Get The App

200 મિસાઈલો ઝીંકી ઈરાને કહ્યું - બદલો પૂરો, નેતન્યાહૂની વૉર કેબિનેટ બેઠક, સહયોગીઓ શું બોલ્યાં?

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
200 મિસાઈલો ઝીંકી ઈરાને કહ્યું - બદલો પૂરો, નેતન્યાહૂની વૉર કેબિનેટ બેઠક, સહયોગીઓ શું બોલ્યાં? 1 - image

Image : Twitter



Iran-Israel Attack : મધ્ય પૂર્વમાં વધુ એક યુદ્ધના ભણકારાં સંભળાઈ રહ્યા છે. લગભગ અઠવાડિયા સુધી તણાવ બાદ ઈરાને આખરે રવિવારે ઇઝરાયલ પર હુમલો કરી દીધો. ઈરાને સીરિયાની રાજધાની દમાસ્કસમાં તેના દૂતાવાસ પર ઈઝરાયલ દ્વારા કરાયેલા હવાઈ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરી હતી. ઈરાની સેનાએ ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આ હુમલા સાથે ગાઝામાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે મધ્ય પૂર્વમાં વધુ એક નવું સંકટ ઊભું થયું છે.

200થી વધુ ડ્રોન-મિસાઈલ હુમલાથી થરથર્યું ઈઝરાયલ 

ઈરાને 200થી વધુ ડ્રોન અને મિસાઈલ દ્વારા ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. જો કે તેમાંથી મોટાભાગના હવાઈ હુમલા નિષ્ફળ બનાવી દેવાયા હતા. અમેરિકા અને બ્રિટિશ એરફોર્સે ઇઝરાયલને હવામાં ડ્રોન અને મિસાઇલને તોડી પાડવામાં મદદ કરી હતી. ઇઝરાયલના દક્ષિણ ભાગમાં એક સૈન્ય મથકને નજીવું નુકસાન થયું હતું. હજુ સુધી આ હુમલાને કારણે કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. 

યુએનમાં ઈરાનના હુમલાને લઈને બેઠક

હુમલાને જોતા મધ્ય પૂર્વના ઘણા દેશોએ તેમની એરસ્પેસ બંધ કરી દીધી છે. ઈઝરાયલના પશ્ચિમી સહયોગીઓ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે ઈરાની હુમલાની ટીકા કરી હતી. ઈઝરાયલની માંગ પર રવિવારે સાંજે 4 વાગ્યે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજાવા જઈ રહી છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે ઈઝરાયલને મદદ કરવા જઈ રહ્યું છે. સાથે જ ઈઝરાયલના અધિકારીઓએ કહ્યું છે કે ઈરાનના હુમલાનો ચોક્કસપણે બદલો લેવામાં આવશે.

ઈઝરાયલ પર હુમલા બાદ ઈરાને શું કહ્યું?

ઈરાને કહ્યું છે કે આ હુમલો ઈઝરાયલના ગુનાઓની સજા તરીકે કરવામાં આવ્યો હતો. ઈરાને દમાસ્કસમાં ઈઝરાયલના હુમલાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં બે કમાન્ડર સહિત સાત સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશને અમેરિકાને આ બાબતથી દૂર રહેવાની ચેતવણી આપતાં કહ્યું છે કે, "જો ઈઝરાયલ બીજી ભૂલ કરશે તો ઈરાનનો હુમલો વધુ શક્તિશાળી હશે." અમે બદલો લઈ લીધો છે. હવે મામલો ખતમ થયો એમ સમજો. 

ઇઝરાયલમાં યુદ્ધ કેબિનેટની બેઠક

ઈઝરાયલના સૈન્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ આ હુમલાને તણાવમાં ગંભીર વધારો ગણાવ્યો છે. તેમણે કહ્યું, "આ હુમલાથી પહેલાથી જ ચાલી રહેલા તણાવમાં ગંભીર અને ખતરનાક વધારો થયો છે. ઈરાનના આ મોટા પાયે હુમલા પહેલા જ અમારી રક્ષણાત્મક અને આક્રમક ક્ષમતાઓ સંપૂર્ણ રીતે તૈયાર હતી." ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેલ અવીવમાં યુદ્ધ કેબિનેટની બેઠક બોલાવી છે. જેમાં ઈરાન સામે જવાબી કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

ઈરાનના હુમલા માટે પહેલેથી જ તૈયાર હતાઃ નેતન્યાહુ

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે અમારો દેશ ઈરાનથી સીધા હુમલા માટે પહેલાથી તૈયાર હતો. અમારી સંરક્ષણ પ્રણાલી મજબૂત છે, અમે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ, પછી તે રક્ષણાત્મક હોય કે આક્રમક ઈઝરાયલ એક મજબૂત દેશ છે. ઇઝરાયલની સેના મજબૂત છે અને તેના લોકો પણ મજબૂત છે." બેન્જામિન નેતન્યાહુએ શપથ લીધા કે જે કોઈ અમને દુઃખ પહોંચાડશે અમે તેને નુકસાન પહોંચાડીશું. તેમણે કહ્યું, "અમે ઇઝરાયલની સાથે ઉભા રહેવા માટે અમેરિકાના વખાણ કરીએ છીએ, તેમજ બ્રિટન, ફ્રાન્સ સહિતના તમામ દેશો અમારી સાથે ઉભા છે. અમારો એક જ સિદ્ધાંત છે - જે અમને નુકસાન પહોંચાડે છે, અમે તેને નુકસાન પહોંચાડીશું.

ઈઝરાયલના સાથીઓએ શું કહ્યું?

અમેરિકાએ કહ્યું છે કે તે ઈઝરાયલને ઈરાનથી બચાવવામાં મદદ કરશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એડ્રિયન વોટસને જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિ જો બાઈડન ખૂબ જ સ્પષ્ટ છે કે ઇઝરાયલ માટે અમારું સમર્થન ચાલુ રહેશે. અમેરિકા ઇઝરાયલના લોકો સાથે ઉભું રહેશે અને ઇરાનના આ જોખમો સામે તેમના સંરક્ષણને સમર્થન આપશે."

જર્મન ચાન્સેલર શું બોલ્યાં? 

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું, "ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલો બેજવાબદાર છે. તેને કોઈપણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. ઈરાન સામે હવે કડક કાર્યવાહી થઇ શકે છે. અમે ઈઝરાયલની પડખે ઊભા છીએ અને હવે અમે દરેક બાબત પર ચર્ચા કરીશું. 

બ્રિટનના વડાપ્રધાન શું બોલ્યાં? 

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પણ ઈરાનના હુમલાની ટીકા કરી છે. તેમણે કહ્યું, "હું ઇઝરાયલ વિરુદ્ધ ઈરાની શાસનના અવિચારી હુમલાઓની સખત નિંદા કરું છું. આ હુમલાઓથી તણાવ વધવાનો અને પ્રદેશને અસ્થિર કરવાનો ભય છે. ઈરાને ફરી એક વાર બતાવ્યું છે કે તે પોતાના ક્ષેત્રમાં અરાજકતા ફેલાવવાનો જ ઈરાદો ધરાવે છે. 

200 મિસાઈલો ઝીંકી ઈરાને કહ્યું - બદલો પૂરો, નેતન્યાહૂની વૉર કેબિનેટ બેઠક, સહયોગીઓ શું બોલ્યાં? 2 - image


Google NewsGoogle News