ઈરાનમાં સંસદ અને રાષ્ટ્રપતિ પદની આજે ચૂંટણી, છ કરોડથી વધુ મતદારો, વિપક્ષનું નામોનિશાન નહીં

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
ઈરાનમાં સંસદ અને રાષ્ટ્રપતિ પદની આજે ચૂંટણી, છ કરોડથી વધુ મતદારો, વિપક્ષનું નામોનિશાન નહીં 1 - image

image : Socialmedia

તહેરાન,તા.01 માર્ચ 2024,શુક્રવાર

દુનિયાના સૌથી શક્તિશાળી મુસ્લિમ દેશો પૈકીના એક ઈરાનમાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ છે.

દેશમાં ચૂંટણી માટેની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. 2020ની સામાન્ય ચૂંટણીઓ બાદ દેશ ઘણા પડકારોનો સામનો કરી રહ્યો છે. ઈરાનમાં દર ચાર વર્ષે ચૂંટણી થાય છે. જેમાં પહેલા તબક્કાના મતાનમાં કોઈ ઉમેદવારને 50 ટકાથી વધારે મત ના મળે તો બીજા તબક્કામાં સૌથી વધારે મત મેળવનારા બે મતદારો માટે ચૂંટણી યોજાતી હોય છે.

મતદાન માટેની વય મર્યાદા 18 વર્ષ છે. ઈરાનમાં 6.12 કરોડ મતદારો નોંધાયા છે. સવારે આઠ વાગ્યાથી મતદાન શરુ થયુ છે અને તે 10 કલાક સુધી ચાલશે. દેશભરમાં 59000 મતદાન કેન્દ્રો બનાવાયા છે. જેમાંથી 5000 કેન્દ્રો તહેરાનમાં છે. 1700 બૂથ પર ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે.

ચૂંટણી માટે અઢી લાખ સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સંસદની 290 બેઠકો માટે 15000 કરતા વધારે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. સંસદમાં પાંચ બેઠકો ધાર્મિક લઘુમતી માટે છે. સંસદની ચૂંટણીની સાથે સાથે ઈરાનના લોકો 88 બેઠકો ધરાવતી એસેમ્બલી ઓફ એક્સપર્ટ માટે પણ મત આપશે. જેની મુદત આઠ વર્ષની હોય છે. આ એસેમ્બલી ઈરાનના આગામી સુપ્રીમ લીડરની નિમણૂંક કરશે.

જોકે દેશના મતદારોની ઉદાસીનતા પણ ચર્ચાનો વિષય છે. 2020માં 42 ટકા જ વોટિંગ થયુ હતુ. લોકોમાં ઈકોનોમી, છાશવારે થતા દેખાવો, પશ્ચિમના દેશો સાથે પરમાણુ કાર્યક્રમને લઈને તનાવ અને યુક્રેન તેમજ રશિયા યુધ્ધમાં રશિયાને સમર્થન આપવાની સરકારની નીતિ જેવા ઘણા મુદ્દાઓ છે જેને લઈને મતદારોમાં અસંતોષ છે. બીજી તરફ દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારી પણ એક મોટી સમસ્યા છે.

જોકે ઈરાનમાં વિપક્ષ તરીકે કાર્યરત રહેલા સુધારવાદી મોરચા સંગઠને આ ચૂંટણીને અર્થહીન ગણાવીને તેમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો હોવાથી ચૂંટણીમાં વિપક્ષની હિસ્સેદારી બહુ ઓછી જોવા મળી રહી છે.


Google NewsGoogle News