ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા જ શાંતિ સ્થપાશે? સીઝફાયર માટે ડીલ થઈ રહી હોવાનો દાવો
Iran backs Lebanon : ઈરાન હવે લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત ઈચ્છે છે. છેલ્લા કેટલાક મહિનામાં લેબનોન પર ઈઝરાયેલના હુમલાઓથી આ વિસ્તારમાં ઈરાનના સૌથી મજબૂત મિલિશિયા હિઝબોલ્લાહને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, અને હજુ પણ ઈઝરાયેલનું આ અભિયાન ચાલુ છે. લેબનોન મુદ્દે ઈરાનના સુપ્રીમ લીડરના વરિષ્ઠ સલાહકાર અલી લાર્જાની લેબનોનની મુલાકાતે પહોંચ્યા છે.
અલી લારિજાનીએ ખુલાસો કર્યો કે, તેમણે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને લેબનીઝ સંસદના સ્પીકર નબીહ બેરીને મેસેજ મોકલ્યો હતો. જોકે શું મેસેજ મોકલવામાં આવ્યો હતો, તે વાતનો ખુલાસો નથી કરવામાં આવ્યો.
અલી લારિજાનીએ શુક્રવારે કહ્યું કે, ઈરાન, ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામને સુરક્ષિત કરવાના કરારમાં લેબનોન દ્વારા લેવામાં આવેલા કોઈપણ નિર્ણયને સમર્થન કરશે. ઈરાનના આ વલણથી એવો સંકેત મળે છે કે, તેહરાન યુદ્ધનો અંત જોવા માંગે છે, જેણે તેના લેબનીઝ સહયોગી હિઝબુલ્લાને ભારે ઝટકો આપ્યો છે.
અમેરિકાએ લેબનોનમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો
બે વરિષ્ઠ લેબનીઝ રાજકીય સૂત્રોએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, લેબનોનમાં યુએસ એમ્બેસેડરે અગાઉના દિવસે લેબનીઝ સંસદના સ્પીકર નબીહ બેરીને યુદ્ધવિરામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બેરીને હિઝબોલ્લાહ દ્વારા વાટાઘાટો માટે સમર્થન આપવામાં આવ્યું છે. ઈઝરાયેલના પીએમનો ઉલ્લેખ કરતા લારિજાનીએ કહ્યું કે, અમે લેબનીઝ સરકારને તમામ સંજોગોમાં સમર્થન આપીએ છીએ અને જે લોકો શાંતિ નથી ઈચ્છતા તેઓ નેતન્યાહુના લોકો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, હિઝબુલ્લાહ ઈરાનની પરવાનગી વગર કોઈ પ્રસ્તાવ સ્વીકારશે નહીં. હિઝબુલ્લાહ શરૂઆતથી જ કહી રહ્યું છે કે, ગાઝા યુદ્ધવિરામ સુધી તે તેના હુમલા ચાલુ રાખશે. ઈઝરાયેલની આક્રમકતા વધ્યા બાદ હિઝબુલ્લાહનું આ વલણ ઘટતું જોવા મળી રહ્યું છે.