવી હદ વટાવી છે કે, સામાન્ય બાબતમાં પણ લોકોને ફાંસી આપી રહી છે.
ઈરાને 2024માં અનેક લોકોને મોત આપી
ઈરાને વર્ષ 2024માં અનેક લોકોને મોતની સજા ફટકારી હોવાનું માનવ અધિકાર જૂથો ખુલાસો કર્યો છે. દાવા મુજબ ઈરાને મૃત્યુદંડનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા 975 લોકોને મોત આપી છે. નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ (IHR) અને ફ્રાન્સના ટુગેધર અગેઈન્સ્ટ ધ ડેથ પેનલ્ટી (ECPM)એ કહ્યું કે, ‘અમારા દ્વારા વર્ષ 2008માં ડેટા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ વર્ષ 2024નો આ સૌથી ભયાનક ડેટા છે.’
રાજકીય સત્તા માટે પણ મૃત્યુદંડનો ઉપયોગ
રિપોર્ટ મુજબ, ઈરાનમાં 2024માં મૃત્યુદંડનો ઉપયોગ કરવામાં ભયાનક વૃદ્ધિ થઈ છે. ઈરાનમાં રાજકીય ખુન્નસ કાઢવા માટે મૃત્યુદંડનો ઉપયોગ કરવામાં આવે છે. આઈએચઆરના નિદેશક મહમૂદ અમીરી મોગદ્દામે કહ્યું કે, ‘ઈરાનની સરકારે પોતાની સત્તા જાળવી રાખવા માટે પોતાના લોકો વિરુદ્ધ મૃત્યુદંડનો ઉપયોગ કર્યો. ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સંભાવનાઓ દરમિયાન વર્ષના અંતિમ ત્રણ મહિનામાં સરેરાશ દૈનિક પાંચ લોકોને મૃત્યુદંડની સજા અપાઈ છે.’
રિપોર્ટ મુજબ વર્ષ 2023માં મૃત્યુદંડના 834 કેસ નોંધવામાં આવ્યા હતા, જોકે આ વર્ષે તેમાં 17 ટકાનો વધારો થયો છે. વર્ષ 2024માં 31 મહિલાઓ સહિત 975 લોકોને મૃત્યુદંડ અપાયો, જેમાંથી ચાર લોકોને જાહેરમાં ફાંસી અપાઈ હતી.’
વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર બે લોકોને મૃત્યુદંડ
માનવ અધિકાર જૂથે કહ્યું કે, ઈરાને સૌથી વધુ મોતની સજા આપવામાં ચીન જેવા ડિક્ટેટર દેશને પણ પાછળ છોડી દીધું છે. એવું કહેવાય છે કે, હત્યા, દુષ્કર્મ અને નશીલી દવાઓની હેરાફેરી જેવા કેસોમાં મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. જોકે હવે ભ્રષ્ટાચાર અને વિદ્રોહ જેવા મુદ્દે પણ મૃત્યુદંડના મામલા વધ્યા છે. ગત વર્ષે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા બે લોકોને મોતની સજા સંભળાવવામાં આવી હતી. આઈએચઆરના આંકડા મુજબ ઈરાને આ વર્ષે ઓછામાં ઓછા 121 લોકોને ફાંસી આપી દીધી છે.