VIDEO : ઈરાનના પોર્ટ પર ભયાનક વિસ્ફોટ, ચારના મોત, 550થી વધુને ઈજા, જ્વલશીલ પદાર્થોને કારણે સંકટ વધ્યું
Abbas City Massive Explosion : ઈરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર આજે (26 એપ્રિલ) ભયાનક વિસ્ફોટ અને આગ લાગવાની ઘટના બની છે. આ ધડાકામાં ચાર લોકોના મોત અને 561 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. અધિકારીઓએ વિસ્ફોટ ભયાનક હોવાનું કહ્યું છે. ઈરાની મીડિયા રિપોર્ટ મુજબ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા 561 પર પહોંચી ગઈ છે, જ્યારે ચાર લોકોના મોત થયા છે. ઘાયલોમાંથી અનેક લોકોને હોર્મોજગાન પ્રાંતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનામાં મૃત્યુઆંક વધવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.
કન્ટેનરોમાં થયો વિસ્ફોટ
પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારી મહેરદાદ હસનઝાદેહે કહ્યું કે, ‘રાજઈ પોર્ટ સ્થિત કન્ટેનરોમાં વિસ્ફોટ થયો છે. ઘટનાસ્થળે ચોતરફ અફરાતફરી મચી છે. અહીં એમ્બ્યુલન્સોની ટીમો દોડાવાઈ છે. આ ઉપરાંત રાહત અને બચાવ દળે પણ ઘટના સ્થળે પહોંચી બચાવની તામકાગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. જ્યારે પોલીસની ટીમ સહિત અન્ય ટીમો દ્વારા આસપાસની જગ્યાઓ ખાલી કરાવી રહ્યા છે.
પોર્ટ પર જ્વલનશીલ પદાર્થોનો જથ્થો, ખતરાની સંભાવના
મીડિયા રિપોર્ટ મુજબ, પોર્ટ પર જ્વલશીલ પદાર્થનો જથ્થો હતો, જેમાં આગ લાગવાને કારણે આ ભયાનક વિસ્ફોટ થયો છે. હાલ પોર્ટ પર અન્ય જ્વલશીપ પદાર્થો ભરેલા કન્ટેનર હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગ વિકરાળ હોવાથી બચાવકાર્યમાં મુશ્કેલી પણ સર્જાઈ રહી છે. બીજીતરફ અન્ય કન્ટેનરોમાં પણ ક્રુડ ઓઈલ અને પેટ્રોલિયમ જેવા જ્વલનશીલ પદાર્થો હોવાથી મોટા ખતરાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
50 કિલોમીટર દૂર સુધી સંભળાયો ધડાકો, ઈમારતોને પણ નુકસાન
ઘટના અંગે સ્થાનીક રહેવાસીઓએ કહ્યું કે, વિસ્ફોટ એટલે ભયાનક હતો કે, જમીનમાં ધ્રુજારી અનુભવાઈ હતી. ધડાકાનો અવાજ 50 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. કેટલાક સ્થાનીકોએ કહ્યું કે, વિસ્ફોટના કારણે અનેક ઈમારતોને નુકસાન પણ થયું છે. અર્ધ-સત્તાવાર તસ્નીમ સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, ઘટના સ્થળેથી લોકોના બહાર કાઢવા માટે તેમજ આગ પર કાબુ મેળવવા માટે તમામ પ્રયાસો શરૂ કરી દેવાયા છે. અનેક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. પોર્ટ પર કર્મચારીઓની સંખ્યા વધુ હોવાથી ઈજાગ્રસ્તો અને મૃતકોની સંખ્યા વધવાની સંભાવના છે.
મૃત્યુઆંક વધવાની સંભાવના
બંદર પરની કસ્ટમ ઓફિસે રાજ્ય ટીવી દ્વારા પ્રસારિત કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘હેઝમેટ અને રાસાયણિક સામગ્રીના સંગ્રહ ડેપોમાં આગ લાગવાનો કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે.’ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરવાની સાથે કહ્યું છે કે, ‘જ્યારે ઘટના બની ત્યારે પોર્ટ પર હજારો લોકો કામ કરી રહ્યા હતા, જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે.’
ક્રૂડ ઓઈલ અને પેટ્રોકેમિકલ સહિતના ટેન્કો પર ખતરો
મીડિયા રિપોર્ટ મુજબ, સોશિયલ મીડિયા પર વિસ્ફોટના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં આકાશમાં ભયાનક કાળા ધૂમાળા જોવા મળી રહ્યા છે. રાજઈ પોર્ટ પર મુખ્યરૂપે કન્ટેનરનો ટ્રાફિક સંભાળવાની કામગીરી થાય છે. અહીં ક્રૂડ ઓઈલ અને પેટ્રોકેમિકલ સહિતના ટેન્કો હોવાથી વિસ્ફોટ બાદ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. વિસ્ફોટ બાદ આગ વધુ વિકરાળ બનવાનો ખતરો ઉભો થયો છે. વિસ્ફોટના કારણે પોર્ટ પર સંપૂર્ણ કામગીરી બંધ થઈ ગઈ છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં જતું ગંગાનું પાણી પણ રોકો, ભાજપના દિગ્ગજ નેતાની માંગ