Get The App

ઈરાન અને હિઝબુલ્લાહ અમારી ધીરજની કસોટી ન કરે : નેતન્યાહૂ

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
ઈરાન અને હિઝબુલ્લાહ અમારી ધીરજની કસોટી ન કરે : નેતન્યાહૂ 1 - image


- લેબેનોન સરહદે હિઝબુલ્લાહે ઈઝરાયલની સર્વેલન્સ સિસ્ટમ તોડી પાડી

- યુદ્ધ વિરામનો ઈઝરાયલ-હમાસનો ઈનકાર,  બંને પક્ષે સામ-સામા હુમલા યથાવત્ : મૃત્યુઆંક વધીને 2800ને પાર, 11 હજાર લોકો ઈજાગ્રસ્ત બન્યા

તેલ અવીવ : ઈઝરાયલ અને હમાસ વચ્ચે જંગ જામ્યો છે. એ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે જો ઈઝરાયલ હુમલા રોકી દેશે તો હમાસ ઈઝરાયલના નાગરિકોને મુક્ત કરી દેશે. એ નિવેદન વચ્ચે હવે ઈઝરાયલ અને હમાસ બંનેએ યુદ્ધવિરામની વાતનો ઈનકાર કર્યો હતો. ઈઝરાયલે હમાસનો સફાયો કર્યો હોવા છતાં હજુ હમાસે રોકેટ હુમલા શરૂ રાખ્યા છે. બીજી તરફ ઈઝરાયલના વડાપ્રધઆન બેન્જામિન નેતન્યાહૂએ સેનેટમાં કહ્યું હતું કે ઈરાન અને હિઝબુલ્લાહ અમારી ધીરજની કસોટી કરવાનું બંધ કરે, નહીં તો પરિણામ સારું નહીં હોય.

ઈઝરાયલી સંસદને સંબોધતી વખતે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે ઈરાન અને હિઝબુલ્લાહ અમારી ધીરજની કસોટી ન કરે. નહીં તો એનું પરિણામ સારુ નહીં આવે. તેમણે વિશ્વને આ યુદ્ધમાં સમર્થન આપવાની અપીલ કરી હતી. આતંકવાદ સામે દુનિયાએ ભેગા મળીને લડવું જોઈએ એવું કહીને નેતન્યાહૂએ ઉમેર્યું હતું કે ૭૫ વર્ષ વીતી જવા છતાં હજુ આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ પૂરો થયો નથી. હજુ લડત ચાલું છે અને આપણે આ લડતમાં અવશ્ય જીતીશું. હમાસને ઉખાડી ફેંકવાનો નિર્ધાર કરાયો હતો.

લેબેનોન સરહદે ઈઝરાયલની સર્વેલન્સ સિસ્ટમને લેબેનોનમાંથી ઈઝરાયલમાં આતંકવાદી પ્રવૃત્તિ કરતા આતંકી સંગઠન હિઝબુલ્લાહે તોડી પાડી હતી. એ પછી ઈઝરાયલે હિઝબુલ્લાાને ચેતવણી આપી હતી. અગાઉ ઈરાને પણ હમાસને સમર્થન આપીને આડકતરી યુદ્ધની ધમકી આપી હતી. એના સંદર્ભમાં બેન્જામિન નેતન્યાહૂએ આ નિવેદન આપ્યું હતું. ઈઝરાયલે ચાર કલાક ગાઝામાં હુમલો નહી ંકરવાની જાહેરાત કરી હતી ત્યારથી યુદ્ધવિરામની શક્યતા અંગે ચર્ચા થતી હતી, પરંતુ સામ-સામા હુમલા યથાવત્ રહ્યા હતા. તે એટલે સુધી કે કાટમાળમાં ૧૦૦૦થી વધુ પેલેસ્ટાઈનના નાગરિકો ફસાયા હોવા છતાં ઈઝરાયલના સૈન્યએ હુમલા કર્યા હતા. બીજી તરફ હમાસને મરણતોલ ફટકા પડયા હોવા છતાં હમાસના આતંકીઓએ પણ ઈઝરાયલ પર રોકેટ હુમલા કર્યા હતા.

આ યુદ્ધમાં મૃત્યુઆંક ૨૮૦૦ને પાર પહોંચી ગયો છે અને ઈજાગ્રસ્તોની સંખ્યા પણ ૧૧ હજાર થઈ ગઈ છે. એક જ દિવસમાં ૨૫૦ લોકોનાં મોત થયા હતા. ઈઝરાયલના સૈન્યએ કહ્યું હતું કે ૧૯૯ નાગરિકો હમાસના કબજામાં છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે હમાસને તુરંત નાગરિકોને મુક્ત કરવા જણાવ્યું હતું.

દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઈડેનનું એક નિવેદન ચર્ચાસ્પદ બન્યું હતું. બાઈડેને કહ્યું હતું કે ગાઝા પર કબજો કરવાનું યોગ્ય નથી. બાઈડેને કહ્યું હતું કે ગાઝામાં જે થયું તેના માટે હમાસ જવાબદાર છે. હમાસનો સંપૂર્ણ સફાયો થાય તે યોગ્ય છે. કારણ કે હમાસ આતંકી સંગઠન છે અને તે પેલેસ્ટાઈનનું પ્રતિનિધિત્વ નથી કરતું. જોકે, ગાઝા પર ઈઝરાયલ ફરીથી કબજો કરશે તો એ ભૂલ ગણાશે. પ્રમુખના નિવેદન બાદ અમેરિકા સ્થિત ઈઝરાયલના રાજદૂતે કહ્યું હતું કે ગાઝા પટ્ટી પર કબજો કરવાનો ઈઝરાયલનો ઈરાદો નથી.


Google NewsGoogle News