ઈરાન ડ્રોન હુમલાને મહત્વ આપતું નથી : કહે છે તે હુમલાને ઈઝરાયેલ સાથે સંબંધ હોવાના પુરાવા નથી
- તહેરાનના રોકેટ અને ડ્રોન હુમલા પછી એક સપ્તાહમાં જ ઈઝરાયેલ ઈસ્ફહાન પર હુમલો કર્યો પરંતુ ન્યુક્લીયર રીએકટર્સને બાકાત રાખ્યાં
તહેરાન : ઈઝરાયલે ઈરાનના ઈસ્ફહાન પર કરેલા ડ્રોન હુમલા પછી ઈરાને તે ઘટનાને રાળી-ટાળી નાખવા પ્રયત્ન કરતાં જણાવ્યું છે કે, 'તે હુમલાને ઈઝરાયલ સાથે સંબંધ હોવાની કોઈ નક્કર સાબિતી નથી.'
શુક્રવારે સવારે ઈરાનનાં મધ્ય ભાગે આવેલા ઈસ્ફહાનનાં યુદ્ધ વિમાન મથક અને તેના પરમાણુ સંયંત્રો પાસે ઈઝરાયલે ડ્રોન વિમાનોથી હુમલો કર્યો હતો.
આ અંગે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરાબ્દોલ્લાહીયને કહ્યું હતું કે, 'તે વિમાનો તો નાના બાળકોનાં રમકડાં જેવા હતા પરંતુ તેને તોડી પાડવામાં આવ્યાં હતાં. આમ છતાં અમે તે ઘટના અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ.'
હજી સુધી ઈરાને તેમ જ કહ્યું હતું કે, આ હુમલા કોઈ ઘૂસણખોરોએ કર્યા હશે.
ટૂંકમાં ઈરાને અત્યારે તો તે ઘટનાને મહત્વ જાહેરમાં આપ્યું નથી તે નિશ્ચિત છે. આશ્ચર્ય તે વાતનું છે કે હકીકતમાં ઈરાન જાણે જ છે કે આ હુમલા ઈઝરાયલે જ કર્યા હતા છતાં તે શા માટે તેને બહારથી મહત્વ આપતું નથી ? તો તે માટે બે કારણ હોઈ શકે, એક તો તેણે ઈઝરાયલ પર કરેલા ૩૦૦ જેટલા ડ્રોન અને મિસાઇલ્સ હુમલા પછી તે વળતા પ્રહાર (ઈઝરાયલ) માટે તૈયાર હોય જ તે કહેવાની જરૂર જ નથી, છતાં ઈઝરાયલનાં ડ્રોન વિમાનો, છેક ઈરાનના મધ્યભાગ સુધી ઘૂસી શક્યાં તેથી ઈરાનની જાસૂસી વ્યવસ્થાની ઉણપ છતી થઈ જાય તેમ હોવાથી તેણે આ ઘટનાને મહત્વ આપ્યું નહીં હોય સાથે તે પણ સંભવિત છે કે ઈરાન જાણે જ છે કે, અમેરિકા અને પશ્ચિમના દેશો ઈઝરાયલ તરફે છે. તેથી ઈઝરાયલ પરના મજબૂતીમાં છે. બીજી તરફ રશિયા યુક્રેનમાં એટલું વ્યસ્ત છે કે, તે મદદ કરી શકે તેમ નથી. ચીન તાઈવાનમાં વ્યસ્ત છે. માટે મદદ કરી શકે તેમ નથી. માટે 'મૌન' રહેવું વધુ સારૃં છે.
આ સામે બીજો મત તેવો પણ છે કે, ઈઝરાયલ જેટલું જ કે તેથી થોડું વધારે ઈરાન ઝનૂની છે તે કદાચ તેની સેનાનું રીગૂ્રમીંગ કરી રહ્યું હશે. તેનાં શસ્ત્રો સુવ્યવસ્થીત કરી રહ્યું હશે. સંભવ તે પણ છે કે તે થોડા સમયમાં જ પ્રચંડ હુમલો કરશે. તો સામે ઈઝરાયલ દ્વારા મધપૂર્વમાં પ્રોક્ષીવોર લડી રહેલા અમેરિકા અને પશ્ચિમનાં રાષ્ટ્રો તૂટી પણ પડે તો શી વિભીષિકા ઉપસ્થિત થઈ શકે તેનો પણ ઈરાને વિચાર કરવો રહ્યો, તેમ પણ નિરીક્ષકોનું કહેવું છે. તેઓ તો સ્પષ્ટ કહે છે કે ઈઝરાયલ હમાસ ઈરાન યુદ્ધ કે ચીન-તાઇવાન સંઘર્ષ વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી દઈ શકે તેમ છે.