Get The App

એક-બીજા પર મિસાઈલ છોડ્યા બાદ અંતે પાકિસ્તાન અને ઈરાન શાંત પડ્યા, તણાવ ઓછો કરવા થયા સહમત

- ઈરાને મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુન્ની ચરમપંથીઓ જૈશ-અલ-અદલના ઠેકાણા પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
એક-બીજા પર મિસાઈલ છોડ્યા બાદ અંતે પાકિસ્તાન અને ઈરાન શાંત પડ્યા, તણાવ ઓછો કરવા થયા સહમત 1 - image


ઈસ્લામાબાદ, તા. 20 જાન્યુઆરી 2024, શનિવાર

ઈરાનની એર સ્ટ્રાઈકના જવાબમાં મિસાઈલ છોડ્યા બાદ અંતે પાકિસ્તાન હવે પાછળ હટી ગયુ છે. પાકિસ્તાને શિયા બહુમતી ધરાવતા દેશ ઈરાન સાથેના હાલમાં ઊભા થયેલા તણાવને ઓછો કરવાના સંકેત આપ્યા છે. પાકિસ્તાનની કેબિનેટે ઈરાન સાથે ચાલી રહેલા આ તણાવને ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

ઈરાનના હુમલામાં 2 બાળકો માર્યા ગયા અને 3 લોકો ઘાયલ

ઈરાને મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુન્ની ચરમપંથીઓ જૈશ-અલ-અદલના ઠેકાણા પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. તેના પર પાકિસ્તાને કહ્યું હતું કે, ઈરાનના હુમલામાં 2 બાળકો માર્યા ગયા અને 3 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાને ઈરાનને આ હુમલાના ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. તેના એક દિવસ બાદ પાકિસ્તાને ઈરાનના હુમલાના જવાબમાં ઈરાનના સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતના પંજગુર વિસ્તારમાં આવો જ હુમલો કર્યો હતો. ઈરાને જણાવ્યું હતું કે, આ હુમલામાં 9 લોકો માર્યા ગયા હતા. જોકે, તેમાંથી કોઈ પણ ઈરાનનું નાગરિક નહોતું.

હુમલામાં કિલર ડ્રોન, રોકેટ અને અન્ય હથિયારોનો ઉપયોગ

પાકિસ્તાન એરફોર્સે ઈરાનના સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં ચરમપંથી સંગઠન બલુચિસ્તાન લિબરેશન આર્મી અને બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટના ઠેકાણાને ટાર્ગેટ કર્યા હતા. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલા આ હુમલામાં કિલર ડ્રોન, રોકેટ અને અન્ય હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલાના થોડા કલાકો પહેલા જ ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દોલ્લાહિયાને તેમના પાકિસ્તાની વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી હતી.

લાંબી ચર્ચા બાદ અંતે બંને નેતાઓ તણાવ ઓછો કરવા અંગે થયા સહમત

સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને અમેરિકાએ બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી હતી. જ્યારે ચીને પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થતા કરવાની ઓફર કરી હતી. એક અહેવાલ પ્રમાણે આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની અને ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દોલ્લાહિયન વચ્ચે બંને દેશો વચ્ચે ચાલી રહેલા વર્તમાન તણાવ અંગે ફોન પર વાતચીત થઈ હતી. લાંબી ચર્ચા બાદ અંતે બંને નેતાઓએ તણાવ ઓછો કરવા સહમતિ વ્યક્ત કરી હતી.

ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દોલ્લાહિયને એક નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને બિનઅસરકારક કરવા અને તેને નષ્ટ કરવા માટે બંને દેશોનો સહયોગ જરૂરી છે.


Google NewsGoogle News