ઈરાનમાં ગેસ પાઈપ લાઈનમાં વિસ્ફોટ, આતંકી હુમલો હોવાનો સરકારનો દાવો
image : Twitter
તહેરાન,તા.15 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
ઈરાનના દક્ષિણ ઉત્તર હિસ્સામાંથી પસાર થતી મુખ્ય પાઈપ લાઈનમાં થયેલા બે વિસ્ફોટના પગલે ઈરાનમાં ચકચાર મચી ગઈ છે.
ઈરાનની સરકારે કોઈનુ નામ લીધા વગર આરોપ મુકયો છે કે, ગેસ પાઈપલાઈનમાં ભાંગફોડ કરવામાં આવી છે. જોકે સરકારે આ વિસ્ફોટના કારણે ઈરાનના કેટલાક પ્રાંતોમાં ઉદ્યોગોને મળતો ગેસ પૂરવઠો ખોરવાયો હોવાના આરોપથી ઈન્કાર કર્યો છે.
ઈરાનના કેબિનેટ મિનિસ્ટર જવાદ ઓવજીએ કહ્યુ હતુ કે, પાઈપલાઈનની તોડફોડ કરવાનુ આતંકવાદી કૃત્ય બુધવારે મધરાતે આચરવામાં આવ્યુ હતુ. જેના કારણે પાઈપ લાઈનની નજીકના ગામોમાં ગેસ કાપ મુકવો પડયો હતો. જોકે બાદમાં પાઈપ લાઈનનુ સમારકામ પૂરુ કરાયુ હતુ અને હવે ગેસ પૂરવઠો પૂર્વવત થઈ ગઓ છે.
તેમણે 2011માં થયેલી ભાંગફોડનો પણ ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, તે વખતે પણ આ પ્રકારના આતંકવાદી કૃત્યના કારણે દેશના ચાર હિસ્સામાં ગેસ સપ્લાય ખોરવાયો હતો.
2017માં ઈરાનમાં બળવાખોર જૂથે પશ્ચિમ હિસ્સામાં ગેસની બે પાઈપ લાઈન ઉડાવવાનો દાવો કર્યો હતો. એ પછી ફરી એક વખત ગેસ પાઈપ લાઈનને ટાર્ગેટ બનાવાઈ છે.
જોકે ઈરાને આ માટે હજી સુધી કોઈ સંગઠનને જવાબદાર ઠેરવ્યુ નથી.