અમેરિકન જહાજ પર હુથીઓએ 2 બેલેસ્ટિક મિસાઈલ ઝીંકી , 3 દિવસમાં આ ત્રીજો હુમલો, યુદ્ધના એંધાણ!
બુધવારે અમેરિકન સેનાએ યમનમાં હુથી બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારો પર મિસાઈલ હુમલા કર્યા હતા
Yemen Houthi Attack news | ઈરાન સમર્થિત હુથી બળવાખોરો હવે અમેરિકી સૈન્ય સાથે બાથ ભીડી રહ્યા છે. હુથીઓએ ગુરુવારે રાત્રે અમેરિકાની માલિકી હેઠળના એક ટેન્કર જહાજ પર બે એન્ટિ-શિપ બેલેસ્ટિક મિસાઇલો ફાયર કરી હતી. જે જહાજની એકદમ નજીક પાણીમાં પપડી હતી. સદભાગ્યે જહાજને કોઈ નુકસાન થયું નહોતું નહીંતર મોટું નુકસાન થયું હોત.
અમેરિકાએ શું કહ્યું?
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ વતી એક પોસ્ટમાં જણાવાયું કે, 'છેલ્લા ત્રણ દિવસમાં કોમર્શિયલ શિપિંગ જહાજ પર હુથી બળવાખોરો દ્વારા આ ત્રીજો હુમલો હતો. તાજેતરનો હુમલો 18 જાન્યુઆરીએ રાત્રે 9 વાગ્યાની આસપાસ થયો હતો. હુથીઓએ M/V કેમ રેન્જર ટેન્કર જહાજ પર 2 એન્ટી-શિપ બેલેસ્ટિક મિસાઇલો ફાયર કરી હતી. આ એક અમેરિકન માલિકીનું જહાજ છે જેનું સંચાલન ગ્રીસ વતી કરવામાં આવે છે. આ મિસાઈલોની અસર જહાજની નજીકના પાણીમાં જોવા મળી હતી. જેના કારણે જહાજને કોઈ નુકસાન થયું નથી. જહાજ હજુ પણ તેના માર્ગ પર આગળ વધી રહ્યું છે.
અગાઉ અમેરિકાએ કર્યા હતા હુમલા!
આ પહેલા બુધવારે અમેરિકન સેનાએ યમનમાં હુથી બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારો પર મિસાઈલ હુમલા કર્યા હતા. અમેરિકન અધિકારીઓએ આ માહિતી આપી હતી. પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હુથી બળવાખોરો પર અમેરિકન સેના દ્વારા કરવામાં આવેલો આ ચોથો હુમલો હતો.